9 કલાક બાદ મોતને મ્હાત આપી જીત્યો જિંદગીનો જંગ! જામનગરમાં બોરમાં પડેલા રાજનો બચાવ, જુઓ રેસ્ક્યૂનો વિડીયો

Published on Trishul News at 11:01 AM, Wed, 7 February 2024

Last modified on February 7th, 2024 at 11:05 AM

Rescue From Borewell in Jamnagar: થોડા દિવસ પહેલા જ દ્વારજિલ્લાના ખંભાળિયામાં એક બાળકીનું બોરવેલમાં પડી જવાના કારણે મોત નીપજ્યું હતું ત્યારે ત્યારે આજે વઘુ એક બાળકે બોરવેલમાં પડી ગઈ હોવાની ઘટના સામે આવી છે.ત્યારે મોતના મુખમાંથી બે વર્ષનો માસુમ બાળક પાછો આવ્યો છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત હાલાર પંથકમાં ખેતરોમાં ખુલ્લા બોરવેલમાં બાળકો ગરકાવ થવાની છેલ્લા છ મહિનામાં ગઈકાલે ત્રીજી ઘટના બની હતી, જ્યારે અગાઉ તમાચણ ગામ અને રાણ ગામે બંને માસુમ બાળકોના કલાકોના રેસ્ક્યુ(Rescue From Borewell in Jamnagar) ઓપરેશન બાદ પણ દુઃખદ મોત થયા હતા. જ્યારે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણામાં બનેલ ગઈકાલની ઘટનામાં વહીવટી તંત્રની મહેનત રંગ લાવી અને બે વર્ષના માસુમ બાળકને બોરવેલમાંથી બહાર કાઢી સફળ ઓપરેશન પાર પાડી નવી જિંદગી આપી છે.

બસ્સો ફૂટ ઉંડા બોરવેલમાં ખાબક્યો બાળક
ગોવાણા ગામે વાડી ખેતરમાં મજૂરી કામ કરતા મહારાષ્ટ્રીયન પરિવારનો બે વર્ષનો માસુમ બાળક રાજ રમતા રમતા ચણાના ખેતરમાં પહોંચ્યો હતો અને ચણા ભરેલા ખેતરમાં અચાનક જ બસ્સો ફૂટ ખુલ્લા ઊંડા બોરવેલમાં ખાબક્યો હતો. તેના માતા-પિતાને આ ઘટનાની જાણ થતાની સાથે જ બાળકના માતા પિતાએ ગામના આગેવાનો અને સરપંચને જાણ કરી અને તેમના દ્વારા વહીવટી તંત્રને જાણ કરવામાં આવતા જામનગર જિલ્લાના વહીવટી તંત્રનો તમામ કાફલો ઘટના સ્થળે રેસ્ક્યુ માટે પહોંચ્યો હતો.

9 કલાક ચાલ્યુ દિલધડક રેસ્કયૂ
જામનગર મહાનગરપાલિકાના ફાયર સ્ટેશન ઓફિસર રાકેશ ગોકાણી અને કામિલ મહેતાની ટીમ સૌપ્રથમ ઘટના સ્થળે પહોંચી બોરવેલમાં 10 ફૂટની ઊંડાઈએ ફસાયેલા બાળકના બંને હાથ દોરીથી બાંધી લઈ તેને એક જગ્યાએ સ્થિર કરવામાં આવ્યો. ત્યારબાદ રિલાયન્સ સહિતની ફાયરની અનેક ટીમો ઓપરેશનમાં જોડાઈ અને 108 ની મદદથી બોરવેલમાં રહેલ બાળકને સતત ઓક્સિજન પૂરો પાડી તેના જીવ બચાવવામાં આવ્યો. સાથે સાથે બોરવેલની બાજુમાં ત્રણ ફૂટના અંતરે એક ઊંડો ખાડો કરી અને નીચેથી ઊંડો ખાડો કરી અને આખરે નવ કલાકની જહેમત બાદ વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે બાળકનું સફળ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું.

તંત્રની મહેનતથી બાળક સુરક્ષીત આવ્યું બહાર
બોરવેલમાંથી બાળકને જીવિત કાઢ્યા બાદ 108 એમ્બ્યુલન્સમાં તેને જીજી હોસ્પિટલના પીડિયાટ્રીક તબીબોની ટીમ દ્વારા બાળકને તાત્કાલિક પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી. મહત્વનું છે કે વહીવટી તંત્ર તેમજ જિલ્લા પોલીસવડા, જિલ્લા કલેકટર અને આરોગ્ય વિભાગ તથા પોલીસ વિભાગ તમામ વિભાગોની મહેનત રંગ લાવી અને જામનગરમાં ઇતિહાસમાં કહી શકાય કે પ્રથમ વખત બોરવેલમાં ગરકાવ બાળકને આખરે નવ કલાક બાદ પણ સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તેનો જીવ બચાવવામાં આવ્યો.

દિલધડક રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું
જોકે અગાઉથી ઘટનામાં NDRF, SDRF, સેનાની ટીમો સહિતનો કાફલો રેસ્ક્યુમાં જોડાયો હતો, પરંતુ ગોવાણા ગામની ઘટનામાં માત્ર જામનગર મહાનગરપાલિકા ફાયર સ્ટેશન ઓફિસરોની ટીમ અને રિલાયન્સ ફાયર સહિતની સ્થાનિક ટીમોએ જ ખૂબ જ દિલધડક રેસ્ક્યુ હાથ ધરીને નવ કલાકના ટૂંકા સમયમાં જ બાળકનો જીવ બચાવ્યો જે ખૂબ જ કાબીલેદાદ કામગીરી છે.

અગાઉ ત્રણ વર્ષની બાળકી બોરવેલમાં પડી ગઈ હતી
હજુ એક મહિના અગાઉ જ રાજ્યના દ્વારકા સેક્ટરમાં ત્રણ વર્ષની બાળકી બોરવેલમાં પડી ગઈ હતી જેને આઠ કલાકની જહેમત બાદ બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી હતી. ત્યાર બાદ વધુ સારવાર અર્થે બાળકીને ખંભાળિયાની હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જો કે તેની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ તેનું મોત થઈ ગયું હતું.