ગરમી સાથે માવઠા લઈને મોટી આગાહી: ગુજરાતમાં આવતીકાલે તાપમાન 40 ડિગ્રીને પાર; તો સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાતમાં પડશે વરસાદ

Gujarat Heat wave forecast: એપ્રિલ મહિનો આકરો નીવડવાનો છે, કેમ કે ભરગરમીના આ સમયગાળામાં હવામાન વિભાગ દ્વારા વરસાદની ચોંકાવનારી આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગે આગામી દિવસોને લઈને આગાહી કરી છે. જે અંતર્ગત આગામી ચાર દિવસ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેશે. તેમજ આ આગાહી(Gujarat Heat wave forecast) મુજબ તા.11 એપ્રિલ 2024થી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં ત્રણ દિવસ વરસાદની સંભાવના
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ત્રણ દિવસ હળવા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના અકળામણ અનુભવાય તેવી ગરમી રહેવાની સંભાવનાઓ પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જ્યારે રાજ્યના ઉત્તર અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠું થવાની સંભાવનાએ લોકોને ચોંકાવી દીધા છે.જેમાં તા. 11 એપ્રિલે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર અને દાહોદ જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે. તો 12 એપ્રિલે ભરૂચ, સુરત અને નવસારીમાં વરસાદની સંભાવના છે. સાથે જ 13 એપ્રિલે ભરૂચ, સુરત, નવસારી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં હળવો વરસાદ પડવાની વકી છે. રાજ્યમાં આગામી 4 દિવસ તાપમાન યથાવત રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડશે
હવામાન વિભાગના અનુસાર, આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી પડશે. રવિવારે 8 શહેરોમાં 37 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. જેમાં અમદાવાદ-અમરેલી 38.8 ડિગ્રી સાથે વધુ ગરમી નોંધાઈ હતી. તો રાજકોટમાં 38.7 ડિગ્રી, વડોદરામાં 38.6 ડિગ્રી, ગાંધીનગરમાં 38.5 ડિગ્રી, ડાંગમાં 38 ડિગ્રી અને સુરતમાં 37.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ અનુસાર 12 એપ્રિલ સુધી અમદાવાદનું તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેશે. સાથે જ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડશે.

મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને વટાવી જશે
15 એપ્રિલની આસપાસ મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને વટાવી જશે. વાસ્તવમાં, આ સમય સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં ઘટાડો થવા લાગે છે અને આકરી ગરમી શરૂ થઈ જાય છે. ઉત્તર-પશ્ચિમના પવનોએ છેલ્લા કેટલાક દિવસોથી લઘુત્તમ તાપમાનને નિયંત્રણમાં રાખ્યું છે, પરંતુ હવે તે સમાપ્ત થવાની ધારણા છે, પવન હવે શાંત રહેવાની અને ગરમ થવાની સંભાવના છે.