તાજેતરમાં જ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ બુટલેગરો પ્રત્યે હમદર્દી દાખવતો નિવેદન આપતાં ભારે વિવાદ થયો હતો ત્યાં સુરતના પુણામાં ધમધમતા દારૂના અડ્ડા ઉપર બુટલેગરે નાણાં કમાવાની લાયમાં પાંચ વર્ષની બાળાને દારૂ આપતો વીડિયોની ફરતો થતાં શહેરભરમાં બુટલેટર પ્રત્યે ફિટકાર વરસી રહ્યો છે.
પુણાના ગુલાબબા ચોક સ્થિત શાક માર્કેટ નજીક પારેખ સોસાયટીની બાજુની ઝૂંપડપટ્ટીમાં દારૂના અડ્ડા પર પીધેલાઓની વચ્ચે આશરે 5 જ વર્ષની એક માસૂમ બાળકી જાણે દૂધ પીતી હોય તેમ દારૂની પોટલી ગટગટાવી રહી હોવાનો વીડિયો સામે આવ્યો છે.
પોલીસ કામગીરી સામે આંગળીઓ ચીંધાઈ
દારૂના આ અડ્ડાથી માત્ર 700 મીટરના અંતરે જ પુણા પોલીસ ચોકી આવેલી છે અજાણી કારમાં આવેલાં યુવકોએ શુક્રવારે બપોરના આશરે 4.25 વાગ્યે આ વીડિયો બનાવ્યો હતો. બાજુમાં બેઠેલો યુવકોએ બાળકીને રોકવાના બદલે ‘આને ટેવ પડી ગઇ છે, કયારેક તો 10 ખેંચી જાય છે’ જેવા ઉચ્ચારણો કરતાં પણ સંભળાય રહ્યાં છે. આ વીડિયોના લીધે પોલીસ કામગીરી સામે આંગળીઓ ચીંધાઈ રહી છે. પુણા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ ડી.ડી. પવારે જણાવ્યું કે, પુણાગામ શાક માર્કેટ નજીકના દારુના અડ્ડા અંગે જાણકારી મળતાં શનિવારે દરોડા કાર્યવાહી કરી કેસ નોંધવામાં આવ્યો છે. વિડીઓની પણ માહિતી મળી હતી પણ વીડિયોમાં દેખાતી બાળા મળી આવી નથી.