દશેરા પહેલા જ રાવણનું દહન: લાંબા સમયથી બીમાર દિગ્ગજ અભિનેતા અરવિંદ ત્રિવેદીનું દુઃખદ નિધન- ‘ઓમ શાંતિ’

રામાયણ (Ramayana) સીરિયલ (Serial) માં રાવણનું પાત્ર ભજવીને ઘરે-ઘરે લોકપ્રિય (Famous) બનેલા ગુજરાતી કલાકાર (Actor) અરવિંદ ત્રિવેદી (Arvind Trivedi) નું 5 ઑક્ટોબરની મોડી રાત્રે દુઃખદ અવસાન થયું હતું. મહત્વની વાત તો એ છે કે, અરવિંદ ત્રિવેદી ગુજરાતી ચલચિત્ર જગતના ભિષ્મ પિતામહ ગણાતા હતા. આની સાથે જ તેમણે સેંકડો લોકપ્રિય નાટકો તથા ફિલ્મો તેમજ ટીવી સીરિયલમાં કામ કર્યુ હતું.

અરવિંદ ત્રિવેદીના નિધનની જાણ થતા જ એમના નજીકના સંબંધીએ સોશ્યલ મીડિયા પર આ વાતની જાણ કરી હતી. તેમણે આ સમાચાર આપવાની સાથે દુઃખ વ્યક્ત કર્યુ હતું. રંગભૂમિના અદના કલાકાર એવા અરવિંદ ભાઈ ત્રિવેદીનો જન્મ 8 નવેમ્બર વર્ષ 1938માં મધ્ય પ્રદેશમાં આવેલ ઈન્દોરમાં થયો હતો.

કોણ હતા અરવિંદ ત્રિવેદી?
અરવિંદ ત્રિવેદી ગુજરાતી ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા હતા. કે, જેમણે મુખ્ય નાયક, ખલનાયક, સહાયક અભિનેતા અને ચરિત્ર અભિનેતા તરીકે 250થી પણ વધારે ગુજરાતી તથા હિન્દી ચલચિત્રોમાં અભિનય કર્યો હતો. તેમનાં ભાઇ ઉપેન્દ્ર ત્રિવેદીની સાથે તેમની કારકિર્દી 40થી વધારે વર્ષોમાં પથરાયેલી હતો. તેમણે પ્રખ્યાત ધારાવાહિક રામાયણમાં લંકાપતિ રાવણના પાત્રથી ખૂબ પ્રસિદ્ધિ મેળવી હતી.

રાજકારણમાં પણ રહ્યા હતા સક્રિય:
વર્ષ 1991માં તેઓ સાબરકાંઠા જિલ્લામાંથી લોકસભાનાં સાંસદ તરીકે ચૂંટાયા હતા તેમજ વર્ષ 1996 સુધી આ પદ પર રહ્યા હતાં. આની સાથોસાથ જ વર્ષ 2002માં તેમને ‘ભારતીય સેન્સર બોર્ડ’ એટલે કે, ‍CBFCનાં કાર્યકારી ચેરમેન તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.

અરવિંદ ત્રિવેદીની નોંધપાત્ર અભિનય સફર:
આપને જણાવી દઈએ કે, અરવિંદ ત્રિવેદીએ અંદાજે 300થી વધારે ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો હતો પણ તેમની કેટલીક નોંધપાત્ર ફિલ્મો તથા અભિનય સફર આ પ્રમાણે હતી કે, જેનાથી તેમને ખૂબ લોકપ્રિયતા મળી હતી. ‘પરાયા ધન’, ‘જેસલ તોરલ’, ‘આજ કી તાજા ખબર’, ‘કુંવરબાઇનું મામેરું’, ‘હોથલ’, ‘પદ્મિની’, ‘રામાયણ’, ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’, ‘મહિયારો’ જેવા ચલચિત્રોમાં કામ કર્યું હતું.

ખુબ જ જાણીતા થયેલ ગુજરાતી કલાકાર અરવિંદ ત્રિવેદીનું 82 વર્ષની વયે મુંબઈમાં અવસાન થતાં ગુજરાતી તેમજ હિન્દી સિનેજગતમાં પણ શોકનો માહોલ પથરાઈ ગયો હતો. આમ એમણે ખુબ જ લોકપ્રિયતા મેળવી હતી જેને કારણે એમના ચાહકોમાં પણ શોકનો માહોલ ફરી વળ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *