આધાર એ આપણા દેશમાં એક મહત્ત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે. વડીલોથી લઈને બાળકો સુધી ઘણી જગ્યાએ આ ફરજિયાત થઈ ગયું છે. સ્કૂલમાં એડમિશન સહિત અનેક જગ્યાએ બાળકોનું પણ આધાર કાર્ડ માગવામાં આવે છે. ઘણા લોકોને બાળકોનું આધારકાર્ડ કેવી રીતે અને ક્યાં બનાવવું એ અંગે જાણ નથી હોતી. આજે અમે આ વિશે તમને સંપૂર્ણ માહિતી આપી રહ્યા છીએ.
1.જો બાળકની ઉંમર 5 વર્ષથી નાની હોય:
5 વર્ષથી નાની વયનાં બાળકો માટે તમારે ફક્ત આધારકાર્ડ નોંધણી કેન્દ્રમાં જઇને તેનાં નામનું ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ સાથે એક જન્મ પ્રમાણપત્ર અને તમારા આધાર કાર્ડની એક કોપી પણ આપવાની રહેશે. જ્યારે તમે તમારા બાળકનું આધારકાર્ડ બનાવવા જાઓ તો સાથે તમારું ઓરિજિનલ આધાર કાર્ડ પણ લઈ જાઓ.
5 વર્ષથી નીચેના બાળકનું આધારકાર્ડ બનાવવા માટે કોઈ બાયોમેટ્રિક પરીક્ષા નહીં હોય. એટલે કે, તેની ફિંગર પ્રિન્ટ અને રેટિના સ્કેન લેવામાં આવશે નહીં. ફક્ત તેનો ફોટો જ કાર્ડ બનાવવા માટે પૂરતો છે.
બાળકનું કાર્ડ તેનાં માતા-પિતાનાં આધાર કાર્ડ સાથે જોડવામાં આવશે. પરંતુ બાળક જ્યારે 5 વર્ષનું થાય ત્યારે તેણે પોતાની 10 આંગળીઓની ફિંગરપ્રિન્ટ, રેટિના સ્કેન અને ફોટોગ્રાફ આપવાનો રહેશે.
2.જો બાળકની ઉંમર 5 વર્ષથી વધુ હોય તો:
5 વર્ષથી વધુ ઉંમરના બાળકોનું આધાર બનાવવા માટે નોંધણીની સાથે તેમનાં જન્મ પ્રમાણપત્ર અને શાળાનાં ઓળખ કાર્ડની એક નકલ આપવી પડશે.
જો એ સમયે બાળકનું એડમિશન કોઈ સ્કૂલમાં ન થયું હોય તો માતા-પિતાનાં આધાર કાર્ડની ફોટો કોપી ગેઝેટેડ ઓફિસર અથવા તે વિસ્તારના તાલુકા વિકાસ અધિકારી દ્વારા ચકાસાયેલું હોવું જરૂરી છે.
અડ્રેસ પ્રૂફ માટે ગેઝેટેડ ઓફિસર/પ્રાદેશિક સાંસદ અથવા ધારાસભ્ય/તાલુકા વિકાસ અધિકારી/ગ્રામ પંચાયત દ્વારા રજૂ કરાયેલું પ્રમાણપત્ર જ પુરાવા માટે માન્ય રહેશે.
આ ઉપરાંત, અરજદારની તમામ આંગળીઓની ફિંગર પ્રિન્ટ, રેટિના સ્કેન અને ફોટોગ્રાફ પણ લેવામાં આવે છે.
જો બાળકની ઉંમર 15 વર્ષથી ઓછી હોય તો 15 વર્ષ પૂરાં કર્યાં પછી ફરીવાર તેણે બાયોમેટ્રિક્સની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.
0થી 5 વર્ષ સુધીનાં બાળકો માટે વાદળી રંગનું આધાર કાર્ડ આપવામાં આવે છે.