મહામારી સામે લડવા લોકોનું મનોબળ ટકાવી રાખીને જુસ્સો વધારવા સાધુ-સંતો-મહંતો અને વિવિધ ધર્મના વડાઓને અપીલ કરતા મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, કોરાના જેવી મહામારી સામે લડવા નાગરિકોનું મનોબળ મજબૂત રીતે ટકી રહે એ જરૂરી છે અને લોકોનું મનોબળ ટકાવી રાખવા સાધુ, સંતો, મહંતો અને ધાર્મિક વડાઓની ભૂમિકા વિશેષ મહત્વની છે. આજે ગુજરાતના વિવિધ ધર્મો-સંપ્રદાયોના સંતો-મહંતો સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે સંવાદ કરતાં મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, સાધુ-સંતોના આશીર્વાદ અને લોકોના સહયોગથી જ ગુજરાત આ વિકટ પરિસ્થિતિ સામે લડી શકશે. વધુને વધુ નાગરિકો વેક્સિન લે અે માટે અપીલ કરવા તેમણે સંતોને અનુરોધ કર્યો હતો.
મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, આજ સૌ સંતોના આશીર્વાદ, માર્ગદર્શન, સૂચનો અને તમામ સહકાર આપવાની તત્પરતાથી અમારા ઉત્સાહમાં ખૂબ વધારો થયો છે. કોરાનાના પહેલા તબક્કામાં આપણને કોરાનાની સમજ પણ ન હતી. કોવિડ હોસ્પિટલ, વેન્ટીલેટરની સુવિધા પણ ન હતી. રાજ્ય પાસે તે વખતે N-95 માસ્ક પણ ઉપલબ્ધ ન હતા. વેક્સિનનો તો પ્રશ્ન જ ન હતો, કયારે આવશે તે નક્કી જ નહોતું. જયારે આજે બીજા તબક્કામાં આપણી પાસે કોવિડ સંબંધી સંશાધનાનો ઉપલબ્ધ છે. પરંતુ કોરોનાનો આંક ખૂબ ઉંચો છે ત્યારે ભવિષ્યની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણે સૌએ સાથે મળીને આયોજન કરવાની જરૂર છે. આપ સૌ સાધુ-સંતોના આશીર્વાદ અને લોકોના સહયોગથી આ પરિસ્થિતિ સામે લડવાનું છે અને જીતવાનું પણ છે.
મુખ્ય મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આવી મહામારી-લડાઇ સામે નાગરિકોનું મનોબળ તૂટે નહીં, તેમનો રોગ સામેનો જુસ્સો જળવાઇ રહે તે ખૂબ જ મહત્વનું છે અને તો જ આપણે જંગ જીતીશું. આપણે જરૂરી સાધનો-વ્યવસ્થા સાથે પહોંચી વળીશું. લોકોનું મનોબળ ટકાવી રાખવા સાધુ-સંતો, મહંતો વિવિધ ધર્મોના વડાઓને સહકાર મળે તે ખૂબ જ જરૂરી છે.
મુખ્ય મંત્રીશ્રીએ આદરપૂર્વક વિવિધ ધર્મ, સમાજના વંદનીય સંતોને અપીલ કરી હતી કે, તમામ ધર્મ-જ્ઞાતિ સમાજના લોકો વધુમાં વધુ વેકસિન લગાવે તેવો તેના માટે સામેથી પ્રયાસ કરે તે ખૂબ જરૂરી છે. પૂજય અવિચલ દાસજીએ જણાવ્યું કે, વેકસિનના પ્રમાણપત્ર વિના મંદિરમાં પ્રવેશ નહીં તેવા નિર્ણયો ભક્તો-લોકોના હિતમાં કરવાથી આપણે આ મહામારીમાંથી જલ્દીથી બહાર આવી શકીશું.
