ખેડૂતોને ડુંગળીનો લોલીપોપ: ખેડૂતોની ડુંગળી વેચાઇ ગયા બાદ સરકાર જાગી- 3 લાખ મેટ્રિક ટન નિકાસથી કંઈ નહિ થાય, વિપક્ષનો આક્ષેપ

Onion Export Ban Lift: ડુંગળીના ખેડૂતો માટે આખરે રાહતના સમાચાર આવ્યા છે. લાંબા સમયથી ખેડૂતો ડુંગળીની નિકાસબંધી હટાવવાની માગ કરી રહ્યા હતા.ત્યારે આ માંગને આખરે સ્વીકારવામાં આવી છે. કેન્દ્ર સરકારે 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની મંજૂરી આપી છે. આ અંગે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાતના અને દેશના ડુંગળી(Onion Export Ban Lift ) પકવતા ખેડૂતોને ભાજપે નિકાસબંધી કરીને ખૂબ મોટો અન્યાય કર્યા બાદ હવે જ્યારે ખેડૂતોનો રોષ ભભૂકી ઉઠ્યો છે અને સામે ચૂંટણી દેખાય છે ત્યારે માત્ર ૩ લાખ મેટ્રિક ટન નિકાસની છૂટ આપીને એવો પ્રચાર શરૂ કર્યો છે,કે જાણે ખેડૂતો પર ઉપકાર કરી રહ્યા છે.

આ અંગે શક્તિસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે,હકીકતમાં દેશમાં ડુંગળીનું ઉત્પાદન 230 લાખ ટનથી પણ વધારે છે અને દુનિયાના સૌથી વધારે ડુંગળી પકવતા દેશોમાં આપણો દેશ બીજા ક્રમે આવેલો છે. સૌથી વધુ ડુંગળી પકવતા દેશોમાં પ્રથમ ક્રમે ચીનનું સ્થાન છે અને બીજા ક્રમે ભારતનું સ્થાન છે, તેવા સંજોગોમાં ખેડૂતોને માત્ર 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસની છૂટ આપ્યા બાદ ગુમરાહ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. માત્ર ૩ લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસથી આપણા દેશના ખેડૂતોને કોઈ જ ફાયદો થવાનો નથી.

કોંગ્રેસે સરકારના નિર્ણયને ગણાવ્યો નર્યો દેખાડો
તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસના મનહર પટેલે સરકારના નિર્ણયને ઘોડા છુટા ગયા બાદ તબેલાને તાળા સમાન ગણાવ્યો. તેમણે જણાવ્યુ કે ખરીફ પાક ટોટલી પતી ગયા પછી તમે 3 લાખ મેટ્રિક ટન નિકાસ કરવાનો નિર્ણય કરો છો તે ગાર લીંપણ કરવા જેવી બાબત છે. તેમણે કહ્યુ સરકારના ખોટા નિર્ણય અને ખોટી નીતિને કારણે ખેડૂતોને પારાવાર નુકસાન વેઠવુ પડ્યુ છે.

મનહર પટેલે વધુમાં જણાવ્યુ કે કોઈપણ ડુંગળીની આવરદા 15 દિવસની હોય છે. ડુંગળીની આવરદા વધારવા કિપીંગ ક્વોલિટી વિકસાવવા માટે દેશના ભાભા એટોનોમિક રિસર્ચ સેન્ટરે એક ટેકનોલોડી ડેવલપ કરી છે. આ ટેકનોલોજીનું અમલીકરણ કરવામાં આવે તો ડુંગળીની આવરદા 15 દિવસથી વધારીને 6 મહિના સુધીની કરી શકાય છે. આ ટેકનોલોજી ગુજરાતના અને દેશના દરેક ખેડૂતને આપવી જોઈએ. જો ડુંગળીના આવરદા વધશે તો ખેડૂતો ડુંગળીને રાખી શકશે, યોગ્ય પ્લેટફોર્મ પર સંગહ કરી શકશે. અને આવા ભાવ નબળા પડે ત્યારે ખેડૂતો તેના યોગ્ય ભાવ મેળવી શકશે. પરંતુ સરકાર આ માળખાને ડેવલપ કરવાના મતમાં જ નથી.