અમદાવાદ(Ahmedabad): મનના ઈરાદાઓ તો હતા મક્કમ, પરંતુ જિંદગી સામે જંગ હારી’ ફક્ત એક જ દિવસ માટે અમદાવાદ જિલ્લા કલેકટર બનેલી 11 વર્ષીય યુવતી ફ્લોરા(Flora)એ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. છેલ્લા કેટલાક મહિનાઓથી તેની હોસ્પીટલમાં બ્રેન ટ્યુમર(Brain tumor)ની સારવાર ચાલી રહી હતી અને એક સ્વયંસેવી સંસ્થા દ્વારા અમદાવાદ જિલ્લા કલેકટરને ફ્લોરાની IAS બનવાના સ્વપ્ન વિષે ખબર પડતા તેમની ઈચ્છા પૂરી કરવાનો એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
આ બીમારી એવી હતી કે તરત જ તેની ઈચ્છા પૂર્ણ થાય તેમ નહોતી. અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાંગલેએ ફ્લોરાને માન-સન્માન સાથે 18 સપ્ટેમ્બરે એક દિવસિય માટે અમદાવાદ જિલ્લા કલેકટરનો ચાર્જ સોંપ્યો હતો. ફ્લોરાના નિધનથી કલેકટર ખુદ ભાવુક થયા હતા અને તેમણે ટ્વીટર પર શ્રદ્ધાંજલિ આપતા બહાદુર દીકરી ફ્લોરા આસોડિયાના નિધનથી ખૂબ જ દુ:ખની લાગણી વ્યક્ત કરી છે. સાથે સાથે તેના પરિવારજનોને પણ સાંત્વના પાઠવી છે.
સરગાસણમાં રહેતી 11 વર્ષની દિવ્યાંગ દીકરી ફ્લોરાને આજથી 7 મહિના પહેલા તાવ આવ્યો હતો. ફ્લોરાની તબિયત નહીં સુધરતા અંતે તેણે રિપોર્ટ કરાવ્યા હતા અને આ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે, દીકરી ફ્લોરાને બ્રેઈન ટ્યુમર છે. 11 વર્ષીય ફ્લોરાનું સપનું કલેક્ટર બનવાનું છે. ફ્લોરાના માતા-પિતા એવું વિચારતા હતા કે હવે ફ્લોરાનું કલેક્ટર બનવાનું સપનું હવે કેવી રીતે પૂરું થશે? ત્યારબાદ એક એનજીઓ દ્વારા અમદાવાદ શહેરના કલેક્ટર સુધી આ સમગ્ર વાત પહોંચી હતી. અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ ફ્લોરાની કલેક્ટર બનવાની ઇચ્છાને અંતે પૂર્ણ કરી હતી.
માત્ર 11 વર્ષની ફ્લોરા એક દિવસ માટે કલેક્ટર બનવાની છે. તે વિશે જાણકારી મળતાની સાથે જ કલેક્ટર કચેરીના કર્મચારીઓ પણ કચેરીની બહાર મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. જેમ મોટા અધિકારી કોઈ ઓફિસમાં પહોંચે ત્યારે તેમનું ભવ્યથી અતિભવ્ય રીતે સ્વાગત કરવામાં આવે તે રીતે ફ્લોરાનું બુકેથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ ફ્લોરાએ વિધવા બહેનોને સહાય, વ્હાલી દીકરી યોજના વગેરેના પ્રમાણપત્ર લાભાર્થીઓને વિતરણ કર્યા હતા.
અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાંગલેએ જણાવતા કહ્યું હતું કે, 11 વર્ષની દીકરી ફ્લોરા ભણવામાં ખૂબ જ હોશિયાર હતી. તેને બ્રેઈન ટ્યુમરની બીમારી હતી. ફ્લોરાનું એક માત્ર સપનું હતું કે તે કલેકટર બને. ત્યારે તેની કલેકટર બનાવીને ઈચ્છા અંતે પૂર્ણ થઇ હતી. સંદીપ સાંગલેએ વધુમાં જણાવ્યું કે, NGO મારફતે આ દીકરીની કલેક્ટર બનવા અંગેની વિગતો મળી હતી. જે બાબતે કચેરી મારફતે ખરાઈ કરીને તેની ઈચ્છા પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કલેક્ટર સંદીપ સાંગલેએ ફ્લોરાને પોતાની ખુરશી પર બેસાડીને તેને એક દિવસની અમદાવાદની કલેક્ટર બનાવવામાં આવી હતી. સાથે આગામી અઠવાડિયે ફ્લોરાનો જન્મદિવસ હોવાથી કલેક્ટર કચેરી ખાતે કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.