4 વર્ષની મહેનત બાદ તૈયાર થયું Aditya L-1, અમદાવાદમાં થયું છે સેટેલાઈટના મેઈન પેલોડનું 70% કામ, ISRO ના ડાયરેક્ટરે શેર કરી માહિતી

Published on Trishul News at 12:23 PM, Fri, 1 September 2023

Last modified on September 1st, 2023 at 12:27 PM

Mission Aditya L-1: ભારતનું પહેલું સૂર્ય મિશન આદિત્ય L1ના લોન્ચિંગને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. આવતી કાલે એટલે કે, 2 સપ્ટેમ્બરે શ્રીહરિકોટાથી આદિત્ય L1નું(Mission Aditya L-1) લોન્ચિંગ કરાશે. આ માટે ISRO દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે આદિત્ય L1 બનાવતા કેટલો સમય લાગ્યો?, શા માટે અવકાશમાંથી સૂર્યનો અભ્યાસ કરાશે? અને ગુજરાતમાં આદિત્ય L1ના કયાં-કયાં પાર્ટ્સ બન્યા છે? ત્યારે અમદાવાદ સ્થિત સ્પેસ એપ્લિકેશન સેન્ટર, ISROના ડાયરેક્ટર નિલેશ એમ. દેસાઈએ સમગ્ર માહિતી અંગે વિસ્તૃતમાં માહિતી આપી છે.

”સેટેલાઇટ સૂર્યના L1 પોઈન્ટ સુધી પહોંચવામાં 4 મહિના જેટલો સમય લેશે”
SAC-ISRO અમદાવાદના ડાયરેક્ટર નિલેશ એમ. દેસાઈએ જણાવ્યું કે, ”આદિત્ય L1 ભારતનું પ્રથમ ઓબસેરવટોરી-ક્લાસ સ્પેસ બેઝ્ડ સૌર મિશન છે. આ પહેલાં અમે ભાસ્કર નામનું સેટેલાઇટ લોન્ચ કરી ચૂક્યા છીએ એટલે આ વખતે આદિત્ય નામ પસંદ કર્યું છે. જે સૂર્યના 12 નામ પૈકી એક નામ છે. આગામી 2 સપ્ટેમ્બરે આદિત્ય L1 લોન્ચ કર્યા બાદ તે સૂર્યના L1 પોઈન્ટ સુધી પહોંચવામાં ચાર મહિના જેટલો સમય લેશે એટલે કે 147 દિવસનો સમય લાગશે. આદિત્ય L1માં 590 કિલો પ્રોપલ્શન ફ્યૂલ અને 890 કિલો બીજી સિસ્ટમ છે આમ કુલ વજન 1480 કિલો છે. આ સૂર્ય મિશનમાં ડેટા અને ટેલીમેટ્રી જેવા કમાન્ડ માટે યુરોપિયન, અમેરિકન, સ્પેનિશ અને ઓસ્ટ્રેલિયાની સ્પેશ એજન્સીનો સપોર્ટ લીધો છે.”

”અમદાવાદના SAC-ISROમાં આદિત્ય L1ના મેઇન પેલોડ VELC બનાવાયું છે”
નિલેશ એમ. દેસાઈએ વધુમાં જણાવ્યું કે, ”આદિત્ય L1ની ડિઝાઈન ઇન્ડિયન બેંગલુરુ ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ કરવામાં આવી છે. અહીં SAC-ISRO અમદાવાદમાં સેટેલાઇટ આદિત્ય L1ના મેઇન પેલોડ VELC (વિઝિબલ એમિશન લાઇન ક્રોનોગ્રાફ)નું 70 ટકા કામ કરવામાં આવ્યું છે અને 30 ટકા કામ બેંગલુરુ ખાતે કરાયું છે. આ ઉપરાંત સેટેલાઇટના સ્ટ્ર્ક્ચરનું તમામ કામ ઇસરો દ્વારા કરાયું છે અને ઇલેક્ટ્રોનિક્સ પાર્ટ્સ બહારથી લેવામાં આવ્યા છે. આમ આદિત્ય L1માં કુલ 70 ડેડિકેટેડ સાયન્ટિસ્ટ સહિત નાના-મોટા 1 હજાર લોકોનું યોગદાન છે.”

”આદિત્ય L1 સન સાઇકલની સ્ટડી કરશે”
નિલેશ એમ. દેસાઈએ વધુમાં જણાવ્યું કે, ”સેટેલાઇટ આદિત્ય L1 હેલો ઓરબિટમાં સ્થાપિત થયા બાદ પાંચ વર્ષ સુધી કાર્યરત રહેશે. તેના દ્વારા સન સાઈકલની સ્ટડી કરવામાં આવશે. આ સન સાઈકલની સાઇકલ 11 વર્ષ હોય છે. હવે આ સન સાઈકલ 2025થી 2028 વચ્ચે વધુ સક્રિય હશે. ત્યારે આપણું સેટેલાઇટ આદિત્ય L1 ત્યાં કાર્યરત હશે. જેથી આપણે સન સાઈકલની સ્ટડી પરફેક્ટ રીતે કરી શકીશું. આ સિવાય સૂર્યની અંદરની દૃશ્યમાન સપાટીનું તાપમાન લગભગ 5,500 °C છે. જ્યારે સૂર્યના મધ્ય ભાગને ‘કોર’ તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં તાપમાન 15 મિલિયન ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે તેની પણ સ્ટડી કરવામાં આવશે.”

”20 સેકન્ડમાં ડેટા અને ફોટો પૃથ્વી પર મળશે”
વધુમાં નિલેશ એમ. દેસાઈએ વધુમાં જણાવ્યું કે, ”આદિત્ય L1 હેલો ઓર્બિટમાં સ્થાપિત થયા બાદ કોરોનલ હીટિંગ અને સોલાર વિન્ડ એક્સિલરેશન, કોરોનલ માસ ઇજેક્શન (CME), ફ્લેર (જ્વાળા) અને પૃથ્વીની નજીકના અવકાશ હવામાનની શરૂઆતને,સૌર વાતાવરણના જોડાણ અને ગતિશીલતા અને સૌર પવનનું વિતરણ અને તાપમાન એનિસોટ્રોપી સમજવા માટે ડેટા ભેગો કરશે. આ ઉપરાંત આદિત્ય L1માં SUIT (સોલર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ) રાખવામાં આવ્યું છે અને VELCનું શટર સેટેલાઇટ હોલો ઓર્બિટમાં સ્થાપિત થયા પછી ખોલવામાં આવશે અને તેનો ફોટો ઇવેન્ટ કેમેરા દ્વારા ક્લિક કરાશે. આમ 20 સેકન્ડમાં ડેટા અને ફોટો પૃથ્વી પર મળશે. ”

Be the first to comment on "4 વર્ષની મહેનત બાદ તૈયાર થયું Aditya L-1, અમદાવાદમાં થયું છે સેટેલાઈટના મેઈન પેલોડનું 70% કામ, ISRO ના ડાયરેક્ટરે શેર કરી માહિતી"

Leave a comment

Your email address will not be published.


*