ગુજરાત(gujarat): તાજેતરમાં ઉત્તર પશ્ચિમ(Northwest)ના ઠંડા પવન સીધા આવતા સમગ્ર રાજ્યમાં કોલ્ડવેવનો નવો રાઉન્ડ શરુ થઈ ગયો છે. જેની અસર તળે આગામી ચાર દિવસ સૌરાષ્ટ્ર(Saurashtra) અને ઉત્તર ગુજરાત(North Gujarat) સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં કાતિલ ઠંડી પડશે. જણાવી દઈએ કે, રવિવારે વિવિધ શહેરોનું લઘુતમ તાપમાન 7થી 12 ડિગ્રી ઘટી ગયું હતું. આ ઉપરાંત હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા તો ચેતવણી આપવામાં આવી છે કે, આ કોલ્ડવેવ દરમિયાન નલિયામાં 4 ડિગ્રી અને અમદાવાદમાં 7 ડિગ્રીની નીચે તાપમાનનો પારો જઈ શકે છે. જ્યારે ઠંડા પવનની સૌથી વધુ અસર ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, કચ્છ ઉપરાંત આખા સૌરાષ્ટ્રમાં રહેશે.
ગુજરાતમાં 2014 પછી પહેલીવાર એવું બન્યું છે કે, સળંગ બે મહિના ઠંડી પડી હોય. અગાઉ 2013ના ડિસેમ્બર અને 2014ના જાન્યુઆરીમાં 62માંથી 30 દિવસ કાતિલ ઠંડી પડી હતી. ત્યારે પણ નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ સ્થળ રહ્યું હતું જેનું સરેરાશ તાપમાન 11 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. અમદાવાદનું 2 મહિનાનું સરેરાશ તાપમાન 14-15 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. હાલ 8 વર્ષ પછી એવું બન્યું છે કે, ડિસેમ્બર અને જાન્યુઆરીના સળંગ બે મહિના ગુજરાતના મોટાભાગના શહેરો માટે ઠંડા રહ્યા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, સૌરાષ્ટ્રના કચ્છ, ભાવનગર, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢમાં મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર તથા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. ઠંડા પવન ફૂંકાવાને કારણે બાળકો, પ્રેગ્નન્ટ મહિલા તથા કોમોર્બિડ વૃદ્ધોને ખાસ સાવચેતી રાખવા જણાવ્યું છે. એક લેયરના ભારે અને ટાઈટ કપડાં પહેરવાની જગ્યાએ ઊનના એકથી વધુ લેયરનાં ખુલ્લાં કપડાં પહેરવાં જોઈએ. આ ઉપરાંત, તમારા હાથ, ગરદન, માથું અને પગને કવર કરીને રાખવા જોઈએ.
જણાવી દઈએ કે, રવિવારે ઉત્તર ગુજરાતમાં ઉત્તર-પૂર્વીય ઠંડા પવન ફૂંકાવાનું ફરી શરૂ થયું હતું. પ્રતિ કલાકે 12 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનને કારણે રાત્રિનું તાપમાન સાડા 7 ડીગ્રી ઘટ્યું હતું. જ્યારે દિવસનું તાપમાન પોણા 5 ડીગ્રી સુધી ઘટ્યું હતું. જેને લઇ ઠંડીનો પારો 11થી 13.3 ડીગ્રીની વચ્ચે જ્યારે દિવસનો પારો 21થી 22 ડીગ્રી વચ્ચે રહ્યો હતો. આ ઉપરાંત, મળતી માહિતી મુજબ આગામી 72 કલાકમાં ઠંડી 2થી 4 ડીગ્રી વધશે. આ સાથે જ 48 કલાક સુધી મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ઠંડા પવનો ફૂંકાશે, જેને લઇ ચારેય જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.