દેશના આઠ રાજ્યોની 19 રાજ્યસભા બેઠકો માટે આજે ચૂંટણી થવા જઈ રહી છે. મધ્ય પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં ભાજપ તથા કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળે તેવી શક્યતા છે. કોરોના મહામારીના કારણે ચૂંટણી સ્થગિત કરી દેવાઈ હતી. ત્યારબાદ ચૂંટણી પંચે કર્ણાટકની ચાર બેઠકો અને મિઝોરમ તથા અરૂણાચલ પ્રદેશની એક એક બેઠક માટે ચૂંટણી કરાવવાની જાહેરાત કરી હતી.
આઠ રાજ્યોની 19 બેઠકોની ચૂંટણી
રાજ્યસભાની જે 19 બેઠકો માટે આજે ચૂંટણી થઈ રહી છે તેમાં આંધ્ર પ્રદેશ અને ગુજરાતની 4-4 બેઠકો, રાજસ્થાન-મધ્ય પ્રદેશની 3-3 બેઠકો, ઝારખંડની 2 તથા મણિપુર, મિઝોરમ અને મેઘાલયમાંથી એક-એક બેઠક પર ચૂંટણી થશે. મણિપુરમાં સત્તાધારી ગઠબંધનના 9 સભ્યોના રાજીનામાના કારણે ત્યાં પણ ચૂંટણી રોમાંચક બને તેવી શક્યતા છે.એવું લાગી રહ્યું છે કે ત્યાં કોંગ્રેસની જીત થશે. ભાજપે લીસેમ્બા સાનાઝાઓબા તથા કોંગ્રેસે ટી મંગીબાબુને ઉમેદવાર બનાવ્યાં છે.
કર્ણાટકમાં ચાર બેઠકો પર પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડા, કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગે, ભાજપના ઉમેદવાર ઈરન્ના કડાડી અને અશોક ગસ્તી પહેલેથી નિર્વિરોધ વિજેતા જાહેર થયેલા છે. અરુણાચલ પ્રદેશથી પણ રાજ્યસભાની એકમાત્ર બેઠકથી ભાજપના ઉમેદવાર નબામ રેબિયાની નિર્વિરોધ જીત જાહેર કરાયેલી છે. ચૂંટણી પંચે કહ્યું કે 19 જૂનની સાંજે જ તમામ 19 બેઠકો માટે મતગણતરી હાથ ધરાશે.
કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે મતદાન માટે પૂરી તૈયારી કરી લીધી છે. દરેક મતદાતા (ધારાસભ્ય)ના શરીરના તાપમાનની ચકાસણી થશે અને સામાજિક અંતરના નિયમનોનું પાલન કરાશે.
ગુજરાતમાં ચૂંટણી બનશે રોમાંચક
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી રોમાંચક બને તેવી સંભાવના છે. ગુજરાતની ચાર રાજ્યસભાની સીટ પર પાંચ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા અને કોંગ્રેસના ધારાસભ્યોના બગાવત બાદ પણ ઉત્સાહ ઓસર્યો નથી. કોંગ્રેસે પક્ષે પોતાના ઉમેદવારોની જીતની આશા છોડી નથી. કોંગ્રેસ અને બીજેપી વચ્ચે મોટો દાવપેચ ચાલી રહ્યો છે. ગુજરાતમાં હવે એવુ સમીકરણ થઈ ગયું છે કે, એક ધારાસભ્યના સમર્થન પર રાજ્યસભાનું ગણિત ટકેલું છે. એક ધારાસભ્યના આમતેમ થવાથી કોઈની પણ જીત અને કોઈની પણ હાર નક્કી થઈ શકે છે.
ગુજરાતમાં આવતીકાલે 19 જૂનના રોજ રાજ્યસભાની ચૂંટણી યોજાનાર છે. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ તરફથી અભય ભારદ્વાજ, રમીલાબેન વોરા અને નરહરી અમીન મેદાનમાં છે. તો કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી મેદાનમાં છે. બીજેપીએ ધારાસભ્યોની હેરાફેરી કરીને કોંગ્રેસનું ગણિત ઊંઘુ પાડી દીધું છે.
2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે બહુ જ સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ તેના બાદ કોંગ્રેસ એકજૂટ રહી ન હતી. કોંગ્રેસના 8 ધારાસભ્યો રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજીનામા આપી ચૂક્યા છે. જેને પગલે કોંગ્રેસ પાસે હવે માત્ર 65 ધારાસભ્યો બચ્યા છે. તો બીજેપી પાસે 103 ધારાસભ્યો છે. બીટીપી પાસે 2 અને એનસીપી પાસે 1 તથા એક નિર્દળીય ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે. જોકે, કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામા ન આપત તો પાર્ટીના બંને ઉમેદવારોની જીત નિશ્ચિત હતી. પરંતુ હવે મામલો ગૂંચવાઈ ગયો છે.
ગુજરાતમાં એક રાજ્યસભા સીટ જીતવા માટે 35 વોટના સમર્થનની જરૂર છે. તેથી કોંગ્રેસના બંને ઉમેદવારોને જીત માટે 70 વોટની જરૂર પડશે. કોંગ્રેસને જીત માટે બીટીપી અને એનસીપીના એક-એક ધારાસભ્યો તથા જિગ્નેશ મેવાણીના સમર્થનની આશા છે. એનસીપીએ તો વ્હીપ જાહેર કરીને કોંગ્રેસને સમર્થન આપવાનું કહી દીધું છે, પરંતુ બીટીપીના પ્રમુખે હજી સુધી સ્પષ્ટતાનથી કરી કે, તેઓ કોને સમર્થન આપશે. જોકે, બીટીપી બંને પાર્ટીઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે.
જોકે, કોંગ્રેસ આ ચારેય ધારાસભ્યોનું સમર્થન મેળવવામાં સફળ રહે છે, તો પણ પાર્ટીનો આંકડો 69 પર પહોંચી શકે છે. તેના બાદ પણ કોંગ્રેસ પોતાના બીજા કેન્ડીડેટને જીતાવી શકે નહિ, કારણ કે એક વોટ ઓછો પડશે. જોકે, શક્તિસિંહ માટે જીત સરળ રહેશે, કારણ કે તેઓ પહેલા કેન્ડીડેટ છે. પરંતુ ભરતસિંહ સોલંકી માટે જીત સરળ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news