તેમણે કહ્યું હતું કે, સદીમાં એકાદવાર આવી મહામારી આવતી હોય છે. સ્પેનિસ ફલુ ૧૯ર૦ પછી ૧૦૦ વર્ષ બાદ આ ર૦ર૦માં કોરોના મહામારી આવી છે. ભગવાન આપણને આ કામમાં વધુમાં વધુ લોકોની સેવા કરવાની તક આપી છે. આપણને પૂણ્ય કમાવવાનો મોકો આપ્યો છે તો વધુમાં વધુ લોકોની સેવા કરવાનો સરકાર પ્રયાસ કરી રહી છે. ભગવાને અમને આપેલી આ જવાબદારી અમે ખૂબ જ નિષ્ઠા-મહેનતથી નિભાવી રહ્યા વીએ તેમાં નિષ્ફળ થયા વિના વધુમાં વધુ લોકો-માનવજાતની આપણે સૌ એકબીજાના સહકારની ભાવનાથી જી બચાવી શકીએ તેવા હેતુથી આજે આ સાધુ-સંતોનો, વિવિધ ધર્મના વડાઓના સૂચનો-માર્ગદર્શન માટે સંવાદનું આયોજન કર્યું છે, તેમ જણાવી મુખ્ય મંત્રીશ્રીએ કહ્યું હતું કે, મને ચોક્કસ વિશ્વાસ છે કે, આપણે સાથે મળી કોરોનાને હરાવીશું અને ગુજરાતને જીતાડીશું.
નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, નાગરિકોની સારામાં સારી સારવારની સાથોસાથ સાધુ-સંતો-મહંતોના આશીર્વાદ પણ જરૂરી છે. નાયબ મુખ્યમંત્રીશ્રીએ સાધુ સંતો નો આભાર વ્યકત કરતાં વધુમાં જણાવ્યું હતું કે, આપ સૌના આશીર્વાદથી અમારું મનોબળ વધ્યું છે તેના પરિણામે આગામી સમયમાં પણ અમે નાગરિકોને વધુ ને વધુ સારી આરોગય સુવિધાઓ પૂરી પાડીશું અને લોકોને સંક્રમણથી બચાવી શકીશુ
તેમણે ઉમેર્યુ કે, આપના આશીર્વાદ પણ અવિરત પણે મળતા રહે એ જ શુભેચ્છા, સરકાર તો નાગરિકોને આરોગ્યલક્ષી સારવાર કરી રહી છે સાથે સાથે સાધુ-સંતોના પણ આશીર્વાદ એટલા જ જરૂરી છે. સમગ્ર વિશ્વ આજે જ્યારે કોરોનાની વૈશ્વિક મહામારી સામે લડી રહ્યું છે ત્યારે છેલ્લા એક વર્ષથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળ અમારી સમગ્ર ટીમ ગુજરાત અથાક પ્રયત્નો કરી રહી છે જેના પરિણામે સંક્રમણ અટકાવવામાં સફળતા મળી છે.
તેમણે ઉમેર્યું કે પ્રથમ તબક્કો એટલો નાજુક નહોતો તે સમયે તો ઘણા ઓછા લોકોને નુકસાન અને સંક્રમણ થયું અને લોકો ઘરે ઝડપથી પરત ફરી રહ્યા હતા પરંતુ નિષ્ણાતો અને WHOના મત મુજબ આ બીજો તબક્કાનો વાયરસ અલગ પ્રકારનો છે અગાઉના સમયમા વાયરસનો ચેપ ઝડપથી પ્રસરતો નહોતો પરંતુ હાલનો તબક્કાનો વાયરસ ઝડપથી પ્રસરે છે તે સમગ્ર પરિવાર સહિત મહોલ્લાઓના મહોલ્લાઓને અસર કરી શકે છે અને આ ગંભીર પડકારનો સામનો રાજ્ય સરકાર સુંદર રીતે કરી રહી છે ત્યારે તેમાં આપ સોનો વ્યાપક સહયોગ અને આપના આશીર્વાદ પણ એટલા જ જરૂરી છે.
