બનાસકાંઠાથી લઈને સૌરાષ્ટ્ર-કચ્છને આજે ધમરોળશે વરસાદ: ક્યાંક હળવા ઝાપટા તો ક્યાંક તોફાની પવન સાથે વરસાદની આગાહી

Unseasonal Rain Forecast: રાજ્યમાં કમોસમી વરસાદની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગે પણ રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી…

Unseasonal Rain Forecast: રાજ્યમાં કમોસમી વરસાદની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગે પણ રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી મુજબ રાજ્યમાં આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી(Unseasonal Rain Forecast) છે. આ દરમિયાન ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. આ બાદ આવતીકાલે 16 એપ્રિલથી તાપમાન 40 ડિગ્રીને પાર થઈ શકે છે.

આજે કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી?
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અને સુરતમાં તથા સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં પવન ફૂંકાવા સાથે હળવો વરસાદ થવાની આગાહી છે. એક બાજુ કાળજાળ ગરમી અને બીજી તરફ વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડકથી લોકોને રાહત મળી રહી છે. તો બીજી તરફ માવઠાના કારણે ખેડૂતોના તૈયાર પાકને નુકસાની જવાની ભીતિ સેવાઈ રહી છે.

રવિવારે આ સ્થળોએ વરસાદ પડ્યો
ગઈકાલે જ રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ધૂળની આંધી સાથે ભારે પવન ફૂંકાયો હતો. તો ચાંદખેડા , એસજી હાઈવે, પકવાન સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ઉપરાંત મોરબી, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગીર સોમનાથ તથા અંબાજીમાં પણ વરસાદ પડ્યો હતો. કચ્છના અંજારમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડતા રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા હતા.

વંટોળ અને ભારે પવન સાથે વરસાદની આગાહી
કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન ફુંકાવાની શક્યતા છે. વંટોળ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, દેવભૂમિ, દ્વારકામાં વરસાદ પડવાની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, અને કચ્છમાં વરસાદ પડશે. આ તરફ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને મહેસાણામાં વરસાદ પડશે.જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને સુરતમાં પણ આગામી કલાકોમાં જ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં ગાજવીજ સાથે 40 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની પણ સંભાવના છે.

હાલ કાળઝાળ ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. પરંતુ મહત્તમ તાપમાન સામાન્ય કરતા 1થી 3 ડિગ્રી નીચું છે. જ્યારે લઘુતમ તાપમાન સામાન્ય કરતા 1થી 4 ડિગ્રી વધુ છે. જોકે, હવે બે દિવસ બાદ 2થી 3 ડિગ્રી તાપમાન વધશે અને ફરી કાળઝાળ ગરમીનો અહેસાસ શરુ થશે.