નવી દિલ્હી(New Delhi): નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) એ ઝારખંડના ભૂતપૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ ચૂંટણી 2022 માટે તેના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. બીજેપીની સંસદીય બોર્ડની બેઠક બાદ પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ મંગળવારે દ્રૌપદી મુર્મુ(Draupadi Murmu)ની ઉમેદવારીની જાહેરાત કરી. રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાયા બાદ દ્રૌપદી મુર્મુ આદિવાસી સમુદાયના ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ હશે.
આદિવાસી નેતા દ્રૌપદી મુર્મુને ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવાની લાંબી અને મુશ્કેલ મુસાફરી રહી છે. ઓડિશાના મયુરભંજ જિલ્લાના બૈદાપોસી ગામમાં 20 જૂન 1958ના રોજ જન્મેલી દ્રૌપદી મુર્મુ આદિવાસી સંથાલ પરિવારની છે. તેના પિતાનું નામ બિરાંચી નારાયણ ટુડુ છે.
દ્રૌપદી મુર્મુના લગ્ન શ્યામ ચરણ મુર્મુ સાથે થયા હતા અને તેમને ત્રણ બાળકો હતા. પરંતુ, દ્રૌપદી મુર્મુનું અંગત જીવન કરૂણાંતિકાઓથી ભરેલું રહ્યું છે અને તેણે તેના પતિ અને બંને પુત્રોને ગુમાવ્યા છે. તેમની પુત્રી ઇતિશ્રીના લગ્ન ગણેશ હેમબ્રમ સાથે થયા છે.
BJP-led NDA announces Draupadi Murmu name as Presidential candidate for the upcoming elections pic.twitter.com/4p1IOizaQ0
— ANI (@ANI) June 21, 2022
જોકે, દ્રૌપદી મુર્મુએ મુશ્કેલીઓ સામે ક્યારેય હાર ન માની અને તમામ અવરોધોને પાર કરીને, તેણે ભુવનેશ્વરની રમાદેવી મહિલા કોલેજમાંથી આર્ટ્સમાં ડિગ્રી સાથે સ્નાતક થયા. આ પછી તેને ઓડિશા સરકારના સિંચાઈ અને વીજળી વિભાગમાં જુનિયર આસિસ્ટન્ટ એટલે કે ક્લાર્ક તરીકે નોકરી મળી. બાદમાં તેમણે રાયરંગપુરમાં શ્રી ઓરોબિંદો ઇન્ટિગ્રલ એજ્યુકેશન સેન્ટરમાં માનદ સહાયક શિક્ષક તરીકે પણ કામ કર્યું.
સંથાલ સમુદાયમાં જન્મેલી, દ્રૌપદી મુર્મુએ વર્ષ 1997માં ઓડિશામાં રાયરંગપુર નગર પંચાયતમાં કાઉન્સિલર તરીકે પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી અને ત્યારબાદ વર્ષ 2000માં ઓડિશા સરકારમાં મંત્રી બની હતી. રાયરંગપુરથી બે વખત ધારાસભ્ય રહી ચૂકેલી દ્રૌપદી મુર્મુએ 2009માં તેમની વિધાનસભા બેઠક જીતી હતી. પછી પણ બીજુ જનતા દળ (બીજેડી)એ ઓડિશાની ચૂંટણીના થોડા અઠવાડિયા પહેલા ભાજપ સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. મુખ્યમંત્રી નવીન પટનાયકની પાર્ટી બીજેડી એ ચૂંટણી જીતી હતી.
દ્રૌપદી મુર્મુને વર્ષ 2007માં ઓડિશા વિધાનસભા દ્વારા વર્ષના શ્રેષ્ઠ ધારાસભ્ય માટે નીલકંઠ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેમની પાસે ઓડિશા સરકારમાં પરિવહન, વાણિજ્ય, મત્સ્યપાલન અને પશુપાલન જેવા મંત્રાલયો સંભાળવાનો અનુભવ છે.
દ્રૌપદી મુર્મુ ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઓડિશા એકમના અનુસૂચિત જનજાતિ મોરચાના ઉપપ્રમુખ અને બાદમાં પ્રમુખ પણ હતા. તેમને 2013માં બીજેપી નેશનલ એક્ઝિક્યુટિવ (ST મોરચા)ના સભ્ય તરીકે પણ નામાંકિત કરવામાં આવ્યા હતા.
દ્રૌપદી મુર્મુને ઝારખંડની પ્રથમ મહિલા રાજ્યપાલ બનવાનું ગૌરવ પણ છે. દ્રૌપદી મુર્મુને 18 મે 2015ના રોજ ઝારખંડના 9મા રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા અને 12 જુલાઈ 2021 સુધી આ પદ પર રહ્યા હતા. જો, તે રાષ્ટ્રપતિ માટે ચૂંટાય છે, તો તે સ્વતંત્રતા પછી જન્મેલા પ્રથમ રાષ્ટ્રપતિ પણ હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.