તેમણે ઉમેર્યું કે, મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ના નેતૃત્વ હેઠળ રાજયનું સમગ્ર વહીવટીતંત્ર સહિત આરોગ્ય વિભાગના તબીબો, પેરામેડિકલ સ્ટાફ સહીતના તમામ કર્મીઓ રાત-દિવસ જોયા વગર એક વર્ષથી સુંદર રીતે કામગીરી કરી રહ્યા છે. આ તમામ લોકોને બિરદાવવા માટે રાજ્ય સરકારે પૂરેપૂરી વ્યવસ્થા કરી છે. તમામ તબીબો અને સ્ટાફને પ્રોત્સાહિત કરવા પગાર વધારા સહિત વધારાનું માનદ વેતન પણ અમે આપ્યું છે એ જ રીતે તબીબો કે પેરામેડીકલ સ્ટાફને કોરંટાઈન થવુ પડે ત્યારે પણ તમામ પ્રકારની સગવડો રાજ્ય સરકારે વિનામૂલ્યે પૂરી પાડી છે. મહામારી ને રોકવા માટે અને નાગરિકોની વધુ સુરક્ષિત કરવા માટે અમે તજજ્ઞો-નિષ્ણાતોનું માર્ગદર્શન મેળવી રહ્યા છીએ અને એ મુજબ સારવાર પણ પુરી પાડીએ છીએ.
નાયબ મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે, કોરોનાના કપરા કાળમાં જ્યારે પણ કોઈ આરોગ્ય કર્મચારીનું મૃત્યુ થાય તો તેમના પરિવારજનોને સહાયરૂપ થવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂઆતના તબક્કામાં જ રાષ્ટ્રવ્યાપી જાહેરાત કરી હતી કે, જે કોઈ આરોગ્ય કર્મીનું મૃત્યુ થાય તો તેને રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૨૫ લાખ અને કેન્દ્ર સરકારની વિવિધ યોજના હેઠળ રૂપિયા ૫૦ લાખ જેટલી સહાય ચૂકવાય છે એટલે મૃતક કર્મીના કુટુંબની પણ કાળજી વડાપ્રધાનશ્રી અને મુખ્ય મંત્રીશ્રીએ રાખી છે.
તેમણે ઉમેર્યું કે કોરોનાના પ્રથમ તબક્કામાં સારવાર માટે જે સેવાઓ ઉપલબ્ધ બનાવી હતી તે તમામ પૂર્વવત કરી દેવાઇ છે આજે એક મહિના પહેલા ૪૦,૦૦૦ પથારીઓ હતી તે આજે ૮૮,૬૫૮ જેટલી પથારીઓ રાજ્યમાં અમે ઉપલબ્ધ બનાવી દીધી છે.આપ સૌ ધર્મગુરૂઓ દ્વારા વિવિધ ધાર્મિક સંસ્થા ના ભવનો, આશ્રમો, ભોજનાલય, હોસ્ટેલ સહિતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર નો ઉપયોગ કરવા માટે સંમતિ આપી છે તે બદલ આપનો આભાર માનતાં તેમણે કહ્યું કે ઈન્ફ્રાસ્ટ્રકચર તો રાજય સરકાર ઉભું કરી શકે છે પણ દર્દીઓને સારવાર માટે તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ, ફિઝીશ્યન, એનેસ્થેસિયા, રેડીયોલોજીસ્ટ જેવા નિષ્ણાંતોની સારવાર માટે જરૂર પડે છે જેની તંગી છે એ સંદર્ભે પણ આપ સૌ દ્વારા પૂરતો સહયોગ મળે તે જરૂરી છે આ માટે અમે હજારોની સંખ્યામાં તબીબો અને પેરામેડીકલ સ્ટાફને સરકારી સેવામાં નિવૃત્ત થયા હોવા છતાં પણ જોડી દીધા છે.
