રાજયભરમાં AAP એ મોંઘવારી મુદ્દે નોંધાવ્યો વિરોધ: ક્યાંક મોંઘવારીની ઠાઠડી તો ક્યાંક ભાજપ “હાય-હાય” ના લાગ્યા નારા

ગુજરાત(GUJARAT): રાજ્યમાં યોજાનારી અગામી વિધાનસભાની ચુંટણીને ધ્યાનમાં લઈને ભાજપ અને કોંગ્રેસને ટક્કર આપવા માટે આપ સક્રિય થઇ ગયું છે. આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી તૈયારીઓ કરી અને વિશાળ સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં આમ આદમી પાર્ટીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં વિશાળ સંગઠનને શપથ લેવરાવ્યા બાદ આજે રાજ્યભરમાં મોંઘવારીને લઈ આમ આદમી પાર્ટી મહિલા વિંગ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજ્યો હતો.

સતત વધી રહેલી કમર તોડ મોંઘવારીના મુદ્દે આમ આદમી પાર્ટી ના મહિલા વિંગ દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન આમ આદમી પાર્ટીના મહિલા કાર્યકર્તાઓની ગુજરાત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી. મોંઘવારીના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદ ખાતે આક્રોશ પ્રદર્શન કરતાં ભાજપના ઇશારે પોલીસ દ્વારા ‘આપ’ના નેતા અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.

આપ દ્વારા ભાજપને ઘેરવા માટેના તમામ મોરચા ઉપર સક્રિય રીતે કાર્યક્રમ આપવામાં આવી રહ્યા છે. આજે આમ આદમી પાર્ટીના મહિલા મોરચા દ્વારા મોંઘવારીને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સુરત ઈન્કમટેક્સ ઓફિસથી વનિતા વિશ્રામ સુધી આપના કોર્પોરેટર અને મહિલા કાર્યકર્તાઓ દ્વારા મોંઘવારીની ઠાઠડી કાઢવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

અમદાવાદમાં આશ્રમ રોડ પર વલ્લભ સદન પાસે આમ આદમી પાર્ટીના મહિલા વિંગ દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વિરોધ પ્રદર્શનમાં મહિલાઓની સાથે અમદાવાદ શહેર પ્રમુખ જે.જે. મેવાડા સહિતના અન્ય કાર્યકર્તાઓ અને હોદ્દેદારો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આમ આદમી પાર્ટી મહિલા પ્રદેશ પ્રમુખ ગૌરી દેસાઈ સહિતના બેથી ત્રણ હોદ્દેદાર અને બાકીની મહિલા કાર્યકરતાઓ હાજર રહ્યા હતા.

વડોદરા શહેર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા રાંધણ ગેસના ભાવમાં થયેલા અસહ્ય ભાવ વધારાના વિરોધમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું જેમાં શિક્ષણ સેલ પ્રદેશ ઉપાધ્યક્ષ વિરેનભાઈ રામી, શહેર પ્રમુખ પ્રતિમા બહેન પટેલ, વડોદરા લોકસભા સેક્રેટરી હેમલ ભાઈ પાઢ તેમજ વિધાનસભા ના પ્રભારીશ્રીઓ, અન્ય પદાધિકારીઓ તેમજ કાર્યકર્તા બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આમ આદમી પાર્ટીની મહિલા કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ દ્વારા વરસતા વરસાદ વચ્ચે પણ રેલી યોજવામાં આવી હતી અને “ભાજપ હાય-હાય” ના નારા લગાવીને મોંઘવારીને કાબૂમાં લેવા માટે સુત્રોચ્ચારો કર્યાં હતા. મહિલા કાર્યકર્તાઓ દ્વારા સરકારના છાજીયા પણ લેવામાં આવ્યા હતા. મોંઘવારી વધતા ગૃહિણીઓના બજેટ ઉપર મોટી માર પડી રહી છે. મધ્યમ અને ગરીબ વર્ગના જીવવું દુષ્કર બની ગયા હોવાના નારા લગાવવામાં આવ્યા હતા.

