મોબાઈલની જેમ વીજળીના મીટરમાં પણ થશે પ્રીપેઈડ રિચાર્જ- સુરતના આ વિસ્તારમાં લાગી રહ્યાં છે સ્માર્ટ વીજમીટર

Smart Meters in Surat: સુરત શહેરમાં ડીજીવીસીએલે સ્માર્ટ વીજ મીટર બેસાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.જેમાં મોબાઈલમાં પ્રિપેઇડ રીચાર્જ કરવામાં આવે છે તેવી જ રીતે…

Smart Meters in Surat: સુરત શહેરમાં ડીજીવીસીએલે સ્માર્ટ વીજ મીટર બેસાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.જેમાં મોબાઈલમાં પ્રિપેઇડ રીચાર્જ કરવામાં આવે છે તેવી જ રીતે આ સ્માર્ટ વીજ મીટરમાં વીજળી જોઇએ તે પ્રમાણે રીચાર્જ કરવાનું રહેશે અને તેના આધારે વીજ વપરાશ કરવામાં આવશે. 8 એપ્રિલના રોજ સુરત શહેરના(Smart Meters in Surat) પીપલોદ ડિવીઝન દ્વારા રહેણાંક એપાર્ટમેન્ટ સુમન શેલમાં 800 મીટર લગાડવાની કામગીરી કરવામાં આવી છે.

પ્રિપેઈડ વીજમીટર લગાડવા માટે તજવીજ
દક્ષિણ ગુજરાત વીજકંપનીના 36 લાખ વીજ ગ્રાહકોને ત્યાં પ્રિપેઈડ વીજમીટર લગાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. મોબાઈલ ફોનમાં જે રીતે રીચાર્જ કરવામાં આવે છે તેવી જ રીતે વીજ વપરાશ માટે રિચાર્જ કરવાનું રહેશે. જેટલું રીચાર્જકરશો તે મુજબ વીજળીનો વપરાશ કરી શકશે. રીચાર્જપૂરું થતાં જ વીજળી ગુલ થઈ જશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે જે રીતે મોબાઈલધારકો રોજિંદા પોતાનો વપરાશ જોઈ શકે છે તેવી જ રીતે પ્રિપેઈડ મીટર લાગી ગયા બાદ મોબાઈલ એપ્લિકેશનના માધ્યમ વીજધારકો પોતાનો રોજિંદો વપરાશ મોનિટરિંગ કરી શકશે. રોજેરોજ કેટલો વપરાશ થયો તેમજ કેટલો વીજ વપરાશ બાકી છે તે જાણી શકશે.

વીજકંપની તબક્કાવાર ગ્રાહકોનો સંપર્ક કરી મીટરો બદલશે
8 એપ્રિલે પીપલોદના સુમન શેલના 800 ફ્લેટ માટે સ્માર્ટ મીટર ફીટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પહેલાં તબક્કામાં સુરત અર્બનના 2.41 લાખ, પીપલોદના 1.83 લાખ, રાંદેરના 3.40 લાખ, સુરત ઈન્ડસ્ટ્રીયલના 89 હજાર, સુરત રૂરલના 3.11 લાખ, વ્યારાના 1.61 લાખ અને કામરેજના 1.81 લાખ મીટર બદલવામાં આવશે. વીજકંપની તબક્કાવાર ગ્રાહકોનો સંપર્ક કરી મીટરો બદલશે.

ગ્રાહક દર 30 મિનીટનો વપરાશ ચેક કરી શકાશે
સ્માર્ટ પ્રીપેઈડ મીટર લાગ્યા બાદ બિલિંગની ઝંઝટ દૂર થશે. ગ્રાહકોએ ડીજીવીસીએલની એપ્લીકેશન મોબાઈલમાં ડાઉન કરવાની રહેશે. આ એપ્લીકેશનમાં દર 30 મિનીટનો વપરાશ ગ્રાહક ચેક કરી શકશે. એપ્લીકેશનમાં જ ગ્રાહક રિચાર્જ કરી શકશે. વિદેશમાં હોય તો પણ રિચાર્જ કરી શકશે. એનઆરઆઈને ખૂબ મોટો ફાયદો થશે. લઘુત્તમ 100 રૂપિયા રિચાર્જ કરવાના રહેશે. ફિક્સ્ડ ચાર્જ લઘુત્તમ લાગશે. વપરાશ એટલી ચૂકવણીનો લાભ ગ્રાહકને મળશે.

રજાઓના દિવસમાં વીજકાપ નહીં
આ પ્રોજેક્ટના હેડ કેદારીયાએ કહ્યું કે, પ્રારંભિક તબક્કામાં ગ્રાહકોની સગવડનું ધ્યાન રાખવામાં આવશે. બીજા અને ચોથા શનિ-રવિ તથા જાહેર રજાના દિવસોમાં બેલેન્સ ન હોય તો પણ વીજ પુરવઠો કાપવામાં આવશે નહીં. તે ઉપરાંત બેલેન્સ નહીં હોવાના સંજોગોમાં પણ 5 દિવસ સુધી વીજપુરવઠો ચાલુ રહેશે.