તેમણે ઉમેર્યું કે ઘરે બેઠા લોકોને ઓક્સિજનની સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે તે વ્યક્તિગત પોર્ટેબલ ઓક્સિજન મશીનની પણ સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા રાજ્ય સરકાર વિચારી રહી છે તે મશીન એક દર્દી માટે ઉપયોગ થયા બાદ અન્ય દર્દીઓને પણ કામમાં આવી શકે છે. હાલ રાજ્યમાં ૬૦૦ ટનથી વધુ ઓક્સિજનનો જથ્થો દરરોજ વપરાય છે ત્યારે મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પણ રાજ્યમાં ઉત્પાદિત થતાં ઓક્સિજન જથ્થા પૈકી મોટાભાગનો જથ્થો આરોગ્ય સારવાર માટે પૂરો પાડવાનો નિર્ણય કરી દીધો છે.
તેમણે કહ્યું કે રાજયમાં રેમડીસીવર ઇન્જેક્શનની પણ મોટી ડિમાન્ડ ઊભી થઈ છે. ગુજરાત સહભાગી છે કે કેડીલા જેવી મોટી કંપનીઓ દ્વારા પણ વ્યાપક ઉત્પાદન શરૂ કરીને દરરોજના ૨૫ થી ૩૦ હજાર વાયલ પણ રાજયમા ઉપલબ્ધ બનાવ્યા છે. એટલું જ નહીં કેન્દ્ર સરકારે પણ આ રેમડીસીવર ઈન્જેકશનના નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો છે એટલે ટૂંક સમયમાં આપ સૌના આશીર્વાદને કારણે રાજ્યમાં રેમડીસીવર ઇન્જેક્શન પૂરતો જથ્થો ઉપલબ્ધ થશે કેન્દ્ર સરકાર દ્વારા પણ ઈન્ફ્રાસ્ટ્રકચર સહિતની અન્ય આનુષાગિક સેવાઓ તબક્કાવર આપણને પૂરી પાડવામાં આવી રહી છે જેના પરિણામે આગામી સમયમા આપણે નાગરિકોને વધુ સારી સેવાઓ આપી શકીશું
નાયબ મુખ્યમંત્રીશ્રી પટેલે તમામ સાધુ-સંતોનો હૃદય પૂર્વક આભાર માનતા જણાવ્યું હતું કે અત્યાર સુધી જ્યારે જયારે પણ કોઈ આપત્તિ આવી હોય ત્યારે આપ સૌનો સહયોગ અને આશીર્વાદ મળ્યા છે જેના પરિણામે આપણે મોટી મોટી આફતોને પણ સુપેરે પાર પાડી શક્યા છે ત્યારે આ કોરોનાના કપરાકાળ માં પણ ભગવાન અને આપ સૌના આશીર્વાદને કારણે ચોક્કસપણે આપણે કોરોનાને હરાવીને કોરોના મુક્ત ગુજરાત બનાવીશું એવો મને દ્રઢ વિશ્વાસ છે તેમ તેમણે ઉમેર્યુ હતું. ધાર્મિક ગુરુઓ, સંપ્રદાયના પ્રતિનિધિઓના મંતવ્યો:
પૂજય રમેશ ઓઝા :
આ સંકટ સમયમાં સાવધાની રાખવામાં સમજદારી છે. તમામ નાગરિકોએ ફરજિયાતપણે માસ્ક પહેરવા, સેનેટાઇઝરનો ઉપયોગ કરવા તથા સોશિયલ ડિસ્ટન્સ રાખવાની નમ્ર અપીલ છે.
પૂજય મોરારી બાપુ :
કોરોનાનો સામનો કરવા બધાએ એક થવું એ આજના સમયની માંગ છે ત્યારે તબીબોની સલાહનું અક્ષરશ: પાલન કરવું જોઇએ અને તમામ નાગરિકોએ માસ્ક પહેરવું જોઇએ.
