અંકલેશ્વર GIDCમાં ભભૂકી ઉઠી વિકરાળ આગ- ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડયા, કંપનીમાં મચી અફરાતફરી

Published on Trishul News at 11:10 AM, Sat, 10 February 2024

Last modified on February 10th, 2024 at 11:12 AM

Fire at Ankleshwar GIDC: આજે વહેલી સવારે અંકલેશ્વરમાં આવેલી GIDCમાં પેકેજીંગ કંપનીમાં(Fire at Ankleshwar GIDC) ભીષણ આગ લગાવની ઘટના બની છે. જેને કારણે કંપનીમાં અફરાતફરી મચી ગઈ છે. આગ એટલી વિશાલ છે કે તેના ધૂમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે. આગની ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તરત જ ઘટના સ્થળે દોડી આવી હતી.

વહેલી સવારે આગની ઘટના બની
અંકલેશ્વરની GIDCમાં આવેલી જૈન પેકેજીંગ કંપનીમાં ભયંકર આગ લાગતા અફરાતફરીનો માહોલ છવાઈ ગયો છે. આ આગનું સ્વરૂપ એટલું વિકરાળ છે કે, તેના ધુમાડા પાંચ કિલોમીટર સુધી જોવા મળી રહ્યા છે. આ કંપનીમાં લાકડાના બેલેટ બનાવવામાં આવી રહ્યા છે. આગની જાણ થતાં જ અંકલેશ્વર, પાનોલી સહિતના ફાયર ફાયટરો આગ પર કાબુ મેળવવાની કામગીરીમાં પણ લાગી ગયા છે. આજે વહેલી સવારે આ ભયનાક આગ ભભૂકી ઉઠી હતી.

આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો
અંકલેશ્વરની DPMC અને પાનોલીના DPMCના ફાયર ટેન્ડરો દ્વારા આગ ઉપર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે. હજુ પણ આગ યથાવત ચાલુ જ છે. જોકે, આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. આ ઘટનાની જાણ થતાની સાથે તરત જ જીપીસીબી એસડીએમ DISH ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

આગની ચપેટમાં અન્ય બે નાની કંપનીઓ પણ આવી
વહેલી સવારે જૈન પેકેજીંગ કંપનીમાં લાગેલી આગે વિશાલ સ્વરૂપ ધારણ કરી લેતા કંપનીની આજુ બાજુમાં આવેલી અન્ય બે નાની કંપનીઓને પણ લપેટમાં લઈ લીધી છે. ત્યારે DPMC ના અંદાજીત 10 થી વધારે ફાયર ટેન્ડરો ભારે જહેમતથી આગ પર કાબુ મેળવવાના ઘણા પ્રયાસો હાથ ધર્યા છે. જોકે, આગમાં કોઈ જાનહાની થઈ નથી.

મળતી માહિતી અનુસાર, આજથી બે દિવસ પહેલા જ અંકલેશ્વર GIDCની એશિયન પેઇન્ટ ચોકડીથી રાજપીપળા ચોકડી વચ્ચે ગુજરાત ગેસની લાઈન તૂટી જવાના કારણે આગ ફાટી નીકળી હતી. જેથી અફરાતફરી મચી હતી. આ ઘટનામાં આગની લપેટમાં આવી જતાં એક કેબિન બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે તરત જ દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.