હાલ કોરોનાને કારણે આખું વિશ્વ લોકડાઉનમાં છે. કોરોનાના કેસ દિવસે ને દિવસે વધતા જાય છે. એવામાં દર્દીઓ પ્રાઇવેટ હોસ્પિટલની જગ્યાએ સરકારી હોસ્પિટલમાં સારવાર કરાવી રહ્યા છે. ત્યારે સિવિલ હોસ્પિટલ કે અન્ય કોઈ હોસ્પિટલમાં સારવાર માટે જવાનું થાય તો કિંમતી દાગીના અને વસ્તુઓ ઘરે મૂકીને જજો. કેમ કે અમદાવાદમાં માનવતાને શર્મસાર કરતી ઘટના અસારવાની સિવિલ હોસ્પિટલમાં બની છે. કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામેલી બે મહિલાના શરીર પરથી દાગીના ગાયબ (ચોરી)થયાનો આક્ષેપ પરિવારે કર્યો છે. અમરાઈવાડીના સ્થાનીક કોર્પોરેટર જગદીશ રાઠોડે આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીને લેખિત ફરિયાદ કરી છે.
અમરાઈવાડીમાં રહેતા બિંદુબહેન રાજપૂતને કોરોનાની સારવાર માટે દાખલ કર્યા હતા. તેમનું અવસાન થતાં પરિવારને અંતિમક્રિયા માટે હાજર રાખ્યા હતા. આ સમયે બિંદુબહેને પહેરેલી સોનાની બે બુટ્ટી, નાકની ચુની અને તેમની પાસેનો મોબાઇલ ફોન પરિવારને મળ્યો નહોતો. બિંદુબહેનના પતિ શિવપૂજન રાજપુત એ આ અંગે જણાવ્યું હતું કે, મારી પત્નીના દાગીના અને મોબાઈલ ફોન ના મળતા અમે ચોરીની ફરિયાદ 100 નંબર પર ફોન કરીને લખાવી છે.
બીજી ચોરીની ઘટનામાં સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામેલા જશુબહેન ઝીણીયાની નાકની ચુની,મોબાઈલ ફોન અને ચાર્જર પરિવારને મળ્યા નથી. જશુબહેનના દિયર પ્રાગજીભાઈએ જંણાવ્યું હતું કે,મારા ભાભીના દાગીના,મોબાઈલ અને ચાર્જર અમને મળ્યા નથી. આ અંગે અમે કોર્પોરેટર જગદીશભાઈને જાણ કરી હતી. અમરાઈવાડીના કોર્પોરેટર જગદીશભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, મે આ અંગે મુખ્યમંત્રી,આરોગ્ય મંત્રી અને શહેર પોલીસ કમિશનરને લેખિત રજુઆત કરીને કડક કાર્યવાહી કરવા અરજ કરી છે.
કોરોના સંક્રમિત દર્દીઓ પ્રાઇવેટ હોસ્પિટલનો ખર્ચ ભોગવી નથી શકતા. જેથી તેઓ સિવિલ હોસ્પિટલોમાં સારવાર કરાવે છે. આવા દર્દીઓના મૃત્યુ પછી તેમની કિંમતી વસ્તુઓ પર નજર નાખનારા લાલચુ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news