પૂજય રત્નસુંદરજી મહારાજ :
આજે રાજ્ય સરકારના તમામ પ્રયત્નો કોરોના મહામારીને નાથવા માટે ચાલી રહ્યા છે ત્યારે રાજ્યના કોરોના વોરીયર્સ એવા કર્મયોગીઓ પોતાની જાનના જોખમે નાગરિકોની સેવા કરી રહ્યા છે. If we can see Invisible, We can do possible. આપણે આપણી શ્રદ્ધાને કાયમ રાખી કર્મ ચાલું રાખવું જોઇએ. આ સાથે વધુને વધુ આરોગ્યની સુવિધાઓ ઉભી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. અમે અમારા શ્રદ્ધાળુઓને વેકસીન લેવા આગ્રહ કરી રહ્યા છે. આ સાથે, રાજ્ય સરકારે પણ નાગરિકો વેકસીન લેવા પ્રેરિત થાય તેવાં પગલાંઓ લેવા જોઇએ.
પૂજય અવિચલદાસજી મહારાજ :
અમે સર્વે સંત સમાજ રાજ્ય સરકારની કામગીરીથી સંતુષ્ટ છીએ તેમજ રાજ્ય સરકારની ગાઇડલાઇનનું પાલન કરવા તૈયાર છીએ તેમજ અમારી પાસેના તમામ સંશાધનોનો ઉપયોગ કોવિડના દર્દીઓ માટે કરવા સુવિધા ઉભી કરવાનું આશ્વાસન આપીએ છીએ. અમે અમારા મંદિરમાં વેક્સિનના પ્રમાણપત્ર વગર પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
પૂજય બ્રહ્મવિહારી સ્વામી :
આજે સરકારની સાથે સમાજના તમામ વર્ગો કોરોનાના દર્દીઓને મદદરૂપ થઇ રહ્યાં છે. આ સમયે આપણે પુરૂષાર્થ કરવાનું ભૂલી ન જવો જોઇએ. રાજ્ય સરકારનું તંત્ર પોતાની રીતે કાર્ય કરી રહ્યું છે ત્યારે નાગરિકોએ પણ સજાગ રહેવાની જરૂર છે. આ સમયે સામ-સામે આક્ષેપબાજી કરવાથી દૂર રહેવું જોઇએ.
પૂજય વ્રજરાજકુમારજી :
આ સમયમાં રાજ્ય સરકાર અને વહીવટી તંત્રને સહકાર આપવો આપણી નૈતિક ફરજ છે. કેટલાક લોકો નાગરિકોમાં કોરોનાને લઇ ખોટો ભય બતાવી રહ્યા છે, તે પ્રવૃત્તિ બંધ થવી જોઇએ. નાગરિકોએ પણ આવી વાતોથી ન દોરવાવા અપીલ કરૂં છું.
પૂજય નમ્રમુનિ મહારાજ :
ગુજરાત સરકાર દ્વારા કોરોના મહામારીનો સામનો કરવા લેવાઇ રહેલાં પગલાંઓ સંતોષજનક છે. આ સમયમાં સમગ્ર સંત સમાજ રાજ્ય સરકારને તમામ પ્રકારનો સહકાર આપવા તૈયાર છે.
પૂજય નૌતમસ્વામી
આજની બેઠકમાં મારા સંતોએ જે માર્ગદર્શન આપ્યું છે તેમાં ખાસ કરીને રાજ્ય અને દેશની સરકારોએ સુસાશન અને સુનિયોજિત પગલાંઓ દ્વારા જે કાર્ય થયું છે તેમાં મારો પણ સૂર પુરાવું છું. આ કપરી પરિસ્થિતિમાં માનવજાતને બચાવવા વિવિધ ધર્મ-સંપ્રદાયના ધાર્મિક પ્રતિનિધિઓએ જે સમર્થન આપ્યું છે અને સમાજજીવનને બચાવવા માટેની હાકલ કરી છે, તેને હું પણ સમર્થન આપું છું. અમારી સંસ્થામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવા પણ અમે તૈયાર છીએ.
પૂજય દિલીપદાસજી મહારાજ :
ગુજરાત રાજ્યના નાગરિકોના હિતમાં અન્ય સંતોએ આપેલા સૂચનો સાથે હું સહમત છું અને અમારી સંસ્થામાં પણ કોવિડ કેર સેન્ટર શરૂ કરવા અમે તૈયાર છીએ.
