દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને ધમરોળ્યા બાદ હવે સૌરાષ્ટ્ર-કચ્છમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને આજે(10 જૂલાઈ) સવારથી સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી, જામનગર અને સુરેન્દ્રનગરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે અધિકારીઓ સાથે વરસાદની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, રાજ્યમાં બે દિવસમાં વરસાદને કારણે 11 લોકોનાં મોત થયા છે, જ્યારે છ હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે મોરબીમાં ત્રણ વાગ્યાની આસપાસ દિવાલ પડતા 8 લોકોના મોત થયા છે. આમ રાજ્યમાં વરસાદને કારણે 19ના મોત થયા છે.
ટંકારા અને મોરબીમાં સૌથી વધુ 10 ઈંચ વરસાદ.
સ્ટેટ ઈમર્જન્સીના ઓપરેશન સેન્ટર મુજબ, સવારના છ વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લાના ટંકારામાં 258 મિ.મિ. એટલે કે 10 ઈંચ જ્યારે મોરબી તાલુકામાં 257 મિ.મિ. 10 ઈંચ વરસાદ પડ્યો છે. તેમાં પણ ટંકારામાં સવારના 10થી 12 વાગ્યા વચ્ચે બે કલાકમાં જ 130 મિ.મિ. એટલે કે પાંચ ઈચ વરસાદ પડ્યો છે અને સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં 209 મિ.મિ. એટલે કે 8 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.
કયાં કેટલો વરસાદ ?
આ સિવાય જામનગરના કાલાવડમાં 189 મિ.મિ., પાટણ જિલ્લાના રાધનપુરમાં 165 મિ.મિ., રાજકોટના લોધિકામાં 175 મિ.મિ., મોરબીના માળિયા મિયાણામાં 171 મિ.મિ., પડધરીમાં 164 મિ.મિ., રાજકોટ શહેરમાં 142 મિ.મિ., જામનગરના જોડીયામાં 132 મિ.મિ., જૂનાગઢના ભેસાણમાં 103 મિ.મિ., બનાસકાંઠાના સુઈગામમાં 124 મિ.મિ., કચ્છના રાપરમાં 112 મિ.મિ., જામનગર જિલ્લા અને તાલુકામાં 105 મિ.મિ. વરસાદ પડ્યો છે.
જાણો ડેમોની સ્થિતિ.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં પાછલા 24 કલાકના વરસાદથી ઉકાઈ અને સરદાર સરોવર નર્મદા ડેમ ભરાઈ ગયા છે. રાજ્યમાં 17 ડેમ 100 ટકા ભરાઈ ગયા છે. તેમજ 42 ડેમ 70 ટકા થી વધુ ભરાઈ ગયા છે. ગયા વર્ષે ચોમાસું પૂરું થયું ત્યારે રાજ્યના જળાશયો માં 56 ટકા પાણી હતું જયારે આ વર્ષે સારા વરસાદથી અત્યાર સુધીમાં જ કુલ 60 ટકા જળ સંગ્રહ થઇ ગયો છે.
18 NDRF તેમજ 11 SDRF ટુકડીઓ ઉપરાંત આર્મી અને એરફોર્સ તહેનાત.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વરસાદની વિગતો આપતા કહ્યું કે સમગ્ર રાજ્ય માં 250 મિ.મિ. થી ઓછો વરસાદ થયો હોય તેવા માત્ર 15 જ તાલુકા રહ્યા છે, બાકીના બધા જ તાલુકાઓમાં 250 મિ.મિ.પાણી પડ્યું છે. રાજ્યમાં ગત વર્ષે 10 ઓગષ્ટ સુધીમાં 459.91 મિ.મિ. વરસાદ થયો હતો તેની સામે આ વર્ષે 634.82 મિ.મિ. વરસાદ વરસ્યો છે. તેમણે કહ્યું કે રાજ્યમાં 18 NDRF તેમજ 11 SDRF ટુકડીઓ ઉપરાંત આર્મી અને એરફોર્સ પણ વરસાદી સ્થિતિમાં બચાવ રાહત માટે તૈનાત છે.
આવનારા 24 કલાકમાં ભારે વરસાદની આગાહી છે.
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા પાસે વાવણી ગામમાં પાણીમાં ટ્રેક્ટરમાં ફસાયેલા લોકોને તેમજ જામનગરના બાલંભાના એક બહેનને હેલિકોપ્ટરથી એરલિફ્ટ કરી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું કે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર કચ્છ માં આગામી 24 કલાક માં વરસાદ ની કરેલી આગાહી ને પગલે આ વિસ્તાર સહિત સમગ્ર રાજયના જિલ્લા કલેક્ટરો અને તંત્ર ને સાબદા કર્યા છે.