હિંમતનગર! વક્તાપુર જૈન મંદિર સામે કાર વીજ થાંભલા સાથે ટકરાતાં યુવકનું દર્દનાક મોત…

Himmatnagar Accident: હિંમતનગરના વક્તાપુર જૈન મંદિર સામે આજે વહેલી પરોઢિયે વડાલીથી હિંમતનગર તરફ આવતી વેગનઆર કાર વીજ થાંભલાને ટકરાયા બાદ પલટી જતા ચાલકનું મોત થયું…

Himmatnagar Accident: હિંમતનગરના વક્તાપુર જૈન મંદિર સામે આજે વહેલી પરોઢિયે વડાલીથી હિંમતનગર તરફ આવતી વેગનઆર કાર વીજ થાંભલાને ટકરાયા બાદ પલટી જતા ચાલકનું મોત થયું હતું જ્યારે બેને ઇજા થવા પામી હતી.ત્યારે આ ઘટના બાદ અકસ્માતસ્થળ પર લોકો દોડી આવ્યા હતા.જે બાદ આ અંગે પોલીસ તેમજ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગે(Himmatnagar Accident) કારને કાપી મૃતક અને બે ઇજાગ્રસ્તોને બહાર કાઢી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે હિંમતનગર ગ્રામ્ય પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કાર વીજ થાંભલાને ટકરાઈ
આ અંગે મળતી મહાગિતી મુજબ, હિંમતનગરના પોલોગ્રાઉન્ડના રહેવાસી મયંક સુરેશભાઈ નાયી, કુલદીપસિંહ રામસિંહ ઝાલા અને રાહુલ સલાટ ત્રણેય વેગનઆર કાર લઈને શુક્રવારે રાત્રિના વડાલી લગ્ન પ્રસંગમાં ઇવેન્ટની કામગીરી કરવા ગયા હતા.

જે પૂર્ણ કરી પરત આવતા સમયે શનિવારે વહેલી પરોઢિયે 4 વાગ્યાના આસપાસ વકતાપુર જૈન દેરાસર સામે અચાનક કાર રોડ સાઇડે ચોકડીમાં ઊતરીને પલટી ખાઈને વીજ થાંભલાને ટકરાઈ હતી. જેને લઈને કારમાં ચાલક સહિત ત્રણ યુવાનો કારમાં દબાઈ ગયા હતા. અકસ્માતની ઘટનાને ટ્રેક્ટરના ગોડાઉનમાં ચોકીદાર રાકેશભાઈ મકવાણા જે વીજ થાંભલા પાસે ખાટલામાં સુતા હતા. દરમિયાન થાંભલો ખાટલા પર પડ્યો હતો, પરંતુ સદનસીબે ચોકીદારનો આબાદ બચાવ થયો હતો.

બે ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડ્યા
બાદમાં આ અકસ્માત અંગે હિંમતનગર ફાયર વિભાગ અને પોલીસને જાણ કરતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને અડધો કલાકમાં કારને કાપી ચાલક મૃતક મયંક સુરેશભાઈ નાયીના મૃતદેહને અને બે ઇજાગ્રસ્ત કુલદીપસિંહ રામસિંહ ઝાલા અને રાહુલ સલાટને બહાર કાઢી 108માં તાત્કાલિક સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે હિંમતનગર ગ્રામ્ય પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચી મૃતક મયંક નાયીના મૃતદેહને પીએમ કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અકસ્માતના પગલે બે લોકોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવવામાં આવ્યા હતા.તેમજ આ અંગે મૃતકના પરિવારને જાણ થતા તેના પરિવારમાં દુઃખની લાગણી છવાઈ ગઈ છે.