હાલમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ એક ટ્વિટને લઈને ચર્ચામાં છે. આ ટ્વીટમાં પ્રથમ વખત હાર્દિક પટેલ મોદી સરકારના સમર્થનમાં ઉતર્યા હતા પરંતુ તેમણે ટ્વિટ ડીલીટ કરી દીધું. એક ટ્વીટમાં હાર્દિક પટેલે AN-32 ગુમ થવાના મામલે ચીનને દોષિત ગણાવ્યું હતું. જેના પર તેઓ સોશિયલ મીડિયામાં ટ્રોલ થયા હતા.
હાર્દિક પટેલે ટ્વીટ કર્યું હતું, “ચીન મુર્દાબાદ હતું અને મુર્દાબાદ રહેશે. ચીનને કહેવા માગીએ છીએ કે અમારું વિમાન AN-32 અને જવાનોને પરત આપો. મોદી સાહેબ તમે ચિંતા ના કરો અમે બધા તમારી સાથે છીએ. ચીન પર સર્જિકલ સ્ટ્રાઇક કરો અને આપણા જવાનોને પરત લાવો.”
હાર્દિક પટેલના આ ટ્વીટ પર ભાજપના નેતા અને મોદી સરકારમાં મંત્રી કિરણ રિજીજુએ જવાબ આપ્યો હતો.તેમણે ટ્વીટ કરીને લખ્યું કે તમે કૉંગ્રેસ પક્ષના એક નેતા છો, તમને ખબર છે કે અરુણાચલ પ્રદેશ ક્યાં આવ્યું છે?
आप कांग्रेस पार्टी के एक नेता है, क्या आपको पता है अरुणाचल प्रदेश कहाँ है? https://t.co/RgkEa1ohRk
— Kiren Rijiju (मोदी का परिवार) (@KirenRijiju) June 11, 2019
શા માટે ટ્વીટ ડિલીટ કરી દીધું?
ભારતના ગુમ થયેલા ઍરક્રાફ્ટનો 11 જૂનના રોજ કાટમાળ મળી આવ્યો હતો. આ પ્લેન ગુમ થયા બાદ તેને શોધવા માટે અભિયાન ચલાવવામાં આવ્યું હતું.જે બાદ આ ઍરક્રાફ્ટનો કાટમાળ ભારતના અરુણાચલ પ્રદેશમાંથી મળી આવ્યો હતો.
આ મામલે હાર્દિક પટેલના ટ્વીટને કારણે સોશિયલ મીડિયા પર કેટલાક યૂઝર્સ ગુસ્સે ભરાયા હતા અને હાર્દિક પટેલને ટ્રોલ કર્યા હતા.કેટલાક યૂઝર્સે હાર્દિક પટેલના આવા ટ્વીટ બદલ માફી માગવાની વાત કરી હતી અને કેટલાક તેમને પોતાનું જ્ઞાન વધારવાની સલાહ આપી હતી.
અંતે હાર્દિક પટેલે આ ટ્વીટને ડિલીટ કરી દીધું હતું, જોકે આ મામલે તેમણે કોઈ ખુલાસો કર્યો નથી.