ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈકચાલક રિટાયર્ડ આર્મી જવાનનું સારવાર દરમિયાન મોત

Army jawan dies in an Accident: દિન પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે.જેને લઇને વાહન ચાલકોમાં ચિંતાઓ જોવા મળી રહી છે.ત્યારે આજરોજ વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં છોટા ઉદેપુરના અંબાલામાં ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતની ગંભીર ઘટના સામે આવી છે.જેમાં ટ્રકે બાઈક સવારને અડફેટે લેતાં આ અકસ્માત(Army jawan dies in an Accident) સર્જાયો હતો.જેમાં આર્મી મેન બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.અકસ્માતને પગલે મૃતકનો પરિવાર શોકમાં ગરકાવ થયો છે.

આર્મીમેનનું સારવાર દરમિયાન મોત
છોટા ઉદેપુર જિલ્લાના અંબાલા પાસે આજેરોજ એક વિચિત્ર અકસ્માતનો બનાવ સામે આવ્યા છે.જેમાં એક ટ્રકના વ્હીલ્સ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલક રીટાયર્ડ આર્મી જવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.આ બનાવ અંગે જો વિગતવાર વાત કરીએ તો,છોટા ઉદેપુરના રીટાયર્ડ આર્મી જવાન અને હાલ મ્યુઝીયમમાં સીક્યોરિટીની નોકરી કરતા શંકર દલસુખભાઈ રાઠવા કોઈ કામ માટે બાઈક લઇને અલીરાજપુર તરફ જતા હતા.

ત્યારે અંબાલા ગામ પાસે પહોંચ્યા સામેથી ડોલોમાઈટ પથ્થર ભરીને આવતી પૂરપાટ ઝડપે આવતી ટ્રકના પાછળના જમણી બાજુના બે વ્હીલ અચાનક નીકળી જતા બન્ને વ્હીલ ધરી સાથે રોડ પર ગબડ્યા હતા. જે સામેથી બાઈક લઈને આવી રહેલા શંકરભાઇ દલસુખભાઈ રાઠવાની બાઈક સાથે અથડાતા શંકરભાઇ રાઠવા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે છોટા ઉદેપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું.ત્યારે આ ઘટનાની જાણ થતા પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા

પરિવાર શોકમાં ગરકાવ
આ અકસ્માતને પગલે હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા.પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ ગમખ્વાર અકસ્માતને લીધે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી અને આર્મી મેનના પરિવારમાં શોક છવાઈ ગયો હતો.

આવા અકસ્માતમાં નિર્દોષ લોકો ભોગ બનતા હોય છે
સ્થાનિકો અનુસાર રોડ વિભાગ દ્વારા બે રોડ વચ્ચેના ડિવાઇડરની કામગીરી ચાલી રહી છે. જો કે કેટલાક સ્થળો ઉપર ડિવાઇડરોની પહોળાઈ વધુ છે તો કેટલાક સ્થળો ઉપર ડિવાઈડરની પહોળાઈ ઓછી રાખવામાં આવી છે જેને કારણે વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વાહન ચાલકો વાહન હંકારી રહ્યા હોય છે. ત્યારે અચાનક જ બે રોડ વચ્ચેના ડિવાઈડરની પહોળાઈ ક્યાંક વધુ હોય છે તો ક્યાંક ઓછી હોય છે. જેને કારણે વાહન ચાલકો વાહન કંટ્રોલ કરી શકતા નથી અને આવા અકસ્માતમાં નિર્દોષ લોકો ભોગ બનતા હોય છે.