ગરીબ પરિવારમાંથી આવતા કમલેશ કુમારે ન્યાયતંત્રની પરીક્ષામાં 64મો રેન્ક મેળવ્યો છે. કમલેશના પિતા પરિવારનું ગુજરાન ચલાવવા માટે કુલી તરીકે કામ કરતા તો ક્યારેક રિક્ષા ચલાવતા હતા. તે ચણા અને ભટુરાની હાથગાડી પણ ચલાવતા હતા. એકવાર પિતા પર પોલીસકર્મીએ હાથ ઉપાડ્યો હતો, જે કમલેશના જીવનની સૌથી મોટો ટર્નીંગ પોઈન્ટ સાબિત થયો હતો.
કમલેશ કુમારે જણાવ્યું કે, તે એક ગરીબ પરિવારમાંથી આવે છે. તેના પિતાને દસ ભાઈ-બહેન છે. તે રોજગાર માટે દિલ્હી આવ્યા હતા. દિલ્હી તે ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા. તે જ્યાં રેહતા તે તમામ મકાનો હટાવવાનો સરકારનો આદેશ આવ્યો હતો. આ તમામ ગેરકાયદે મકાનો તોડી પાડવામાં આવ્યા હતા.
આ કારણે કમલેશના પરિવારને રેહવાની પણ મુશ્કેલી ઉભી થવા લાગી. ત્યારબાદ તે યમુના કિનારે ભાડાના મકાનમાં રહેવા ગયા હતા. જીવન ગુજરાન ચલાવવા માટે કમલેશના પિતાએ ચાંદની ચોકમાં હાથગાડીમાં ચણા અને ભટુરા વેચવાનું શરૂ કર્યું હતું. ત્યારે કમલેશ 10મું ધોરણ પાસ કરી ચૂક્યો હતો. એક દિવસ કમલેશ તેના પિતાની મદદ કરવા માટે ચાંદની ચોકમાં હાથગાડી પર ગયો હતો ત્યારે એક પોલીસકર્મીએ તેના પિતાને થપ્પડ મારી અને તેને આ બધું બંધ કરવાનું કહ્યું.
જયારે કમલેશે એક યુટ્યુબ ચેનલ જોશ ટોક પર પરીક્ષાનું ઈન્ટરવ્યું આપ્યું હતું ત્યારે કમલેશે કહ્યું કે, આ ઘટનાની મને પર ઊંડી અસર પડી. તે સમયે મને ખૂબ ગુસ્સો આવ્યો હતો પરંતુ કંઈ કરી શક્યો ન હતો. એક દિવસ મારા પિતાએ મને જાણાવ્યું કે, આ પોલીસવાળાઓ જજથી બહુ ડરે છે. મારા પિતાની આ વાત મારા મગજમાં બેસી ગઈ, ત્યારે જ મેં જજ બનવાનું નક્કી કરી લીધું અને જજ બનવા તરફ પગલું ભરવાનું નક્કી કર્યું હતું.
આ ઘટના પછી કમલેશ દિલ્હી યુનિવર્સિટીમાં વકીલનો અભ્યાસ કરતો હતો. પિતાના બોલેલા શબ્દો યાદ કરીને તેઓ વકીલને બદલે જજ બનવા માટે મક્કમ હતો. જજ બનવા માટે કમલેશે રાત-દિવસ એક કરી દીધા હતા. અભ્યાસમાં તે નિપુણ વિદ્યાર્થી હતો અને તે અંગ્રેજી સારી રીતે શીખી ગયો હતો.
2017માં કમલેશે UP ન્યાયતંત્રની પરીક્ષા આપી હતી. ત્યારબાદ તેણે બિહાર ન્યાયતંત્રની પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી હતી. તે પ્રથમ પ્રયાસમાં નિષ્ફળ ગયો હતો. ત્યાર બાદ કોરોના આવતા તેના 3 વર્ષ વેડફાઈ ગયા. પરંતુ કમલેશે હાર માની નહીં અને જજ બનવાની તૈયારી કરતો રહ્યો. આખરે તેની મેહનત રંગ આવી અને 2022માં તેની પસંદગી થઈ. તે 31મી બિહાર ન્યાયતંત્રની પરીક્ષામાં 64મો રેન્ક મેળવ્યો અને જજ બનવામાં સફળ રહ્યો.
કમલેશ જણાવ્યું હતું કે, જ્યારે તે પરિણામ જોવા ગયો ત્યારે તેને લિસ્ટમાં ક્યાંય તેનું નામ ન દેખાતા, તે નિરાશ થઈને બેસી ગયો હતો. પરંતુ ત્યારે જ તેના એક મિત્રએ તેને ફોન પર તેની જજની પસંદગી થયાની જાણકારી આપી હતી, જે સાંભળીને તે રડવા લાગ્યો. આ ખુશીના સમાચાર સાંભળ્યા ત્યારે તેના ઘરે તે એકલો હતો. તેની માતા બજારમાં ગઈ હતી અને પિતા ચાંદની ચોકમાં હતા. જયારે તેમના પરિવારને આ ખબરની જાણ થઇ ત્યારે તેમની પણ આંખમાં ખુશીના આંસુ સરી પડ્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.