સુરત પતંગોત્સવમાં આવેલા વિદેશીઓએ ગરબાની રમઝટ બોલાવી, રામની પ્રતિમાવાળા પતંગ બન્યા આકર્ષણનું કેન્દ્ર

International Kite Festival: સુરત શહેરના અડાજણ રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ( International Kite Festival ) યોજાયો હતો. જેમાં 12 દેશોના 37 અને ભારતના ત્રણ રાજ્યોના…

International Kite Festival: સુરત શહેરના અડાજણ રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ( International Kite Festival ) યોજાયો હતો. જેમાં 12 દેશોના 37 અને ભારતના ત્રણ રાજ્યોના 14 પતંગબાજો તેમજ સુરતના 39, નવસારી, ભરૂચના પતંગબાજો સહિત 97 પતંગબાજોએ અવનવા પતંગો ચગાવીને આકાશને રંગબેરંગી બનાવ્યું હતું. જેમાં ચિલીના બાહોશ પતંગબાજ મોરિશીઓ રોજસે પતંગબાજીના અવનવા કરતબો દેખાડ્યા હતા.પતંગોત્સવની સાથે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદેશીઓએ ગરબાના તાલે હીંચ લીધી હતી.

પ્રેક્ષકો થયા મંત્ર મુગ્ધ
97 પતંગબાજોએ અવનવા પતંગો ચગાવીને આકાશને રંગબેરંગી બનાવ્યું હતું. દેશ-વિદેશના પતંગબાજોએ ભાતીગળ પતંગો વડે કલા-કૌશલ્યથી ભરપૂર પતંગબાજી કરીને સુરતીઓને મોહી લીધા હતા. નિપુણ પતંગબાજોએ ટચુકડા, વિરાટકાય અને અવનવા રંગો-આકૃતિઓના પતંગો ઉડાડીને પ્રેક્ષક સમુદાયને રોમાંચિત કર્યા હતા.

નાના મોટા સૌ કોઈ પતંગ ઉત્સવમાં ખૂબ જ ઉત્સાહભેર જોડાયા
મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલે જણાવ્યું કે, વડાપ્રધાન જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલની ઉજવણી શરૂ કરવામાં આવી હતી જે આજે પણ યથાવત છે. આ પતંગ મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના 37, મહારાષ્ટ્ર, દિલ્હી અને કર્ણાટકના 14 તથા ગુજરાતના સુરતના 39, નવસારીના એક અને વડોદરાના 5 અને ભરૂચના એક મળી કુલ 97 પતંગબાજો ભાગ લીધો હતો. નાના મોટા સૌ કોઈ પતંગ ઉત્સવમાં ખૂબ જ ઉત્સાહભેર જોડાયા છે.

મેયરએ સુરતવાસીઓને મકરસંક્રાતિની શુભકામનાઓ પાઠવી
આ પ્રસંગે મેયર દક્ષેશ માવાણીએ ગુજરાતે પતંગોત્સવને ખરા અર્થમાં આંતરરાષ્ટ્રીય ઉત્સવ બનાવીને ભારતીય પ્રાચીન સંસ્કૃતિને પતંગોત્સવ દ્વારા જીવંત રાખી છે એમ જણાવી જીવનમાં હાર-જીત અને ખેલદિલીના ગુણોને વિકસાવતા પર્વમાં સહભાગી થવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા. રાંદેરના પતંગોની વિદેશોમાં માંગ રહે છે, જેથી રોજગારીનું પણ સર્જન થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર નવી-નવી ઉંચાઈઓ સર કરી રહ્યું છે એમ જણાવીને વિદેશી પતંગબાજોને આવકાર્યા હતા. આ પ્રસંગે મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલે પતંગ મહોત્સવની રૂપરેખા આપી સુરતવાસીઓને મકરસંક્રાતિની શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે ડે.મેયર નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલ, જિલ્લા કલેકટર આયુષ ઓક, શાસક પક્ષના નેતા શશી ત્રિપાઠી, સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ સોનલ દેસાઈ, ડ્રેનેજ કમિટીના અધ્યક્ષ કેયુર ચપટવાલા, ઉદ્યાન સમિતિના ગીતાબેન સોલંકી, પ્રાંત અધિકારી વિક્રમ ભંડારી, પ્રવાસન વિભાગના એક્ઝીક્યુટીવ તુલસીબેન હાંસોટી તથા કોર્પોરેટરો, મહાનગરપાલિકા-જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પતંગપ્રેમીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

લોકોએ હીંચ તેમજ ત્રણ તાળીના ગરબાની મોઝ માણી
આ ફેસ્ટિવલમાં લોકો પતંગ ઉડાવવાની સાથે સાથે જ સંગીતના તાલે ઝૂમ્યા હતા.અને જો સંગીતનું નામ આવે તેમાં પણ ગરબા ન હોઈ તો તેના વગર તો કોઈ પણ તહેવાર અધૂરો ગણાય છે.ત્યારે લોકોએ ડી.જે પર ગરબા વગાડીને હીંચ,ટીટોડો.ત્રણ તાળી વગેરે સ્ટેપ્સના ગરબા રમ્યા હતા.