વડોદરા(ગુજરાત): તાજેતરમાં વડોદરામાંથી એક ચકચાર મચાવતો બનાવ સામે આવ્યો છે. છેલ્લા ઘણા દિવસોમાં અનેક વાર સયાજી હોસ્પિટલ વિવાદમાં આવી છે ત્યારે ફરીવાર સયાજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં વધુ એક લાલિયાવાડી આવી સામે આવી છે. જેમાં પેરાલિસિસથી પીડિત કોરોનાગ્રસ્ત મહિલા દર્દીના મોઢા પર કીડીઓ ફરતી જોવા મળી હતી.
પત્નીના ચહેરા પર કીડીઓ ફરતી જોતાં પતિ ચોંકી ઊઠ્યો હતો. પતિએ વીડિયો ઉતારીને વાઇરલ કરતાં આ સમગ્ર મામલાનો ખુલાસો થયો હતો. સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. રંજન ઐયરે આ અંગે જણાવ્યું હતું કે, આ અંગે હજી સુધી મને કોઇ ફરિયાદ મળી નથી. જેવી ફરિયાદ મળશે એટલે તપાસ કરીશું.
વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ તંત્રની અમાનવીય બેદરકારી બહાર આવતાં દર્દીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. જાણવા મળ્યું છે કે, ભરૂચ જિલ્લાના જંબુસરનાં દર્દી ગીતાબેન પાડલીયા પેરાલિસિસની બીમારીથી પીડાય છે. જેથી તેમને કોરોનાની સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં.
અહી મહિલા દર્દીના મોઢા પર કીડીઓ ફરતી હોવા છતાં તબીબો કે નર્સિંગ સ્ટાફ દ્વારા કોઇ સંભાળ લેવામાં આવી નહોતી. આ દરમિયાન મહિલા દર્દીનો પતિ પ્રમોદભાઈ પાડલીયા જ્યારે વોર્ડમાં તેની ખબર પૂછવા ગયો ત્યારે તેના મોઢા પર કીડીઓ ફરતી જોઇને તે પણ ચોંકી ઊઠ્યો હતો અને તરત જ આ અંગે નર્સિંગ સ્ટાફને જાણ કરી હતી. ત્યારબાદ મહિલા દર્દીના મોઢા પરથી કીડીઓ હટાવવામાં આવી હતી.
મહિલાને પેરાલિસિસ હોવાથી માનવતા રાખવા વિનંતી કરી મહિલા દર્દીના મોઢા પર કીડીઓ ફરતી હોવાની ઘટના સામે આવતાં તેમના પતિ પ્રમોદભાઈ પાડલીયા દ્વારા નર્સિંગ સ્ટાફ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને મહિલાને પેરાલિસિસ હોવાથી માનવતા રાખવા માટે વિનંતી પણ કરવામાં આવી હતી.
મહિલા દર્દીના પતિ પ્રમોદભાઈ પાડલીયાએ જણાવ્યું હતું કે, દવાખાનામાં દર્દીનું ધ્યાન રાખવું પડે ને. આ તો મારું ધ્યાન ગયું એટલે કહું છું, દર્દીને દર્દ હોય તો કોઈને કહી શકે એમ પણ નથી. અહીં દવાનો છંટકાવ કરતા નથી. મારી પત્ની જીવશે તો મારી જિંદગી ચાલશે. મારો દીકરો પણ નાનો છે. કંઇ પ્રોબ્લમ હોય તો મને કહો અને માનવતા રાખો. તમે કહો એ હું ખાવાનું લઇ આવીશ, પણ દર બે કલાકે તેમને કંઇક ખવડાવો. દર્દીના પતિને સ્ટાફની મહિલા કહે છે, આ પ્રાઇવેટ હોસ્પિટલ નથી, થોડું એડજસ્ટ કરવું પડે, તમારે પણ ધ્યાન રાખવું પડે. તમે આવીને મોઢું લૂછી નાખજો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.