ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર- ચાર બેઠક સહિત દેશની 56 સીટો પર થશે મતદાન

Published on Trishul News at 5:26 PM, Mon, 29 January 2024

Last modified on January 29th, 2024 at 5:28 PM

Rajya Sabha Elections: લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીના બ્યૂગલ વાગી ચૂક્યા છે. રાજ્યસભાની(Rajya Sabha Elections) 4 બેઠક માટે 27 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. 8 ફેબ્રુઆરીએ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. જે માટે 15 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનું રહેશે. 27 ફેબ્રુઆરીએ 4 બેઠકો માટે મતદાન યોજાશે. આ ચારેય બેઠક પર ભાજપના ઉમેદવારોનો વિજય નક્કી જ છે.

ચૂંટણી પંચે જાહેર કર્યો કાર્યક્રમ
ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ 15 રાજ્યોની 56 બેઠકો માટે 8 ફેબ્રુઆરીએ રાજ્યસભા ચૂંટણીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે જ્યારે ઉમેદવારી પત્રોની ચકાસણી 16 ફેબ્રુઆરીએ કરવામાં આવશે. ઉમેદવારો 20 ફેબ્રુઆરી સુધી તેમના નામાંકન પાછા ખેંચી શકે છે. આ ચૂંટણીઓ માટે 27 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે, સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે, જ્યારે તે જ દિવસે સાંજે 5 વાગ્યાથી મતદાન શરૂ થશે.

ગુજરાતમાં ત્રણ સાંસદોની હાલની સ્થિતિ શું છે?
જે સાંસદોએ ત્રણ વર્ષની ટર્મ પૂરી કરી લીધી છે તેમાં સાંસદો એસ. જયશંકર, જુગલજી ઠાકોર, દિનેશચંદ્ર અનાવાડિયાની નિવૃત્તિ થઈ હતી અને ફરીથી ચૂંટણી થઈ હતી. જેમાં એસ. જયશંકર રિપિટ થયા છે જુગલજી ઠાકોર અને દિનેશ અનાવાડિયાની જગ્યાએ બાબુભાઈ દેસાઈ, કેસરીદેવસિંહ ઝાલા ચૂંટાયા હતા.

લોકસભાની ચૂંટણી પહેલા આ ચૂંટણી મહત્વની છે
ચૂંટણી પંચે રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત એવા સમયે કરી છે જ્યારે પક્ષો લોકસભા ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં રાજ્યસભાની ચૂંટણીને ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. આ 56 બેઠકો પર ચૂંટણી બાદ સંસદના ઉપલા ગૃહનું રાજકીય ચિત્ર બદલાઈ જશે.

કયા રાજ્યોમાં કેટલી બેઠકો?
15 રાજ્યોની 56 સીટો પર રાજ્યસભા ચૂંટણી થશે. જેમાં ગુજરાતની 4 સીટો સિવાય, ઉત્તર પ્રદેશની 10, બિહાર, મહારાષ્ટ્રની 6-6, પશ્ચિમ બંગાળ-મધ્ય પ્રદેશની 5-5, કર્ણાટકમાં 4 , ઓડિશા, તેલંગાણા, આંધ્ર પ્રદેશમાં 3-3, છત્તીસગઢ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની 1-1 સીટો પર ચૂંટણી યોજાશે.

ઉમેદવારની જીત સાથે રાજ્યસભામાં ભાજપનું સંખ્યાબળ 10 થઈ જશે
મહત્વનું છેકે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ખાતામાં 156 બેઠકો આવી હતી. જ્યારે કોંગ્રેસના ખાતામાં માત્ર 17 બેઠક આવી હતી. જોકે હાલમાં કોંગ્રેસના બે ધારાસભ્યોએ રાજીનામા આપી દેતાં વિધાનસભામાં સંખ્યાબળ માત્ર 15 જ રહ્યું છે. એટલે રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને ચારેય બેઠક જીતવામાં કોઈ મુશ્કેલી નહીં પડે. જોકે આ ચારેય બેઠક પર ભાજપના ઉમેદવારની જીત સાથે રાજ્યસભામાં ભાજપનું સંખ્યાબળ 10 થઈ જશે. જ્યારે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ તરીકે માત્ર શક્તિસિંહ ગોહિલ રહેશે.

ચૂંટણી માત્ર ઔપચારિક ચૂંટણી રહેવાની છે
રાજ્યસભાનું માળખું એ રીતે નક્કી કરાયુ છે કે, દર 2 વર્ષે 250માંથી 1/3 સાંસદોની ચુંટણી યોજાય. સાંસદોની મુદ્દત 6 વર્ષની હોય છે. આગામી સમયની વાત કરવામાં આવે તો આ વખતનું કોંગ્રેસનું સંખ્યાબળ ગત ટર્મ કરતા ઓછુ છે. એટલે સ્વાભાવિક રીતે આ વખતની રાજ્યસભાની ચૂંટણી માત્ર ઔપચારિક ચૂંટણી રહેવાની છે.

દેશમાં ક્યારે થઈ રાજ્યસભાની રચના?
દેશમાં રાજ્યસભાની રચના વર્ષ 1954માં 23 ઓગસ્ટના રોજ કરવામાં આવી હતી. રચનાનો હેતુ કાયમી ગૃહ રાખવાનો હતો. જે રીતે લોકસભાનું વિસર્જન કરી શકાય છે, તેવી જ રીતે રાજ્યસભાનું વિસર્જન થતું નથી કારણ કે તેને કાયમી ગૃહ માનવામાં આવે છે. રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ પણ ચૂંટાયેલા સાંસદ કરતાં એક વર્ષ વધુ એટલે કે છ વર્ષનો હોય છે. બંધારણના અનુચ્છેદ 80 મુજબ રાજ્ય સભામાં કુલ સભ્યોની સંખ્યા 250 હોઈ શકે છે. આ 250માંથી 238 સભ્યો કોઈપણ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ માંથી ચૂંટાયા છે. બાકીના 12 સભ્યો દેશની કોઈપણ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોઈ શકે છે. જેને રાષ્ટ્રપતિ નામાંકિત કરે છે.