જાણો શા માટે સુરતના જાણીતા બિલ્ડર નરેશ અગ્રવાલે કર્યો આપઘાતનો પ્રયાસ?

Surat builder Naresh Agarwal attempted suicide: સુરતમાં જાણીતા કુબેરજી ગ્રૂપના માલિક નરેશ અગ્રવાલે શુક્રવારે સાંજે 4 વાગ્યાના અરસામાં આપઘાતનો પ્રયાસ કરતા બિલ્ડર લોબીમાં ભારે ચકચાર મચી ગયો હતો. ઓફિસમાં હાજર બિલ્ડરના ભત્રીજાને જાણ થતા તેઓ નરેશભાઇને તાત્કાલીક 108 મારફતે સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યાં ડોક્ટરોએ ઝેરી દવા સાથે ઘેનની ગોળીઓ ખાધેલી હોવાનું જણાવ્યું હતું.

સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ અને શોપિંગ કોમ્પલેક્ષ બનાવવામાં જાણીતા કુબેરજી બિલ્ડર્સ પેઢીના કર્તાહર્તા અને ભટારના શ્યામ આવાસમાં રહેતા નરેશ વિશ્વેશ્વર અગ્રવાલ શુક્રવારે સાંજે 4 વાગ્યાના અરસામાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો. નરેશભાઇએ ઝેરી દવા ગટગટાવી હતી અને મોંઢામાંથી ફીણ પણ નીકળવા લાગ્યા હતા. ઓફિસમાં હાજર તેમના ભત્રીજા નામે લક્ષ્મીકાંતને જાણ થતા તેઓએ ઓફિસના અન્ય સ્ટાફને પણ બોલાવી લીધા હતા.

નરેશભાઇને તાત્કાલીક જ સ્મીમેર લઇ જવાયા હતા. આ સાથે જ સારોલી પોલીસને પણ જાણ કરી દેવાતા PI એસ.એસ. દેસાઇ સહિતનો સ્ટાફ આવી પહોંચ્યો હતો. પ્રાથમિક સારવારમાં નરેશભાઇએ કોઇ ઝેરી દવા તેમજ ઘેનની ગોળીઓ ખાઇ હોવાનું નિદાન થયું હતું. અહીં સ્મીમેરમાં નરેશભાઇના બંને પુત્રો તેમજ બીજા સંબંધીઓ અને તેમની નજીકના બિલ્ડરો પણ આવી ગયા હતા. સ્મીમેરમાં પ્રાથમિક સારવાર બાદ તેઓને સાંજે છ વાગ્યાના અરસામાં સિવિલ ચાર રસ્તા નજીકની પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાની વિગતો મળી છે. આ સમગ્ર ઘટના અંગે સારોલી પોલીસે તપાસ શરૂ કરી છે.

આપઘાત કરતા પહેલા નરેશભાઇએ વીડિયો અને ઓડિયો બને બનાવ્યા હતા
નરેશ અગ્રવાલે કરેલી આપઘાતને લઇને શહેરભરમાં એક ચર્ચાનો વિષય બન્યો હતો. બીજી તરફ નરેશભાઇએ આપઘાત કરી તે પહેલા સવા મીનિટનો એક વીડિયો તેમજ એક ઓડિયો પણ બનાવ્યો હતો. આ ઓડિયો-વીડિયોમાં તેઓએ શહેરના કેટલાક જાણીતા બિલ્ડરોના નામો લીધા હતા. આ બાબતે જ્યારે પોલીસ તેમજ નરેશભાઇના સંબંધીઓને પુછવામાં આવતા તેઓએ આવો કોઇ વીડિયો-ઓડિયો ન હોવાનું જણાવ્યું હતું.

જમીન તેમજ લાંબા-ટૂંકા ફાયનાન્સને કારણે આપઘાતના પ્રયાસ કર્યાની ચર્ચા
નરેશ અગ્રવાલની સૌથી નજીકના ગણાતા સૂત્રોના કહેવા પ્રમાણે નરેશભાઇના 4 જેટલા બિલ્ડરોની સાથે ધંધાકીય લેવડ-દેવડ મુદ્દે માથાકૂટ ચાલી રહી હતી. ખાસ કરીને નરેશભાઇએ એક બિલ્ડરની ઉપર વિશ્વાસ મુકીને મોંઘી જમીનના દસ્તાવેજ કરી આપ્યા હતા, પરંતુ આ મિલકતના રૂપિયા પરત આવ્યા ન હતા. આ ઉપરાંત સલાબતપુરા વિસ્તારમાં આવેલી જમીનના કરોડ રૂપિયા પણ પરત મળ્યા ન હતા. એક જાણીતા બિલ્ડરની પાસેથી રૂા. 10 કરોડથી વધુનું ફાયનાન્સ મેળવ્યું હતું. જેની સામે નરેશભાઇએ મુડી ઉપરાંત વ્યાજની 6 કરોડ જેટલી રકમ ચૂકવી હોવા છતાં આ બિલ્ડર વધારે રૂપિયાની માંગણી કરતો હોવાનું ચાલી રહ્યું છે. રીંગરોડ વિસ્તારમાં આવેલી એક જગ્યામાં સુપ્રિમ કોર્ટે તેઓની તરફેણમાં ચૂકાદો આપ્યો હોવા છતાં સામેવાળો પક્ષ જગ્યા ખાલી કરતો ન હોવાની વાત બિલ્ડર લોબીમાં ચર્ચાઇ રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *