ગુજરાત આમ આદમી પાર્ટી માં આજે પાટીદાર અનામત આંદોલનકારી નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા જોડાઈ જતા ગુજરાત ભાજપમાં ભય ઊભો થયો છે. હાલમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને ચાહકો અલ્પેશ કથીરિયા ના આમ આદમી પાર્ટીમાં જોડાવાના કારણે ખુશ છે. પરંતુ આમ આદમી પાર્ટી અને પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતાઓના આપ સાથેના જોડાણ પાછળ કોનો હાથ છે તે હજી કોઈ જાણી શક્યું નથી. ત્યારે ત્રિશુલ ન્યુઝ પાસે કેટલીક મહત્વની જાણકારી સામે આવી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ખોડલધામના ચેરમેન નરેશ પટેલની મુલાકાત બાદ અલ્પેશ કથીરિયા અને સુરતના પાટીદાર નેતાઓ ભાજપ તરફ જશે તેવી માન્યતા સેવાઈ રહી હતી. પરંતુ ભુપેન્દ્ર પટેલ સરકારની છેલ્લી કેબિનેટમાં પાટીદાર અનામત આંદોલનકારીઓ વિરુધ્ધના કેસ પાછા ખેંચવા બાબતે કોઈ નિર્ણય લેવામાં ન આવતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ ભાજપમાં ન જોડાવાનો નિર્ણય કરી લીધો હતો.
ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રભારી સંદીપ પાઠક ની ટીમ દ્વારા સુરત સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં સર્વે કરાવ્યો હતો. જેમાં પાર્ટીના કાર્યકરો અને નેતાઓએ જ આમ આદમી પાર્ટીના મોવડી નેતા ગોપાલ ઇટાલીયા અને મનોજ સોરઠીયા ની આપખુદ શાહી ચાલી રહી છે તેવી રજૂઆત કરી હતી. આટલું જ નહીં ઉમેદવારોની યાદી જાહેર થવા સાથે આ બંને નેતાઓ પર ટિકિટ નો વેપલો થવાના આરોપ પણ લગાવવામાં આવ્યા હતા.
પ્રભારી સંદીપ પાઠકની સર્વે ટીમ દ્વારા સુરતમાં 27 બેઠકો જીતવાનું મૂળ કારણ અને સભામાં આવતી ભીડ વચ્ચે પહોંચીને સુરતમાં લોક નેતા કોણ છે તે બાબતે સર્વે કરાવ્યો હતો. આ સર્વેમાં આમ આદમી પાર્ટી ને સુરતમાં 16 લાખ મત મળ્યા હતા તે કોના હિસાબે મળ્યા હતા તે સર્વેમાં ચોકાવનારો ખુલાસો થયો હતો. આ મતો મળવા પાછળ પાટીદાર અનામત આંદોલન સમિતિ ના નેતા અલ્પેશ કથીરિયાનું નામ સામે આવતા સંદીપ પાઠકે ગુજરાતના નેતાઓ સાથે વાતચીત કર્યા વગર સીધું કેજરીવાલ સાથે લાયઝનિંગ કરીને અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા ને સુરત ખાતે મળીને આમ આદમી પાર્ટીમાં જોઈન થવાનું આમંત્રણ પાઠવ્યું હતું.
આમ ગુજરાતના નેતાઓ ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠીયાને કાબુમાં કરવા માટે સંદીપ પાઠકે સમગ્ર ખેલ પાર પાડ્યો હોવાની માહિતી સામે આવતા આમ આદમી પાર્ટીના પાયાના કાર્યકરો અને સમર્થકો હાશકારો અનુભવી રહ્યા છે. સંદીપ પાઠકે અલ્પેશ કથીરિયા ની એન્ટ્રી કરાવીને એક કાંકરે બે પક્ષી ને પાર પાડી દીધા છે.
સંદીપ પાઠક પ્રભારી પદે આવ્યા બાદ એસી કેબીનમાં બેસીને વહીવટ કરવા કરતાં સભાઓ કે રેલીમાં સામાન્ય લોકો વચ્ચે જઈને માહિતી મેળવતા આવ્યા છે. જેને લઈને ગુજરાત આમ આદમી પાર્ટીમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતાઓ સહિત કોળી સમાજના નેતાઓને પણ સામેલ કરવામાં સંદીપ પાઠક ને સફળતા મળી છે.