‘તું મને ઓળખે છે હું કોણ છું…’ વડોદરા ભાજપ યુવા મોરચાના પ્રમુખની ખુલેઆમ દાદાગીરી- વિડીયો થયો વાઈરલ

Published on Trishul News at 2:11 PM, Fri, 20 October 2023

Last modified on October 20th, 2023 at 2:13 PM

Bullying of BJP Yuva Morcha President in Vadodara: વડોદરા શહેરના ભાજપ યુવા મોરચાના પ્રમુખનો વધુ એક વિવાદ સામે આવ્યો છે.યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિતની દાદાગીરીનો(Bullying of BJP Yuva Morcha President in Vadodara) વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. તે વિડિયોમાં તેઓ સ્કૂટર ચાલકને માર મારતા જોવા મળી રહ્યા છે. તેઓ પોલીસની હાજરીમાં જ યુવક સાથે ઝપાઝપી કરતા જોવા મળી રહ્યા છે.

કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતા બબાલ થઈ
પાર્થની કાર અને બાઈક વચ્ચે એક નાનો અકસ્માત થયો હતો. આથી બાઈક પર સવાર મૌલિક અરવિંદ પંચાલ અને પાર્થ વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. તે પછી બન્ને વચ્ચે હાથાપાઇ પણ થઈ હતી. જોકે આ અંગે મૌલિકે જણાવ્યું છે કે, મારે કોઈ પોલીસ ફરિયાદ કરવી નથી, જરૂર પડ્યે ફરિયાદ કરીશ. જ્યારે જે.પી. પોલીસ સ્ટેશન તરફથી જણાવવામાં આવ્યું હતું કે, મૌલિકે અરજી કરી છે, ફરિયાદ કરવાની ના પાડી છે.

નજીકમાં ગરબા થાય છે
મળતી માહિતી અનુસાર, શહેરના જૂના પાદરા રોડ અક્ષર ચોકની આગળ જાણીતા યુનાઈટેડ વેના ગરબા થાય છે. મોડી સાંજે ખેલૈયાઓ ગરબા મેદાનમાં જવાની શરૂઆત કરી દેતા હોય છે. ગઈકાલે પણ ખેલૈયાઓ ગરબા ગ્રાઉન્ડ તરફ જઈ રહ્યા હતા. ત્યારે અક્ષર ચોક પાસે વાહનોની ખુબ ભીડ હતી. ત્યાં પાર્કિંગ અંગે શહેર ભાજપના યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિત અને બાઈકચાલક મૌલિક વચ્ચે ઝઘડો થયો હતો.

વાહનોની કતારો લાગી
આ ઝઘડાની શરૂઆત ઉગ્ર બોલાચાલીથી શરુ થઈ હતી અને જોતજોતામાં આ બોલાચાલી એકદમ મારામારીમાં પરિણમી હતી. બંને બાથંબાથ અને ફેંટમફેંટ ઉપર ઊતરી આવ્યા હતા. જાહેર માર્ગ ઉપર બંને વચ્ચે ચાલી રહેલી મારામારીને કારણે ટ્રાફિક વ્યવહાર અસ્તવ્યસ્ત થઈ રહ્યો હતો. વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. વાહનચાલકો દ્વારા વગાડવામાં આવેલા હોર્નથી વિસ્તાર ગુંજી ઊઠ્યો હતો.

પોલીસનો છૂટા પાડવાનો પ્રયત્ન
ટ્રાફિકજામ થઈ જતાં પોલીસ પણ ત્યાં દોડી આવી હતી અને જાહેર માર્ગ ઉપર મારામારી કરી રહેલા પાર્થ અને વાહનચાલકને છૂટા પાડવા ઘણા પ્રયાસો કર્યા હતા. પરંતુ, બંને શાંત થવાને બદલે એકબીજાને મારવા ધસી રહ્યા હતા. પાર્થે એક ટુ-વ્હીલરને ધક્કો મારી પાડી દીધું હતું અને વાહનચાલકને મારવા ધસી ગયો હતો. તો વાહનચાલક પણ મારવા ધસી રહ્યો હતો.

પોલીસ ફરિયાદ નોંધાઈ નથી
આ બનાવની મોડીરાત સુધી કોઈ પોલીસ ફરિયાદ નોધવામાં નોતી આવી. પરંતુ આ બનાવે વિસ્તારમાં ભારે ચકચાર મચાવી હતી. આ સાથે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થયો હતો.

Be the first to comment on "‘તું મને ઓળખે છે હું કોણ છું…’ વડોદરા ભાજપ યુવા મોરચાના પ્રમુખની ખુલેઆમ દાદાગીરી- વિડીયો થયો વાઈરલ"

Leave a comment

Your email address will not be published.


*