ભાદરવી પૂનમમાં છલકાઈ મા અંબાની દાનપેટી: 4 જ દિવસમાં 20 લાખથી વધુ માઈભક્તોએ કર્યા દર્શન- અધધધ… આટલા કરોડનું મળ્યું દાન

Ambaji Bhadarvi Poonam Melo 2023: ભાદરવી પૂનમના મેળાનો પાંચમો દિવસે એટલે આજે છે. ભાદરવી પૂનમના મેળાને લઇ માઈ ભક્તોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બોલ મારી અંબે જય જય અંબેના નારથી અંબાજીના માર્ગો ગૂંજી રહ્યા છે. અંબાજીમાં ભક્તોનો ઘણો જમાવડો જોવા મળી રહ્યો છે. દાતાથી અંબાજી(Ambaji Bhadarvi Poonam Melo 2023) જતાં 20 કિલોમીટર પહોડી વિસ્તારોમાં પણ ભક્તો ભક્તિના રંગે રંગાઇને બોલ મારી અંબે જય જય અંબે નાર સાથે થાક્યા વિના આગળ વધી રહ્યા છે.

દાતાથી અંબાજીનો માર્ગ જેમાં અનેક ઢાળવાળા રસ્તાઓ આવેલા છે ત્રિશુળિયા ઘાટનો માર્ગ પસાર કરવો પગપાળા આવતા ભક્તો માટે કઠિન હોય છે, પરંતુ ભક્તોમાં માતાજીના ધામમાં પહોંચવા માટેનો એટલો ઉત્સાહ છે કે તેમને થાક પણ લાગતું નથી અને નાચતા-ગાતા માતાજીના રથ સાથે ભક્તો સતત આગળ વધી રહ્યા છે.

4 દિવસમાં 20,34,322 ભક્તોએ શીશ નમાવ્યું
અહી ભક્તોની ભારે ભીડને લઇ બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા ભક્તોને પણ કોઈ તકલીફ ન પડે તે માટે તમામ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે. બનાસકાંઠા કલેક્ટર સમગ્ર મેળાના સંચાલન પર નજર રાખી રહ્યા છે. કોઈ પણ વ્યક્તિને તકલીફ ન પડે તે માટે તમામ વ્યવસ્થાઓ તંત્ર દ્વારા પણ કરવામાં આવી છે. અંબાજી ખાતે 4 દિવસમાં 20,34,322 ભક્તોએ માં અંબાના દર્શન કરી ચૂક્યા છે.

ચોથા દિવસે 7 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા
ચોથા દિવસની આપણે વાત કરીએ તો ખાલી ચોથા દિવસે જ 7 લાખથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કર્યા છે અને 58,601 ભક્તોએ ભોજન પ્રસાદ લીધો છે. તો ચોથા દિવસે 3,18,370 મોહનથાળ પ્રસાદના પેકેટનું અને 9,741 ચીકીના પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

ચોથા દિવસે 1,44,500 ભક્તોએ બસમાં મુસાફરી કરી છે. ચોથા દિવસે 551 મંદિર શિખર પર ધજા ચડાવાઈ છે. ચોથા દિવસે ગબ્બર પર 8302 લોકોએ ઉડન ખટોલાનો પણ ઉપયોગ કર્યો છે. મેળા દરમિયાન 35 લાખથી વધુ ભક્તો દર્શન માટે આવે તેવી શક્યતા જોવા મળી રહી છે. ચોથા દિવસે કુલ 1,26,45,673ની કુલ આવક થઈ છે.

દોડાવવામાં આવી રહી છે 1200થી વધુ બસો
ભાદરવી પૂનમના મેળાને લઈને બનાસકાંઠા વહીવટી તંત્ર સજ્જ છે, કોઈપણ ભક્તને તકલીફ ન પડે તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ વર્ષે અંબાજીમાં ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. ભાદરવી પૂનમના મેળામાં અંબાજી આવતા પદયાત્રીકો અને ભક્તો માટે ગુજરાત એસટી નિગમ દ્વારા પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

રાજ્યના દરેક ખુણે જવા માટે બસ મળી રહે તે માટે 1200થી વધુ બસો દોડાવવામાં આવી રહી છે. ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી જતા પદયાત્રાળુઓ માટે રાજ્ય આરોગ્ય તંત્ર દ્વારા અંબાજી તરફના તમામ માર્ગો પર 24 કલાક આરોગ્ય સેવાઓ મળી રહે તેવી સુવિધાઓ પણ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *