બુલેટ ટ્રેન માટે જમીન સંપાદીત થઇ રહી છે ત્યારે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને જમીન સંપાદનમાં અન્યાય થઇ રહ્યો હોવાના વિરોધ સાથે ખેડૂતો સરકાર સામે મેદાન પડ્યા છે. આજે બુધવારે ખેડૂતોએ નવસારીમાં બુલેટ ટ્રેન અંગે વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનેક ખેડૂત ભાઇ બહેનો જોડાયા હતા.
ગુજરાત ખેડૂત સંગઠન દ્વારા આયોજીત આ રેલી નવસારી જિલ્લા કલેક્ટર કચેરી જઇને કલેક્ટરને આ અંગે આવેદન પત્ર આપવામાં આવશે.
મળતી માહિતી પ્રમાણે ગુજરાત ખેડૂત સંગઠન દ્વારા નવસારીમાં બુલેટ ટ્રેન મુદ્દે ખેડૂતોની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિશાળ સંખ્યામાં ખેડૂત ભાઇ બહેનો જોડાયા હતા. આ સાથે ખેડૂતોના આ વિરોધને કોંગ્રેસ દ્વારા પરોક્ષ રીતે સમર્થન આપવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં ખેડૂતોના ન્યાય માટે કોંગ્રેસ આગળ આવશે એવું કોંગ્રેસના નેતાએ જણાવ્યું હતું.
એક ખેડૂત આગેવાને જણાવ્યું હતું કે, મોદી સરકારની 2022 સુધીમાં ખેડૂતોની આવકને બે ગણી કરવાની વાત કરી રહી છે તો અહીં ખેડૂતોને પુરતા ભાવ ન મળતા ચોક્કસ પણે અહીંના લોકો સાથે અન્યાય થઇ રહ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકારની આંખ ઉઘાડવા માટે ગુજરાત ખેડૂત સમાજ આવનારા દિવસોમાં મોટું આયોજન કરી રહ્યું છે. સાથે સાથે સરકારની આંખ ઉઘાડવા માટે પણ આવનારા દિવસોમાં રણનીતિ ઘડીશું.
જે ગામમાં રેલવેની જમીન હતી એ નવા ભાવથી સરકારે લીધી છે જ્યારે ખેડૂતોની જમીન જંત્રીના ભાવે લેવામાં આવી રહી છે તો સરકારની આ બેવડી નીતિ અહીં ઉઘાડી પડી રહી છે. આ અંગે હાઇકોર્ટમાં પીટીશન કરવામાં આવી છે જેને હાઇકોર્ટે પણ ગંભીર રીતે નોંધ લીધી છે. એમ તેમણે જણાવ્યું હતું.
2013ના કાયદા પ્રમાણે ખેડૂતોને વળતર મળવું જોઇએ એવી ખેડૂતોની લાગણી અને માંગણી છે. આ માગણી નહીં સંતોષાય તો ખેડૂતો આંદોલનના માર્ગ અપનાવશે.