26 જુલાઇ 2008ના રોજ અમદવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ (Ahmedabad Serial Blast) કેસનો ૧૪ વર્ષે ચુકાદો આવ્યો છે. ત્યારે આ બ્લાસ્ટમાં એક સાથે પતિ અને પુત્ર ગુમાવનાર ગીતાબેન વ્યાસે પોતાની આપવીતી જણાવી હતી. નાની ઉંમરે પુત્ર અને પત્નીનું બ્લાસ્ટમાં નિધન થતા દુઃખી થયેલા ગીતાબહેને પોતાની આપવીતી જણાવી છે.
ગીતાબેન કહે છે કે, ‘અમદાવાદમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં પતિ અને પુત્ર ગુમાવ્યો ત્યારે બંને દીકરા માંથી એક રોહન ૧૧ વર્ષનો અને બીજો યસ આઠ વર્ષનો હતો. તે સમયે નવી ખરીદેલી સાયકલ ચલાવવા માટે બંને ભાઈઓએ જીદ પકડી હતી. ત્યારે મારા પતિ સાંજના સમયે બંને ભાઇઓને લઇને સિવિલ સામેના મેદાનમાં લઈ ગયા હતા. પરંતુ મને નહોતી ખબર કે, પતિ અને દીકરો રોહન ક્યારેય પાછા નહીં આવે…’
ગીતાબેન વધુમાં કહેતા જણાવે છે કે, ‘તે દિવસે હું પણ સાથે જવાની હતી, પરંતુ ઘરે સાસુ એકલા હોવાથી મેં જવાનું ટાળ્યું હતું. થોડા સમય પછી ટીવીમાં સમાચાર આવ્યા કે શહેરમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. અને થોડી જ વારમાં અમારા વિસ્તારમાં પણ મોટો ધડાકાનો અવાજ આવ્યો. તે સમયે અમારા એક પાડોશીએ ઘરે આવીને કહ્યું, “સિવિલમાં બ્લાસ્ટ થયો છે અને તેમાં તમારા પતિ દુષ્યંતભાઈ અને બંને દીકરાઓને ઇજા થઇ છે એટલે જલ્દીથી હોસ્પિટલમાં ચાલો.” આ સાંભળતા જ મારા પગ તળેથી જમીન સરકી ગઈ હતી.’
તે સમયે દુષ્યંતભાઈ બંને દીકરાને ટ્રોમા સેન્ટર પાસેના એક ઝાડ પાસે ઉભા રાખી અન્ય ઘાયલોની મદદ કરી રહ્યા હતા, એટલામાં તે જગ્યાએ બીજો એક બ્લાસ્ટ થયો. ગીતાબેન જણાવતા કહે છે કે, કલાકો સુધી મારા પતિ, કે રોહનનો કોઇ અતોપતો મળ્યો નહોતો. કેટલાય કલાકો પછી નાનો દીકરો યસ મળી આવ્યો હતો જેના શરીર પર ગંભીર ઇજાઓ થયેલી હતી. તેને તાત્કાલિક તેને સારવાર અર્થે ખસેડાયો હતો.
મોડી રાત્રે ગીતાબેનને સમાચાર મળ્યા કે, તેમના પતિનું મુત્યુ થયું છે. ત્યારે ગીતાબેનની આંખે અંધારા આવી ગયા હતા. દુષ્યંતભાઈના મૃત્યુ થી પરિવારમાં શોકનો માહોલ હતો. મૃત્યુના પાંચ દિવસ પછી બેસણું હતું, અને તે જ સમયે મોટા દીકરા રોહનના પણ મૃત્યુના સમાચાર સામે આવ્યા. ડોક્ટરોએ કહ્યું ‘યશ નું બચવું પણ ખૂબ જ મુશ્કેલ છે.’તે વખતે યશને અપોલો હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.
ગીતાબેન વધુમાં કહેતા જણાવે છે કે, હોસ્પિટલમાં દાખલ યસ દરરોજ એક જ સવાલ કરતો હતો કે, “પપ્પા અને ભાઈ કેમ દેખાતા નથી?” ત્યારે ગીતાબેન યસને આશ્વાસન આપતા કે બંને ની સારવાર ચાલી રહી છે. જ્યારે યશને ભાઈ અને પિતાના મૃત્યુના સમાચાર મળ્યા, અત્યારે ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યો હતો. આજે પણ યસ ઘણીવાર કહે છે કે, ‘ત્યારે સાઇકલ ચલાવવાની જીદ ન કરી હોત તો પિતા અને ભઈલો બંને જીવતા હોત’.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.