કંઈક કરવાની ધગશ હોય તો તેને ઉંમર સાથે કોઈ સંબંધ નથી-આ વાક્ય છત્તીસગઢની રહેવાસી કસ્તુરી બલાલે સાબિત કરી બતાવ્યું છે. રાયપુરની કસ્તુરીનો પશુ પ્રત્યેનો પ્રેમ શબ્દોમાં વર્ણવી ન શકાય તેવો છે. તેણે બીમાર, ઘાયલ અને તરછોડેલાં પ્રાણીઓ માટે પોતાની એન્જિનિયરિંગની નોકરીને તિલાંજલિ આપી દીધી છે. પશુઓની દેખભાળ રાખવાનો ખર્ચ ઉઠાવવા માટે તે હાલ ફ્રીલાન્સર તરીકે કામ કરે છે. કસ્તુરીની ‘મિશન ઝીરો’ ટીમે 5 વર્ષમાં 3500 પ્રાણીઓની સારવાર કરાવી છે.
લોકોના ટોણા સાંભળી લીધા, પણ વિચાર ન બદલ્યો
કસ્તુરી માત્ર કૂતરાંઓની દેખભાળ કરે છે તેવું નથી. તે તે લોકોને પોતાના ઘરે આશરો આપીને પરિવારના જ એક સદસ્ય માને છે. આ કામમાં કસ્તુરીને તેના મિત્રો પણ સાથ આપે છે. આ બધા રસ્તા પર રખડતા કૂતરાંઓના રહેવા-ખાવા અને સારવાર માટે પૈસા એકઠા કરે છે. કસ્તુરીના કામથી પ્રભાવિત થઈને સરકારે પશુઓના શેલ્ટર હોમ માટે 2.5 એકર જમીન આપી છે, જ્યાં હાલ કામ ચાલી રહ્યું છે. કસ્તુરીને શરૂઆતમાં આ કામ માટે ઘણા લોકોના ટોણાં પણ સાંભળવા પડ્યાં હતાં. જે લોકો તેની ટીકા કરતા હતા તે લોકો પણ ધીમે-ધીમે કસ્તુરીના કામનું મહત્ત્વ સમજીને તેને મદદ કરવા માટે આગળ આવ્યા.
પશુઓ પ્રત્યેનો લગાવ
કસ્તુરીએ કહ્યું કે, પશુઓ સાથે મને નાનપણથી જ લગાવ છે. મારા ઘરમાં એક પાલતુ કૂતરું હતું, જેને હું ઘણી વાર બહાર ફરવા લઇ જતી હતી. મારા પપ્પા મને જંગલમાં ફરવા લઇ જતાં હતાં, જ્યાં મને પ્રાણીઓને નજીકથી જોવાનો મોકો મળતો હતો. પહેલેથી પશુઓને લઈને મારામાં સંવેદના હતી. 12 વર્ષની ઉંમરમાં જ મેં બીમાર પશુઓની દેખભાળ કરવાનું શરુ કરી દીધું હતું.
જોબને મહત્ત્વ ન આપ્યું
એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યા પછી કસ્તુરીને અમદાવાદમાં નોકરી મળી હતી. આ નોકરીમાં કસ્તુરીનો જીવ લાગતો નહોતો, આથી તેણે વર્ષ 2015માં પોતાના રાજ્યના પશુઓની સેવા કરવા માટે પોતાનું જીવન અર્પિત કરવાનું વિચારી લીધું.
ફ્રીલાન્સિંગ તરીકે કામ કરે છે
કસ્તુરી કહે છે કે, મેં મારા શહેર રાયપુરમાં રસ્તા પર રખડતા પ્રાણીઓ સાથે ક્રૂરતા કરતા જોયા છે. ઘણી લાપરવાહી જોઈ છે. આ પ્રાણીઓને કોઈ ખાવાનું આપતું નહીં. તેઓ બીમાર પડે ત્યારે પણ જાણે પોતાને કંઈ ખબર જ નથી તેવું વર્તન કરતા હતા. આ બધું જોઈને જ મેં કૂતરાઓ સહિત રસ્તા પર રખડતા પ્રાણીઓની સેવા કરવાનું મનમાં નકી કરી લીધું. નોકરીમાં સમય આપવાને કારણે હું મારા કામ પર ધ્યાન આપી શકતી નહોતી એટલે મેં ફ્રીલાન્સિંગ તરીકે કામ કરવાનું શરુ કરી લીધું.
‘ભવિષ્યમાં વધુ સારા કામ કરીશું’
મારી ટીમની મદદથી અમે અત્યાર સુધી 3500થી વધારે પશુઓનું રેસ્કયૂ કરીને તેમની સારવાર કરાવી છે અને રસ્તા પર રખડતા 55 કૂતરાંઓને મારા ઘરમાં આશરો આપ્યો છે. મારું માનવું છે કે, આપણે બીજા લોકોની મદદ અને તેમનું દર્દ સમજી શકીએ છીએ એટલે મનુષ્ય કહેવાઈએ છીએ. મનુષ્યોની જેમ પ્રાણીઓમાં પણ સંવેદના હોય છે. મારી ‘મિશન ઝીરો’ ટીમ આગળ પણ વધારે પશુઓની સેવા કરશે તેવો મને વિશ્વાસ છે.