આપ મહિલા મોરચાના પ્રમુખ નીતા પટેલે કહ્યું કે, “કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર માત્ર દાયકાઓ પાછળ પૈસા ખર્ચી રહી છે. ખરેખર જે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ માટે મોંઘવારીને અંકુશમાં કરવી જોઈએ તેને બદલે તેઓ મોટી મોટી વાતો કરીને વાહ-વાહી મેળવવામાં વ્યસ્ત છે. કોઈ નક્કર પગલાં નથી લઈ રહી કે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આર્થિક રીતે મોટી રાહત થઈ શકે. સતત રોજ-બરોજ જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યા છે. આવી ભ્રષ્ટ સરકારને શાસનમાં રહેવાનો કોઈ હક નથી.”

આમ આદમી પાર્ટીના મહિલા મોરચા દ્વારા આજે ભારતીય જનતા પાર્ટીના શાસકો અને તેમની સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સતત ગેસ સિલિન્ડરના વધતા ભાવો તેમજ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના જે રીતે ભાવ વધી રહ્યા છે. તેને જોતાં આમ આદમી પાર્ટી દ્વારા તેનો વિરોધ કરીને પ્રજાના પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.

આપએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, ભાજપ સરકારે ‘અચ્છે દિન’ના વાયદા કરીને જનતા પાસેથી મત લીધા હતા પરંતુ આજે ભાજપ સરકારની ખોટી આર્થિક નીતિઓ ને કારણે પ્રજાનું જીવન કફોડી બની ગયું છે. દેશમાં આજે મોંઘવારી તેની ટોચ પર છે. અને આ મોંઘવારી ઘટાડવા ને બદલે ભાજપ સરકાર દિન પ્રતિદિન વસ્તુઓના ભાવ વધારી ને લોકોનું જીવન મુશ્કેલ બનાવી રહી છે. ગઈકાલે ફરી એકવાર ગેસ સિલિન્ડરના ભાવમાં થયેલો વધારો દર્શાવે છે કે, ભાજપ સરકાર મોંઘવારીના મુદ્દે જનતાને કોઈ રાહત આપવાના મૂડમાં નથી.

સતત વધી રહેલી કમર તોડ મોંઘવારીના મુદ્દે આમ આદમી પાર્ટી ના મહિલા વિંગ દ્વારા અમદાવાદ, સુરત, ગાંધીનગર, રાજકોટ, વડોદરા, ભરૂચ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, પાટણ અને મહેસાણા સહિત સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આમ આદમી પાર્ટી એ સારું શિક્ષણ હોય કે, મફત વીજળી, આમ જનતાને રાહત આપતા, આમ જનતા ના દરેક અધિકાર માટે હંમેશા અવાજ ઉઠાવ્યો છે. અને આગળ પણ જ્યાં સુધી ગુજરાતમાં આમ જનતાને તેમના અધિકાર નહિ મળે ત્યાં સુધી ભ્રષ્ટ ભાજપ વિરુદ્ધ બદલાવ નો પડકાર ચાલુ રહેશે.

વિરોધ પ્રદર્શનની આગેવાની આમ આદમી પાર્ટીની મહિલા વિંગ ના પ્રમુખ ગૌરી દેસાઈએ કરી હતી. અને ભાજપ સરકાર વિરુદ્ધ નારેબાજી કરી હતી. આ વખતે પણ તાનાશાહ ભાજપ સરકારે શાંતિપૂર્ણ વિરોધને કચડી નાખવા માટે પોલીસનો ઉપયોગ કર્યો. જેમાં આમ આદમી પાર્ટીની મહિલા કાર્યકરોની પોલીસ દ્વારા ક્રૂરતાપૂર્વક અટકાયત કરવામાં આવી. આમ આદમી પાર્ટીની મહિલા કાર્યકરો એ છતાંય વિરોધ પ્રદર્શન કરવા સંઘર્ષ ચાલુ રાખ્યો.

