હાર્ટ એટેક(Heart attack)એ એક એવી બીમારી છે જે આજકાલની વ્યસ્ત જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ ખોરાકની આદતોને કારણે ઝડપથી વધી રહી છે. સામાન્ય રીતે હ્રદયના રોગોને વૃદ્ધત્વની સમસ્યા માનવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં નાની ઉંમરના લોકો પણ આ ગંભીર રોગનો શિકાર બની રહ્યા છે. ગયા વર્ષે અભિનેતા સિદ્ધાર્થ શુક્લા, કન્નડ ફિલ્મોના લોકપ્રિય અભિનેતા પુનીત રાજકુમારનું પણ હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતું.
હાર્ટ એટેક શા માટે આવે છે?
હેલ્થ એક્સપર્ટના મતે હાર્ટ એટેક ત્યારે આવે છે જ્યારે હૃદયમાં લોહીનો પ્રવાહ અવરોધાય છે. આ પ્રકારનો અવરોધ સામાન્ય રીતે વાહિનીઓમાં ચરબી, કોલેસ્ટ્રોલ અને અન્ય પદાર્થોના સંચયને કારણે હોય છે. આપણે જાણ્યે-અજાણ્યે દરરોજ કેટલીક એવી વસ્તુઓ કરીએ છીએ, જેના કારણે હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે, બધા લોકો માટે આ વિશે જાણવું અને તેનાથી બચતા રહેવું ખુબ જ જરૂરી છે. આપણી આદતોમાં સુધારો કરીને આપણે હાર્ટ એટેકનું જોખમ અનેક ગણું ઘટાડી શકીએ છીએ. તો ચાલો નીચે તેમના વિશે આપણે થોડું જાણીએ.
હાર્ટ એટેકનું જોખમ વધારનાર આદતો:
1. વજન નિયંત્રણમાં ન રાખવું
આ ભાગદોડ ભરેલી જિંદગીમાં મોટાભાગના લોકો સ્થૂળતા અથવા વધારે વજનની સમસ્યાથી પરેશાન છે. આરોગ્ય નિષ્ણાતો તેને હાર્ટ એટેક માટે જોખમી પરિબળોમાંનું એક માને છે. તેમજ હેલ્થના નિષ્ણાંતોનું કહેવું છે કે, સ્થૂળતા હાઈ બ્લડ કોલેસ્ટ્રોલ, હાઈ ટ્રાઈગ્લિસેરાઈડ, હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનું જોખમ વધારે છે, આ બધાથી હાર્ટ એટેકનું જોખમ વધે છે. જેથી હાર્ટ એટેકનું જોખમ ઘટાડવા માટે તમારે સમયસર તમારું વજન ઓછું કરવું જોઈએ.
2. ધૂમ્રપાન અને તણાવ:
કેટલાક અભ્યાસો સૂચવે છે કે જે લોકો ધૂમ્રપાન કરે છે અને વધુ તણાવમાં હોય છે તેમને હાર્ટ એટેકનું જોખમ વધારે હોય છે. વાસ્તવમાં, ધૂમ્રપાનથી ધમનીઓમાં સમયાંતરે પ્લાક બને છે, જેનાથી ધમનીઓ સાંકડી થાય છે અને હૃદયમાં લોહીનો પ્રવાહ ઓછો થાય છે, જેનાથી હાર્ટ એટેકનું જોખમ વધે છે. તેથી વધુ સ્ટ્રેસ લેવાથી પણ બ્લડ પ્રેશરની સમસ્યા વધે છે, જે હૃદયના રોગોના મુખ્ય પરિબળ તરીકે જોવામાં આવે છે. જેના કારણે સ્વાસ્થ્ય નિષ્ણાતો તણાવ ન લેવાની અને ધૂમ્રપાનથી દૂર રહેવાની સલાહ આપે છે.
3. શારીરિક નિષ્ક્રિયતા:
આરોગ્ય નિષ્ણાતો કહે છે કે જો તમને આરામદાયક જીવન પસંદ છે, તો આ આદત હાર્ટ એટેકનું જોખમ વધારી શકે છે. એમાં કોઈ શંકા નથી કે શારીરિક નિષ્ક્રિયતા હૃદયના રોગોનું જોખમ અનેકગણું વધારી દે છે. કારણ કે જ્યારે શરીર નિષ્ક્રિય રહે છે, ત્યારે ફેટી પદાર્થો ધમનીઓમાં જમા થવા લાગે છે. જો તમારા હૃદય સુધી લોહી વહન કરતી ધમનીઓ ક્ષતિગ્રસ્ત અથવા બ્લોક થઈ ગઈ હોય, તો તે હાર્ટ એટેક તરફ દોરી શકે છે. જેના કારણે તમામ લોકોને દરરોજ કસરત કરવાની સલાહ આપવામાં આવે છે. યોગાસન અને નિયમિત વ્યાયામ કરવાથી હાર્ટ એટેક અને હ્રદયની બીમારીઓનું જોખમ ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.
હાર્ટ એટેકના લક્ષણો:
છાતીમાં દુ:ખાવો વધવો, પરસેવો આવવો, શ્વાસ લેવામાં તકલીફ, ઉલટી, ઉબકા, ચક્કર આવવા, અચાનક થાક, થોડીવાર માટે છાતીની મધ્યમાં તીવ્ર દુ:ખાવો, ભારેપણું અથવા સંકોચન, હૃદયથી ખભા, ગરદન, હાથ અને જડબામાં દુ:ખાવો થવો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.