મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા બાદ કમલનાથે ખેડુતોનું દેવું માફ કરવાનો નિર્ણય કર્યો છે. આજે ભોપાલના જમ્બૂરી મેદાનમાં કમલનાથે મધ્યપ્રદેશના 18માં મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. આ અવસરે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ હાજર હતા. કમલનાથે સૌથી પહેલા ખેડુતોને દેવા માફીની ફાઇલ પર સહી કરી સંબંધિત વિભાગને દેવા માફીની સુચના જાહેર કરી દીધી છે. આ જાહેરાતની અસર આવનારી લોકસભા ચૂંટણીમાં અવશ્ય કોંગ્રેસને ફાયદો કરાવશે.
કમલનાથના આ નિર્ણય હેઠળ મધ્ય પ્રદેશના ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીના દેવા માફ થશે. તેનાથી 40 લાખ ખેડૂતોને ફાયદો થશે. દેવા માફીનો હાલના અને ડિફોલ્ટર ખેડૂતોને પણ ફાયદો થશે. સહકારીની સાથે જ રાષ્ટ્રીય બેંકો સાથે પણ આ વિશે ચર્ચા કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર 31 માર્ચ 2018 સુધી ખેડુતો દ્વારા રાષ્ટ્રીય અથવા સહકારી બેંકો પાસે પાક માટે લીધેલી લોન પર 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવામાં આવે છે. ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસે કહ્યું હતું કે, જો તેમની સરકાર બને તો 10 દિવસોની અંદર ખેડુતોનું દેવું માફ કરી દેવામાં આવશે. જે વાયદો પૂર્ણ કરવા મધ્યપ્રદેશમાં સરકારે પહેલા આ કામ કર્યું છે.
નવનિયુક્ત મુખ્યમંત્રી કમલનાથે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કહ્યું કે, આ પદ સંભાળ્યા બાદ મેં પહેલી સહી દેવા માફીની ફાઇલમાં કરી હતી. કમલનાથે કહ્યું કે, મધ્ય પ્રદેશમાં બિહાર, ઉત્તર પ્રદેશ જેવા અન્ય રાજ્યોમાંથી આવતા લોકોના કારણે સ્થાનિકોને રોજગાર નથી મળતો. તેમણે કહ્યું કે રાજ્યમાં રોકાણ કરનારાઓને પ્રોત્સાહનની સ્કીમ ત્યારે જ લાગુ થશે જો રાજ્યના 70 ટકા લોકોને રોજગારી મળશે.
મધ્યપ્રદેશ સરકાર દ્વારા બેરોજગારોને મોંઘવારી ભથ્થું આપવાની જાહેરાત પણ ટૂંક સમયમાં કરી શકે છે. તેને લઈને એક ડ્રાફ્ટ તૈયાર થઈ ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ખેડૂતોના દેવા માફી કરવાનો કોંગ્રેસે વાયદો કર્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સરકાર બનવાના 10 દિવસની અંદર દેવું માફ કરવામાં આવશે. કમલનાથે પણ કહ્યું હતું કે સરકાર બનતાં જ સૌથી પહેલું પગલું દેવા માફીનું લેવામાં આવશે.