ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ સાગર રબારી એ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, જળ શક્તિ મંત્રાલય અંતર્ગત આવતી સેન્ટ્રલ વોટર ઑથોરિટી એ એક જાહેરાત આપી છે કે, અગાઉ એ માત્ર ઔદ્યોગિક એકમો માટે હતું પરંતુ હવે એ રહેણાંક ના મકાનો, ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો, સોસાયટીઓ અને ફ્લેટો એમાં જે જે લોકો ને બોર અને ટ્યુબવેલ થી પાણી આવે છે, તે લોકો ને 10000/- રૂપિયા ભરી તેમના બોર અને ટ્યુબવેલ નું રજીસ્ટ્રેશન કરાવવાનું છે.
સેન્ટ્રલ વોટર ઑથોરિટી એ હજી સુધી આ જાહેરાત કરી એવો કોઈ ફોડ પડ્યો નથી કે, 10000/- રૂપિયા ભરીને રજીસ્ટ્રેશન કરાયા પછી આગળ શું? આ કર્યા બાદ આગળ શું થવાનું છે તે 2013માં ભાજપ સરકાર જાહેર કરી ચૂકી છે. 2013માં જે ગુજરાત પાણી વ્યવસ્થા અને ગટર પુરવઠા અધિનિયમ આવ્યો હતો એ માત્ર ગામડાઓ માટે હતો અને ખેતી માટે હતો. જેમાં ખેડૂતોએ પોતાના બોર, કુવા અને ટ્યુબવેલ નું રજીસ્ટ્રેશન કરાવવાનું હતું અને નવા બનાવવા હોય તો લાઇસન્સ લેવાનું હતું. સેન્ટ્રલ વોટર ઑથોરિટી ની આ જાહેરાત અનુસાર આગળ એ જ થશે કે જે સોસાયટી ને નવા બોર અથવા ટ્યુબવેલ બનાવવા હશે તો તેમને પણ લાઇસન્સ લેવાની ફરજ પડશે.
રહેણાંક ના મકાનો માં, ગામડાઓ માં પાણી પૂરું પાડવું એ જે તે વિસ્તારની નગરપાલિકા, મહાનગરપાલિકા અને સરકારની જવાબદારી છે. પરંતુ ભાજપ સરકાર તેમની જવાબદારીઓ પુરી પાડવામાં સફળ રહી નથી. રહેણાંક ની ઘણી બધી જગ્યાએ ભાજપ સરકાર પાણી પૂરું પાડી શકી નથી. હાઈ TDS નું પાણી ખૂબ ઊંડેથી ખેંચીને સોસાયટી ઓ પોતાના ખર્ચે વીજ બિલ ભરી ને પીવાનું પાણી મેળવે છે. એમના ઉપર આ એક વધારાનો બોજ નાખી રહ્યા છે. માત્ર 10000/- નથી ભરવાના, 10000/- ભરીને રજીસ્ટ્રેશન કરાવ્યા પછી કેટલું પાણી એ ભૂગર્ભમાંથી ખેંચે છે એના મીટરો પણ લગાવવામાં આવશે, ખેંચેલા પાણીના પ્રમાણમાં એમને બિલ પણ ભરવા પડશે, એની સાથે સાથે લાઇસન્સ ની શરતો નો જો કોઈ ભંગ કરે તો એમના લાઈસન્સો રદ પણ થશે.
સાગર રબારી એ આગળ કહ્યું કે, લાઇસન્સ રદ કરવું એ ભ્ર્ષ્ટાચાર ને ઉત્તેજન આપવા સમાન છે. જયારે તમે કોઈ અધિકારીને સત્તા આપો છો કે તે લાઇસન્સ રદ કરી શકે છે મતલબ તમે પરોક્ષ રીતે ભ્રષ્ટાચારની આવકના રસ્તા ખોલી રહ્યા છો. પહેલા ગામડાઓ અને ખેડૂતો માટે લાઇસન્સ નો કાયદો લાવ્યા હવે રહેણાંક ના મકાનો માટે કાયદો લાવ્યા. ભાજપ સરકારે પાણીની જે જરૂરિયાત છે એને પણ સંપૂર્ણ રીતે પોતાના હાથ માં લઇ લેવી છે, તમે ગામડામાં રહેતા હોય કે શહેરમાં તમારે તમારી જરૂરિયાતો માટે લાઇસન્સ લેવું જ પડશે. તમારે પીવાનું પાણી લેવું હોય કે, ઢોર રાખવા હોય કે પછી ખેતી કરવી હોય; તમારે લાઇસન્સ લેવું જ પડશે અને આ લાઇસન્સ અને સજા ની જોગવાઈ એ બસ ભ્રષ્ટાચારના અલગ અલગ રસ્તા ખોલે છે.
સાગર રબારી એ કહ્યું કે, આનાથી સ્પષ્ટ થાય છે કે ભારતીય જનતા પાર્ટી ને મત એટલે કે ગુલામી ને મત. આ બધા જ કાયદાઓ આગામી ચૂંટણી નું ચિત્રણ સ્પષ્ટ કરે છે. મારી ગુજરાતની જનતાને અપીલ છે કે તે સમજી વિચારીને બધા કાયદાઓ ના ફાયદા-નુકસાન સમજીને મત આપવો જોઈએ. અજાણતા, લોભ-લાલચમાં, ટૂંકી દ્રષ્ટિ એ આપેલો મત ગુલામીને તમારા બારણે ઉભી કરી દેશે એમાં કોઈ બેમત નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.