સુરત(surat): વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના યશસ્વી ૮ વર્ષ ગરીબો અને વંચિતો માટે નવી આશા અને ઊર્જા પૂરી પાડનારા બન્યાં છે. ઘરવિહોણા પરિવારોને ઘરનું ઘર મળી રહે તે માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ છત્રછાયા પૂરી પાડી છે, ત્યારે પોતાની માલિકીના ઘરનું સ્વપ્ન કોણ નથી જોતું? અને જો આ સપનુ પૂરું થઇ જાય તો તેનાથી વધુ ખૂશીની વાત બીજી કોઇ ન હોય. કાળઝાળ મોંઘવારીમાં શહેરી વિસ્તારોમાં રહેતા લોકો બે છેડા ભેગા કરે ત્યારે માંડ ઘર ખર્ચ નીકળે છે. તેમાય જો પરિવારના સભ્યને મોટી બિમારી આવી પડે તો મસમોટા ખર્ચમાં બધી બચત વપરાઈ જાય. તેવા સમયે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાખો લોકોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે.
સુરતના ભીમરાડમાં સુરત મહાનગરપાલિકા દ્વારા નિર્મિત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પ્રવિણભાઈ પટેલને ‘સુમન આસ્થા’ બિલ્ડીંગમાં 1 BHK નો ફ્લેટ મળવાથી જાણે કે તેમના જીવનમાં સોનાનો સુરજ ઉગ્યો. મૂળ મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ભૂણાવ ગામના વતની ૩૭ વર્ષીય પ્રવિણભાઈ પટેલ પાંડેસરામાં ગેરેજ ધરાવે છે. તેઓ પ્રતિભાવ આપતા જણાવે છે કે, મારા પિતા વતનમાં ખેતી કરે છે. દિવ્યાંગ છે. અમે સુરતમાં છેલ્લાં ૭ વર્ષથી ભાડાના મકાનમાં રહીએ છીએ. ભાડાના મકાનમાં રહેતા ત્યારે મકાન માલિકોના પોતાના નિયમો,પાણીના વપરાશ અને મહિનાની છેલ્લી તારીખે ભાડુ દેવામાં મોડું થાય તો ટેન્શનમાં આવી જતા અને ક્યારે ઘર ખાલી કરવાનો વારો આવી જાય એની સતત લટકતી તલવાર રહેતી.
એક દિવસે સમાચારપત્રમાં જાહેરાત વાંચી કે, પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ફોર્મ બેંકમાં મળે છે. યોજનાની જાણકારી મેળવી ત્યારે વિશ્વાસ ન્હોતો બેસતો કે, અમારા જેવા ગરીબ પરિવારોને આટલા નજીવા દરે સારા વિસ્તારમાં ઘર મળતું હશે. પણ બેંકમાંથી ફોર્મ મેળવી જરૂરી ડોકયુમેન્ટ સાથે ફોર્મ જમા કર્યું. નિયત તારીખે પદાધિકારીઓ-અધિકારીઓની હાજરીમાં ગત વર્ષે પારદર્શક રીતે કોમ્પ્યુટરાઈઝ ડ્રો થયો અને 1BHK ફ્લેટની મને ફાળવણી થઈ ત્યારે અમારા હરખની કોઈ સીમા ન હતી.
અમે જે ભાડાની રકમ ચૂકવતા તે નાણામાં લોનના હપ્તા ભરીએ છીએ. હવે દર મહિને ભાડાને બદલે હપ્તા ભરીએ છીએ અને ભીમરાડના શાંત વિસ્તારમાં સુખચેનથી રહીએ છીએ. સુરત જેવા મોંઘા શહેરમાં અમારું ઘરના ઘરનું સ્વપ્ન પૂર્ણ થતા અમોને માત્ર 7.50 લાખ રૂપિયામાં ઘરના માલિક બન્યા છીએ. વર્ષો બાદ અમારી આશાઅપેક્ષા પૂર્ણ થઈ છે અને આજે મારો પરિવાર કોઈ પણ પ્રકારની સમસ્યા વિના શાંતિ રહે છે. પ્રવિણભાઈ કહે છે કે, ભલુ થજો આ સરકારનું કે, અમારા જેવા ગરીબ પરિવારના ઘરના ઘરનું શમણું સાકાર કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.