ભારતીય વાયુસેનાએ PoK માં આતંકીઓના ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કર્યા બાદ ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યના અનેક શહેરોમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે સાથે જ ટ્રાફિક પોલીસ દ્વારા વાહનોમાં ચેકિંગ પણ કરાઈ રહ્યું છે. સુરક્ષાની સ્થિતિ ન કથળે તે માટે પોલીસ સતત સતર્કતા દાખવી રહી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ તણાવની સ્થિતિને જોતા સુરત પોલીસે બુધવારે લોકો માટે સુરક્ષાને લગતી એક ગાઈડલાઈન જાહેર કરી છે. પોલીસે જાહેર કરેલી ગાઈડલાઈનમાં લોકોને એક મહિના સુધી ચાલે એટલું કરિયાણું તેમજ ઘર વપરાશમાં જોઈતી વસ્તુઓને સ્ટોર કરી લેવા કહ્યું છે. સાથે જ કેટલીક જરૂરી દવાઓ તેમજ બાળકો માટેનું ફૂડ પણ સ્ટોર કરવા કહ્યું છે.
સુરત પોલીસે લોકોને જાહેર જગ્યાઓ પર કે કોઈ મીટિંગમાં જાતિય રમખાણો થાય તેવા પ્રકારની વાતો કે કોમેન્ટ ન કરવા માટે કહ્યું છે તેમજ અફવાઓ ન ફેલાવવા અને અફવાઓથી દૂર રહેવા માટે સૂચના આપી છે. પોલીસે લોકોમાં ડર ઊભો થાય તેવા મેસેજ સોશિયલ મીડિયા પર શેર ન કરવા માટે અપીલ કરી છે. ખરાઈ કર્યા વગરના મેસેજ ફોરવર્ડ ન કરશો તેવી સલાહ પણ આ પ્રેસનોટ માં આપવામાં આવી છે.
સુરત પોલીસે લોકોને કોઈ શંકાસ્પદ વસ્તુ જણાય તો તાત્કાલિક પોલીસને આ અંગે જાણ કરવા કહ્યું છે. ગાઈડલાઈન પ્રમાણે ટૂંકા સમયગાળા માટે કોઈ અજાણી વ્યક્તિને પોતાનું ઘર ભાડે રહેવા માટે ન આપવું સાથે જ અજાણી વ્યક્તિને પોતાનું વાહન ન આપવું. કોઈ અજાણી વ્યક્તિને કામ પર ન રાખવા માટે પણ ગાઈડલાઈનમાં સૂચના અપાઈ છે. હોટેલ અને ગેસ્ટ હાઉસનો રૂમ પણ વ્યક્તિના આઈકાર્ડની યોગ્ય ચકાસણી કર્યા બાદ જ આપવા કહેવાયું છે.