લાડકડી થીમ અંતર્ગત સવાણી પરિવાર આ વર્ષે 261 દીકરીઓને 23 ડિસેમ્બરના રોજ અબ્રામા ખાતે પ્રભુતામાં પગલાં પડાવશે. આ 261 દીકરીઓમાં છ મુસ્લિમ, ત્રણ ક્રિશ્ચિયન પરિવારની અને ચાર એચઆઈવી ગ્રસ્ત છે. આ દીકરીઓ પૈકી કટેલીય દીકરીઓ એવી છે કે, તેને માતા-પિતા કે ભાઈ પણ નથી. કોઈને પિતા અને ભાઈ નથી. કોઈને મા છે અને એકથી વધુ બહેનો છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ બટુકભાઈ મોવલીયા પરિવાર સવાણી પરિવારનો સાથ આપશે. આ લાડકડી સમૂહલગ્નોત્સવમાં ગુજરાતના સીએમ વિજય રૂપાણી સહિત આઈએએસ, આઈપીએસ સહિતના મહાનુભાવો દીકરીઓનું કન્યાદાન કરશે
સ્વયંસેવકોમાં અગાઉ લગ્ન થયા હોય તેવી દીકરીઓ
દીકરીઓને મહેંદી મુકાવવાથી માંડી જમવાથી માંડી તમામ જરૂરતો માટે લગ્ન સંપન્ન થાય ત્યાં સુધી કામગીરી હાથ ધરવામાં આવશે. દરેક દીકરીને બ્યુટીપાર્લરના પાસ અપાયા છે. તેમની સાથે દીકરીની બહેન અને ભાભીને મહેંદી મુકાવી અપાશે. આથી મહેંદી મુકાવનારા 783 અને બીજા પરિવારના મળી બે હજાર જેટલાં થશે. દરેક દીકરીની કંકોત્રી તેમના પરિવારના રિવાજ મુજબ બનાવી છે. એક કપલ દીઠ 10 ડાઈનિંગ ટેબલ લગાવાશે. દરેક દીકરી દીઠ પાંચ સ્વયંસેવક ખડેપગે રહેશે. આ સ્વયંસેવકોમાં અગાઉ લગ્ન થયા હોય તેવી દીકરીઓ રહેશે, જેથી લગ્ન કરનાર દીકરીને કોઈપણ પ્રકારનું માર્ગદર્શન જોઈતું હોય તો મળી રહે.
એક લાખ જેટલાં લોકો લગ્નમાં મહાલશે
ઉદ્યોગપતિ મહેશ સવાણી આ વર્ષે તેમણે દત્તક લીધેલી 261 દીકરીઓના લગ્નનો થીમ ભૂમિના ફોટા સાથે લીધો છે. 261 દીકરીઓના પરિવારમાં દીકરી દીઠ સો પાસ અપાશે. આથી દીકરી-દીકરાઓના પરિવારના 52,200 વ્યક્તિઓ, સવાણી પરિવારના 10,000 અને સ્વયંસેવક 2000 પરિવાર સાથે એક લાખ જેટલાં લોકો લગ્નમાં મહાલશે.
વિવાહના પાંચ ફેરાથી 2012માં શરૂઆત કરી
સુરતના પી.પી.સવાણી ગ્રુપ દ્વારા છેલ્લાં છ વર્ષથી નાતજાતના ભેદભાવ વગર પારકી દીકરીઓને પોતાની સમજી લગ્ન કરાવાય છે. વિવાહના પાંચ ફેરાથી સન 2012માં દીકરીઓના લગ્ન કરાવવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ સંબંધ ભવોભવના, લાગણીના વાવેતર, સંવેદના અને દીકરી દિલનો દીવો જેવા પ્રસંગો સાકાર કરાયા હતા. 2017માં પારેવડી થીમ અપાયું અને હવે લાડકડી અપાયું છે. ગયા વર્ષે 251 દીકરીઓના લગ્ન કરાવ્યા હતા.
– માતા – પિતા ભાઈ બહેન વગર 54 દીકરી
– પિતા ભાઈ નથી એવી 118 દીકરીઓ
– બાકીની દીકરીઓ 5 બહેનો અને ભાઈ નાનો હોય
– ગુજરાત, મહારાષ્ટ્ર રાજસ્થાન સહિત 45 જ્ઞાતિઓની દીકરીના લગ્ન
– દીકરી જમાઈના SBIમાં ખાતા ખોલાવી દીધા જેમાં સરકારના લાભ અપાશે
– 4 લાખનો મેડિકલ ઈન્સ્યુરન્સ અપાશે
– મેરેજ સર્ટી તમામ દીકરીઓને લગ્ન સાથે જ અપાશે
– લક્કી ડ્રો દ્વારા 10 કપલને સિંગાપોરની ટૂર, 50 કપલને હેલિકોપ્ટર રાઈડ્સ અને બાકીની દીકરીઓને ભારતની ટૂર કરાવાશે