શ્રી મૌલાના લુકમાન તારાપુરી
કોરોનાની મહામારીને નાથવા માટે ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ જે રીતે દોડી રહ્યા છે, ઝઝૂમી રહ્યા છે, તે માટે હું તેમને મુખારકબાદી અને અભિનંદન પાઠવું છું. કોરોના બુલેટ ગતિએ વધી રહ્યો છે તેવા સમયે સરકારે જે પગલાંઓ લીધા છે તે ”કાબિલે-દાદ” છે, તેનાથી જરૂર ફાયદો થશે. થોડા સમય પહેલા અમે તમામ મસ્જિદોના ઇમામોને જમા કરીને, ડોક્ટર્સ-કાઉન્સિલર્સની સાથે ભેગા મળીને લોકોમાં જેટલી આવી શકે તેટલી જાગૃતિ ફેલાવવાનું કાર્ય મસ્જિદના માધ્યમથી કરી રહયા છીએ. લોકોમાં જે ડરનું વાતાવરણ ફેલાયું છે તેને દૂર કરવાનો અમે પ્રયાસ કરીશું.
અમે સરકારી સેવા-પદ્ધતિનું પાલન કરવા સતત પ્રયત્નશીલ છીએ. હાલ રમઝાનનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે ત્યારે પૂરી ઇન્સાનિયતને ખુદા બચાવે તેવી અમે દુઆ કરીએ છીએ. અમને સરકારના પ્રયાસોથી સંતોષ છે. સરકાર કોરોના સામેની લડાઈ માટે અમારી પાસેથી જે કુરબાની ચાહે તે આપવા અમે તૈયાર છીએ, કોઈપણ સહયોગ આપવા તૈયાર છીએ. આ કાળમાં લોકોને ખુદા ”શિફા” આપે અને તેમની ”હિફાઝત” કરે તેવી ગુજરાતના તમામ ઇમામ સમાજની શુભકામનાઓ છે.
શ્રી શેરનાથ બાપુ
છેલ્લા એક વર્ષથી સમગ્ર વિશ્વ અને દેશ કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને રાજ્ય વહીવટીતંત્રએ આ મહામારીને રોકવા અને લોકોના હિતાર્થે અથાગ પ્રયાસ યુદ્ધના ધોરણે, દિવસ-રાત જોયા વગર કર્યા છે, તે અભિનંદનને પાત્ર છે. માનવસમુદાય તરીકે, ઈશ્વરના બાળક તરીકે અમે સૌ પણ સરકારના તમામ પ્રયાસોમાં સહભાગી અને સહયોગી થઈશું તથા લોકોની સુખાકારી માટે સતત પ્રાર્થના કરીશું. આ કપરી સ્થિતિમાં ડોક્ટરો, આરોગ્ય કર્મચારીઓ, પોલીસ સહિતના તમામ ફ્રન્ટ લાઈન વર્કરોએ ”એંજલ”ની ભૂમિકા નિભાવી છે, તેમની સુખાકારી માટે પણ અમે સતત પ્રાર્થના કરીશું.
પૂજય દ્વારકેશલાલજી
ગુજરાતની આ પરિસ્થિતિ વિકટ હોવા છતાં ખુબ જ સંતુલિત અને સુસાશિત રૂપે લોકોને આરોગ્ય સેવાઓ પ્રદાન કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા વ્યૂહાત્મક રીતે કામગીરી કરવામાં આવી રહી છે. ઓક્સીજન, રેમડેસીવર, બેડસ, ફૂડ પેકેટ્સ વગેરેની ઊપલબ્ધતાની જ્યાં વાત આવે છે ત્યાં ધાર્મિક સંસ્થાનો-ગેસ્ટ હાઉસમાં જરૂરી બેડસ ઉભા કરીને કે સેન્ટર્સ ઉભા કરવાની બાબત સાથે હું અન્ય ધાર્મિક સંગઠનોના નેતા સાથે જરૂરી સહયોગ આપવામાં મારો સુર પુરાવું છું. આ માટે સરકારની ગાઇડલાઇન્સ અનુસાર કાર્ય કરવા સમર્થન-સહયોગ આપવા હું અનુમોદન આપું છું. આ સંકટના સમયમાં સૌએ સાથે મળીને કામ કરીએ.
