કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ તો કોંગ્રેસની બસના ક્લીનર જ રહ્યા, ડ્રાઈવર તો ભરતસિંહ જ રહેશે

Published on Trishul News at 4:57 PM, Fri, 8 December 2023

Last modified on December 8th, 2023 at 5:02 PM

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં (Gujarat Congress) ફરી એક વખત ઈ-ચાલ દેખાઈ રહી છે. લોકસભા 2024 ની ચૂંટણી નજીક છે, ત્યારે ઇન્ડીયન નેશનલ કોંગ્રેસે પોતાના ગુજરાત માં જમીન દોસ્ત થઈ ગયેલા માળખાને ઊભું કરવા અને ગુમાવેલો જનાધાર મેળવવા ફરી એક વખત નવી બોટલમાં જૂનું તેલ ભરી દીધું છે. જેના માટે કોંગ્રેસ પ્રચલિત છે તેવા ચાર ચોકડી માં ગોઠવાયેલા નેતા અને તેના રાજકીય શિષ્યો તમામ જવાબદારીઓ ફરીથી મેળવીને એકબીજાને મોઢું મીઠું કરાવી રહ્યા છે.

એ હકીકત છે કે કોંગ્રેસમાં છેલ્લા દસ વર્ષમાં એક પણ ચૂંટણી ન જીતી શકેલા ભરતસિંહ સોલંકી પ્રમુખ પદ હોય કે ન હોય પરંતુ ગુજરાત કોંગ્રેસ ને ચલાવતા નેતાઓ નું રીમોટ ભરતસિંહ સોલંકી પાસે જ રહે છે. આવું જ ફરી એક વખત થયું છે. શક્તિસિંહ ગોહિલ ભલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના (GPCC Gujarat Congress) પ્રમુખ હોય કે પછી અમિત ચાવડા વિરોધ પક્ષના નેતા હોય, પરંતુ ભરતસિંહ સોલંકી ચલાવી રહ્યા હોય અને પોતાના માણસોને જ તમામ જગ્યાએ કાયમની જેમ ફિક્સ કરતા હોય છે. તેનું પુનરાવર્તન થયું છે. માટે એ કહેવું અતિશયોક્તિ નથી કે ગુજરાત કોંગ્રેસ માટે બસ ડ્રાઇવર ભરતસિંહ સોલંકી છે અને શક્તિસિંહ ગોહિલ માત્ર કાચ સાફ કરતા ક્લીનર છે.

ગુજરાત કોંગ્રેસ માટે પ્રદેશ ઇલેક્શન કમિટી નક્કી કરવામાં આવી છે. જેમાં 40 નેતાઓ સાથે કોંગ્રેસના વિવિધ મોરચાના 4 નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે આ યાદીમાં ૬૦ ટકાથી વધુ એવા નેતાઓ છે, જે પોતે ચૂંટણી હારી રહ્યા છે અથવા પોતાની ક્ષમતા નથી કે કોંગ્રેસની મિટિંગમાં કે સભામાં પોતાના જોરથી 100 લોકોને પણ ભેગા કરી શકે. કોંગ્રેસના યુવા કાર્યકરો પોતાને તક મળતી નથી તેવું ધારીને જ પક્ષપલટો કરી રહ્યા છે, જ્યારે કેટલાક કામ કરવા ઈચ્છતા કોંગ્રેસી યુવા નેતાઓ પોતાને કે મુખ્ય પ્રવાહમાં તક નહીં મળે એવું વિચારીને પક્ષ પલટો કરી નાખે છે.

આટલું જ નહીં ગુજરાત કોંગ્રેસના 10 જિલ્લા પ્રમુખો પણ બદલવામાં આવ્યા છે અને નવા નામોની યાદી આપવામાં આવી છે ત્યારે હવે જોવું રહ્યું કે નવી બોટલમાં જૂનું તેલ ભરવાથી કોંગ્રેસ કશું ઉકાળી શકે છે કે નહીં. ભરતસિંહ જેવા નેતાઓને ચારિત્ર્ય અંગેના પ્રશ્નો ઉભા થયા છતાં કોંગ્રેસ ઘરે બેસાડી શકતી નથી એ જ ભરતસિંહ નું કોંગ્રેસમાં વજન દેખાડે છે. વધુ એક વાર ભરતસિંહનું આટલું કદ જોઇને લોકસભા પહેલા કોંગ્રેસના નેતાઓનો પક્ષપલટાનો ભરતી મેળો શરુ થાય તો નવાઈ નહી.

અમદાવાદ શહેર પ્રમુખ તરીકે હિંમતસિંહ પટેલની નિમણૂક કરાઈ. રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે લલિત વસોયાની નિમણૂક, અમરેલી જિલ્લા પ્રમુખ તરીકે પ્રતાપ દુધાત ની નિમણુક કરાઈ. જુનાગઢ શહેર પ્રમુખ તરીકે ભરત અમિપરા ની નિમણુક કરવામાં આવી. પંચમહાલ જિલ્લા પ્રમુખ તરીકે ચેતનસિંહ પરમારની નિમણૂક કરાઈ. ખેડા જિલ્લા પ્રમુખ તરીકે ચંદ્રશેખર ડાભીને નિમણૂક કરાઇ. આણંદ જિલ્લા પ્રમુખ તરીકે વિનુભાઈ સોલંકી ની નિમણૂક કરાઇ. વડોદરા જિલ્લા પ્રમુખ તરીકે જશપાલસિંહ પઢીયારની નિમણૂક કરાઈ. નર્મદા જિલ્લા પ્રમુખ તરીકે પ્રફુલ પટેલની નિમણુક કરવામાં આવી. ડાંગ જિલ્લા પ્રમુખ તરીકે મુકેશ પટેલની નિમણૂક કરવામાં આવી.

Be the first to comment on "કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ તો કોંગ્રેસની બસના ક્લીનર જ રહ્યા, ડ્રાઈવર તો ભરતસિંહ જ રહેશે"

Leave a comment

Your email address will not be published.


*