કોરોના કાળના બે વર્ષ દરેક લોકો માટે ખુબ જ કઠીન હતા. તેમજ આ સમયગાળા દરમિયાન ન જાણે કેટલાય લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા. ત્યારે હાલ આવી જ એક ઘટના કપડવંજ (Kapdwanj, Gujarat)માંથી સામે આવી છે. જેમાં પરિવારે પહેલા કોરોનામાં એક સભ્ય ગુમાવ્યો અને તેનું દુઃખ સહન ન થતાં એક પિતાએ તેની જ 10 વર્ષની પુત્રીની હત્યા (Murder) કરી પોતે પણ ગળેફાંસો ખાઈ લીધો હતો. જ્યારે સ્થાનિકોએ તપાસ કરવા દરવાજો ખોલ્યો તો એક લટકતો મૃતદેહ અને 10 વર્ષની દીકરી તેની મૃત માતાના ફોટો સાથે ખુદ મૃત હાલતમાં ચાદરથી લપેટેલી જોવા મળી. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
મળતી માહિતી અનુસાર, ભાવિક અરવિંદભાઈ પટેલ અને તેમની દીકરી જોએલ અરવિંદભાઈ પટેલ Gujarat ના કપડવંજના રત્નાકર માતા રોડ પર વિશ્વાસ આર્કેડ ફ્લેટના પાંચમા માળે રહેતા હતા. તેમજ તેમની પત્નીનું કોરોનામાં મૃત્યુ નીપજ્યું હતું. જેના કારણે ભાવિક ખુબ જ દુ:ખી રહેતો હતો. દરરોજ તે પોતાની પત્નીના ફોટા સ્ટેટસમાં મુકતો હતો. ત્યારે આ અંગે પાડોશી વિનોદભાઈ સોનીએ જણાવ્યું છે કે, ભાવિકભાઈ અને તેમની દીકરી ખૂબ જ સારા પડોશી હતા.
દરવાજાને ધક્કો મારીને જોયુ કે તેની લાશ લટકતી હતી:
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, મારો દીકરો અને જોએલ દરરોજ સાથે ટ્યૂશન જતા હતા. આજે પણ તેને ટ્યૂશનમાં આવવાનું છે, તેવું પૂછવા મેં ભાવિકભાઈનો દરવાજો ખખડાવ્યો, તો દરવાજો ખુલ્લો હતો. જેથી મેં દરવાજાને ધક્કો માર્યો તો જોયું કે તેમની લાશ લટકતી હતી. હું ગભરાઈ ગયો અને દોડીને ચોથા માળે જઇ પડોશી મોન્ટુભાઈને બોલાવી મ્યુ.સભ્યને ફોન કરતાં તેમણે પોલીસને જાણ કરી હતી.
દીકરીની હત્યા કરી મૃત માતાના ફોટા જોડે સૂવડાવી દીધી…
ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક પણે ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ આ અંગે તપાસ હાથ ધરી હતી. ત્યારે તપાસ દરમિયાન આ ઘટના વિશે જણાવ્યું હતું કે 40-45 વર્ષની ઉંમરની આ વ્યક્તિએ પહેલા પોતાની પુત્રીની હત્યા કરી અને ત્યારબાદ પોતે પણ ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. સાથે જ મૃત બાળકીની બાજુમાં માતાનો ફોટો પણ હતો, જે કોરોનાકાળમાં ગુજરી ચૂક્યાં હતાં.
10 વર્ષની દીકરીની હત્યા કરી આપઘાત કરી લીધો:
આ દરમિયાન ઘટના સ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે, જેમાં લખેલું હતું કે અમારા બંનેનો હવે જવાનો સમય થઈ ચૂક્યો છે, હવે અમે આ દુનિયામાં રહેવા નથી માગતા, અમે જઈએ છીએ, ભૂલચૂક માફ કરજો. આ ઘટના લગભગ 3 વાગ્યા આજુબાજુ બનેલી હોવાનું જણાવ્યું હતુ. જોકે, હજુ સુધી આ સામૂહિક આપઘાત પાછળનું કોઈ નક્કર કારણ જાણવા મળ્યું નથી. હાલ બંનેના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.