શ્રી શંભુપ્રસાદ ટુંડીયા
સમાજને સંતોની અપીલ છે કે લોકો આ સમયમાં સંપૂર્ણપણે સરકારના માર્ગદર્શન અનુસાર સામાજિક અંતરનું પાલન કરે, માસ્ક ઉપયોગ કરી, વેક્સીન લઇ, પરિવારના સભ્યો બિનજરૂરી બહાર ન નીકળે. લોકો સામે કોરોનાનું જોખમ ઉભું થયું છે ત્યારે અમારા સંતોના મત પ્રમાણે મનુષ્ય જીવન અદભુત, અલૌકિક અને અનમોલ હોઈ, આ કપરા સમયમાં આપણે સૌ સાથે રહીને આ આધિ-વ્યાધિ અને ઉપાધિને પહોંચી વાળવા સરકાર સાથે ખભે-ખભા મિલાવીને કામગીરી કરીએ. આ માટે સૌ સંતોનો સહિયારો પ્રયાસ સાથે છે.
ફાધર રાઇટરેવ સિલ્વન્ક :
આ કોરોના મહામારીનો સામનો કરવા રાજ્ય સરકારનું સમગ્ર વહીવટી તંત્ર ટીમવર્ક સાથે કામ કરી રહ્યું છે. આ સમયે નાગરિકોને દવા-ઉપચારની સાથે માનસિક મનોબળ વધારવાની પણ જરૂર છે. આ સંકટ સમયે અમે સૌ રાજ્ય સરકારના પ્રયત્નો સાથે ખભે-ખભા મિલાવી ચાલવા તૈયાર છીએ.
શ્રી ત્યાગવલ્લભ સ્વામી
કોરોનાની આ કપરી મહામારીમાં આપણે ત્યાં રેમડેસીવર ઇન્જેક્શન, ઓક્સિજનનો અભાવ અને અન્ય કેટલીક જરૂરી બાબતો અંગે લોકોમાં સાચી માહિતી અને લોકજાગૃતિનો અભાવ જોવા મળતો હોય તેવું લાગે છે. ભારતીય આયુર્વેદ શાસ્ત્રમાં એટલે કે ”આયુષ”માં ઘરગથ્થુ ઉપાયો દ્વારા ઘરમેળે જ સ્વસ્થ રહી શકાય તેવી વ્યવસ્થા છે. આ તબક્કે ઘરગથ્થુ ઉપચારોનો શાળા-કોલેજ સ્તરે સાધુ-સંત સમાજે પ્રચાર-પ્રસાર કરવો જરૂરી છે. આ માટે આયુર્વેદ નિષ્ણાતોનો ઉપયોગ કરી આયુષનો શ્રેષ્ઠતમ પ્રયોગ કરવા માટે જરૂરી સહયોગ આપવાની જરૂર છે. કોવિડના લીધે લોકોમાં ભયનું વાતાવરણ વધુ છે ત્યારે મનોચિકિત્સકોએ આ ભયનું વિશ્લેષણ કરીને તેનાથી બચવા માટેના પ્રયાસો કરવા જોઈએ.
હાલની સ્થિતિમાં સંસ્થાકીય દૃષ્ટિએ મદદરૂપ થવા માટે ધાર્મિક સંસ્થાનો અથવા કેમ્પસને કોવિડ હોસ્પિટલોમાં તબદીલ કરવા માટે પણ જરૂરી યોગદાન આપવા માટે અમે તૈયાર છીએ. મૂળે, સૌએ સાથે મળીને, ભેગા થઈને ”માનવધર્મ” અને ”સેવાધર્મ ” નિભાવવા આગળ આવવાની જરૂર છે, જો આમ કરીશું તો ઈશ્વર પણ આપણી મદદ કરશે. – ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રસારિત પ્રેસનોટ મારફત.