છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં શ્વાન કરડવાની ઘટના સામે આવી રહી છે. ત્યારે હાલ સુરતના અલથાણ ગામમાં પાચ વર્ષની નાની બાળકી પર બે શ્વાન તૂટી પડ્યા હતા અને થાપાના ભાગે કરડી ગયા હતા. આથી બાળકીને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી રખડતા શ્વાનના હુમલામાં વધારો થયો છે. છેલ્લા 40 દિવસમાં શ્વાનના હુમલામાં બે બાળકોના મોત થયા છે.
સુરતના અલથાણ ગામમાં શ્વાનનો આતંકનો કિસ્સો સામે આવ્યો છે. ઘર પાસે રમતી પાંચ વર્ષની બાળકી મહેક રાઠોડ પર બે શ્વાનોએ હુમલો કર્યો હતો. જેમાં બાળકીને પગમાં ગંભીર ઈજા થઈ હતી. જોકે, આસપાસના લોકોએ તેને બચાવી લેતા બાળકીને શ્વાનના ચુંગાલમાંથી છોડાવવામાં આવી હતી. ત્યારપછી બાળકીને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હતી.
મહેકની માતા આરતીબેન રાઠોડે જણાવ્યું કે, મહેક ઘર પાસે રમી રહી હતી ત્યારે પાછળથી એક કૂતરો આવીને કરડી ગયો હતો. સ્થાનિક લોકોએ મહેકને કૂતરાઓથી બચાવી અને હોસ્પિટલ લઈ ગયા. આ વિસ્તારમાં 10 થી વધુ શ્વાન છે. એકબાજુ પાલિકા કૂતરાઓને પકડે છે પરંતુ હજુ પણ ત્રણ કૂતરા અહીં ખુલેઆમ ફરી રહ્યા છે.
સુરતમાં બાળકો પર કૂતરાના હુમલામાં વધારો નોંધાયો છે. બાળકોને કૂતરા કરડવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવી ઘટનાઓ બાદ લોકોમાં શ્વાનનો ભય વધી રહ્યો છે. આવા બનાવો બાદ લોકોમાં શ્વાનનો ભય વધી રહ્યો છે, અને કહી રહ્યા છે કે મહાનગરપાલિકાનું તંત્ર કૂતરાઓના અત્યાચારને દૂર કરવા માટે કોઈ પ્રયાસ કરતું નથી. કૂતરાઓના આ ઘાતકી હુમલાને પગલે લોકોમાં રોષની લાગણી છવાઈ ગઈ છે.
આ પહેલા પણ ખાજોદ વિસ્તારમાં એક બાળકીનું શ્વાને બચકા ભરી લેતા તેને સિવિલ હોસ્પિટલમાં બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આની પહેલા પણ વરાછા અને વેડ દરવાજા વિસ્તારમાં કૂતરાઓ બાળકોને બચકાં ભર્યા હોવાની ઘટના સામે આવી હતી. આ પછી ભેસ્તાન વિસ્તારમાંથી વધુ એક ઘટના સામે આવી છે. પાંચ-સાત કૂતરાઓએ પાંચ વર્ષના બાળક સોહિલ પર હુમલો કર્યો, જેના કારણે બાળકનું મોત થયું.
છેલ્લા 40 દિવસમાં કૂતરા કરડવાથી બે બાળકોના મોત થયા છે. સુરત મહાનગર પાલિકા દ્વારા રખડતા કૂતરાઓ માટે કરવામાં આવતી કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. તંત્ર દ્બારા રસીકરણ અને ખસીકરણની કામગીરી પાછળ લાખો-કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ યોગ્ય કામ કરતા હોય તેવા બરાડા પાડવામાં આવી રહ્યા છે. તો આ ઘટનાએ તંત્રની કામગીરી ખુલ્લી પાડી છે અને તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા કર્યા છે.