તમે પણ નથી ખાઈ રહ્યાને નકલી તેલ… ગુજરાતમાં અહિયાં તિરુપતિના નામે ડુપ્લીકેટ તેલના ડબ્બા વેચતી ટોળકી ઝડપાઈ

Published on Trishul News at 1:54 PM, Wed, 9 August 2023

Last modified on August 9th, 2023 at 2:03 PM

Selling fake oil in Disa: ડીસામાં બ્રાન્ડેડ કંપનીના નકલી તેલના ડબા બનાવતા ત્રણ શખ્સો ઝડપાયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં પોલીસે નકલી તેલના ડબ્બા પેકિંગ કરવાનો સામાન જપ્ત કરીને ત્રણ દુકાન માલિકો સામે કોપીરાઇટ એક્ટ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી નકલી તેલનું વેચાણ વધી ગયું હોવાનું માહિતી મળતાજ એન કે પ્રોટીન કંપનીના કર્મચારીઓએ ખાનગી રાહે તપાસ શરૂ કરી હતી.

જેમાં ડીસાના રિસાલા બજાર અને ગાંધીચોક વિસ્તારની કેટલીક દુકાનોમાં વેપારીઓ નકલી તેલના ડબ્બા વેચતા હોવાની ચોક્કસ માહિતી મળી હતી જેથી NK પ્રોટીન્સ કંપનીના કર્મચારી ભૂષણદાણીએ આ અંગે જિલ્લા પોલીસ વડાને જાણ કરી હતી.ત્યારબાદ ડીસા તાલુકા પોલીસને સાથે રાખી અલગ અલગ ટીમો બનાવી રેડ કરી હતી.

NK પ્રોટીન્સ કંપનીની ટીમ અને પોલીસે ડીસામાં રિસાલા બજારમાં આવેલ જયશ્રી બહુચર ટ્રેડિંગ નામની દુકાનમાં તપાસ કરતા દુકાનમાં અર્ધ ભોંયરૂ બનાવેલું હતું ત્યાંથી તિરુપતિ કપાસિયાના નકલી તેલના ડબા મળી આવ્યા હતા. અહીં તપાસ કરતા ડબા પર લગાડવામાં આવેલા સ્ટીકરો, ઢાંકણું ફિટ કરવાની ઈલેક્ટ્રિક ગન તેમજ ટાઈગર સરસો કા તેલ અને પૂનમ સરસો કા તેલના લેબલ પણ મળી આવ્યા હતા. જેથી પોલીસે આ તમામ જથ્થો જપ્ત કર્યો હતો.

ત્યારબાદ દિવ્ય લક્ષ્મી કરિયાણા સ્ટોર્સ અને ગાંધીચોક વિસ્તારમાં આવેલ શ્રી મારુતિ પ્રોવિઝન સ્ટોર્સ નામની દુકાનમાં પણ તપાસ કરતા ત્યાંથી પણ તિરુપતિ કંપનીના લેબલ વાળા નકલી તેલના ડબ્બા મળી આવ્યા હતા જેથી પોલીસે ત્યાંથી પણ તેલના ડબા, નકલી સ્ટીકર, ડબ્બાના ઢાંકણા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ ત્રણેય દુકાનના માલિક સામે કોપીરાઇટ એક્ટ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી ડીસા શહેર દક્ષીણ પોલીસે હાથ ધરી છે.

Be the first to comment on "તમે પણ નથી ખાઈ રહ્યાને નકલી તેલ… ગુજરાતમાં અહિયાં તિરુપતિના નામે ડુપ્લીકેટ તેલના ડબ્બા વેચતી ટોળકી ઝડપાઈ"

Leave a comment

Your email address will not be published.


*