સુરતના સરથાણા વિસ્તારમાં થયેલા તક્ષશિલા અગ્નિકાંડ પછી સુરત મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે. SMCના અધિકારીઓ દ્વારા શાળાઓ, ટ્યુશન કલાસીસ કે અન્ય બિલ્ડીંગોમાં ટેરેસ પર બનાવવામાં આવેલા ગેરકાયદેસર ડોમને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. SMCની આ કામગીરીમાં જાણવા મળ્યું હતું કે, કેટલીક શાળાઓ દ્વારા PTના નામે સ્કૂલ પર ડોમ બનાવીને તેમાં ક્લાસરૂમ શરૂ કરી દેવાયા હતા. ત્યારે હવે સુરતમાં થોડા સમય પહેલા જ બનેલા અત્યાધુનિક કતારગામ પોલીસ સ્ટેશનના ચોથા માળ પર એક પતરાનું ડોમ બનાવવામાં આવ્યું છે. આ ડોમમાં જીમ ચલાવવામાં આવી રહ્યું છે.
આ ડોમ એવી રીતે બનાવવામાં આવ્યું છે કે, આગળના ભાગ પરથી નજર કરતા લોકોને ચોથો માળ હોય તેવું દેખાઈ રહ્યું છે. સાઈડ પરથી જોતા ડોમના પતરા દેખાઈ રહ્યા છે. ત્યારે હવે સવાલો એ ઊભા થાય છે કે, સુરતના સરથાણા વિસ્તારની ઘટનામાં બિલ્ડીંગ પર ગેરકાયદેસર ડોમની અંદર બાંધકામ કરવામાં આવ્યું હતું. ત્યારે શું કતારગામ પોલીસ સ્ટેશન પર બનાવવામાં આવેલા ડોમ અને તેમાં ચાલતા જીમને કોણે પરમિશન આપી હશે. કારણ કે, સુરતમાં જેટલી પણ બિલ્ડીંગો પર ત્રીજા માળની ઉપર કોઈ પણ પ્રકારનું ડોમ બનાવ્યું હોય તેને દૂર કરવામાં આવી રહ્યું છે. ત્યારે શું SMCના અધિકારીઓને પોલીસ સ્ટેશનની ઉપર બનાવવામાં આવેલો ડોમ નજરમાં નહીં આવતો હોય.
ઉલ્લેખનીય છે કે, અગ્નિકાંડની ઘટના પછી SMCના અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર બાંધકામ પર તવાઈ બોલાવવામાં આવી છે. SMCના અધિકારીઓ દ્વારા વધારે પ્રમાણમાં શાળાઓને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. આજે સુરતમાં અધિકારીઓની 37 ટીમો બનાવીને 76 જેટલી મિલકતોનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત મંગળવારના રોજ અઠવા ઝોનમાંથી 5, ઉધના ઝોનમાંથી 10, કતારગામ ઝોનમાંથી 10, વરાછા A ઝોનમાં 15, વરાછા B ઝોનમાં 9, લિંબાયત ઝોનના 10 અને સેન્ટ્રલ ઝોનમાં 5 મિલકત પર ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.