આમ આદમી પાર્ટીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે,  ફરી એકવાર ગેસ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે હવે લોકોને 1053 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળી રહ્યો છે. એક વર્ષમાં ગેસ સિલિન્ડરના ભાવમાં 8 વખત વધારો થયો છે. 1 વર્ષમાં સતત વધારો કરતા, સરકારે જનતા પર ₹244 નો બોજ નાખ્યો છે. મે, 2022 થી અત્યાર સુધીમાં ત્રણ વખત અને આ વર્ષે કુલ ચાર વખત ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ રોજિંદા ઉપયોગની વસ્તુઓના ભાવમાં 12% થી 101% નો વધારો જોવા મળ્યો છે. ગરીબ વિરોધી ભાજપે લોટ, કઠોળ, દહીં અને પનીર જેવી મહત્વની વસ્તુ ઓ પર 5% GST લાદીને તમામ હદો વટાવી દીધી છે.

આજે દૂધ, શાકભાજી, ગેસ સીલેન્ડર અને પેટ્રોલના સતત વધી રહેલા ભાવને કારણે ગૃહિણીઓ પરેશાન થઈ રહી છે. મધ્યમવર્ગીય પરિવાર ની હાલત કફોડી બની છે. ખાદ્ય તેલનો ફુગાવો વાર્ષિક ધોરણે 16.44 ટકા રહ્યો છે. સાથે જ શાકભાજી, દૂધ અને કઠોળના ભાવમાં પણ વધારો થયો છે. તો ગૃહિણીઓ ઘર કેવી રીતે ચલાવે છે? આજે સમગ્ર દેશમાં મોંઘવારી થી મહિલાઓ સૌથી વધુ પરેશાન છે. કારણ કે આપણા દેશમાં ઘર ચલાવવાની જવાબદારી મોટાભાગે મહિલાઓ ના ખભા પર હોય છે.

મોંઘવારી એક એવી બીમારી છે જેની દવા જો સમય રહેતાના કરવામાં આવે તો લોકો નું જીવન મુશ્કેલી ભર્યું બની જાય છે. મોંઘવારી નો ઉકેલ લાવવો એ લોકોની જરૂરિયાત જ નહિ પણ સરકાર ની જવાબદારી છે. જનતા માટે કરેલા વાયદાઓ પૂરા કરવાની ફરજ છે. જનતાની સેવા કરવાનો અવસર છે. આમ જનતાને રાહત ભર્યું જીવન આપવું એ સરકારનું કર્તવ્ય છે. પણ ભાજપ સરકાર આ બધા પગલે નિષ્ફળ જ રહી છે.

વધુમાં આપે કહ્યું કે, ગેસ નો જૂનો ભાવ પહેલા 350 રૂપિયા હતો જે ભ્રષ્ટ ભાજપ ના રાજ માં વધીને 1060 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં સરકારી શાળા થી નિરાશ લોકો સારા શિક્ષણ માટે ખાનગી શાળા નો સહારો લે છે પણ ત્યાં દરેક વાલીઓ ને શિક્ષણ ફીસ ના નામે લૂંટી લેવામાં આવે છે. આ અવસ્થા માં લોકો પોતાનું ગુજરાન ચલાવે કે બાળકોને ભણાવે. ભાજપ સરકારની મોંઘવારી આમ જનતા નું જીવન તો મુશ્કેલીમાં નાખી જ રહી છે પરંતુ દેશ ના ભવિષ્ય સાથે પણ રમત રમી રહી છે.

આમ આદમી પાર્ટીની માંગ છે કે, ભાજપ સરકાર મોંઘવારી ઘટાડવા માટે વહેલી તકે કડક પગલાં લે અને આર્થિક સંકટમાંથી બહાર આવવામાં જનતા ની મદદ કરે. નહીંતર આગામી સમયમાં આમ આદમી પાર્ટી દ્વારા બંધારણીય અધિકારોનો ઉપયોગ કરીને મોટા આંદોલનો કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *