વડોદરામાં પૂરગ્રસ્તોની વહારે દિવસ રાત દોડી રહેલા પોલીસ જવાનોના 39 જેટલા પરિવારો બેઘર બનતા પોલીસ કમિશ્નરે તેમના આશ્રય માટે તજવીજ હાથ ધરી છે.
પ્રતાપનગર પોલીસ હેડ કોટર લાંબા સમયથી જર્જરિત બનેલા છ એપાર્ટમેન્ટના 96 જેટલા પરિવારોને લાંબા સમયથી જોખમી મકાન ખાલી કરવા માટે સૂચના આપવામાં આવી હતી પરંતુ આ પરિવારોને વૈકલ્પિક વ્યવસ્થા નહીં મળતા તેઓ જોખમી મકાનમાં દિવસો પસાર કરતા હતા.
પોલીસ અધિકારીઓએ આ પરિવારોને બીજા મકાનના ભાડા તેમજ અન્ય મદદ કરવાની તૈયારી બતાવતા અડધા પરિવારોએ રહેવાની વ્યવસ્થા કરી લીધી હતી. જ્યારે, 45 જેટલા પરિવાર હજી ગમે ત્યારે ધસી પડે તેવા મકાનમાં રહેતા હતા.
વરસાદમાં કોઈ હોનારત ન બને તે માટે આ પરિવારોને તાકીદે ક્વાર્ટર ખાલી કરવા આદેશ અપાતા 45 માંથી 6 પરિવાર દ્વારા રહેઠાણની વ્યવસ્થા કરી લેવામાં આવી છે જ્યારે 39પરિવારની હજી કોઈ વ્યવસ્થા થઈ નથી. જેથી તેઓને પોલીસ કોમ્યુનિટી હોલ તેમજ જિલ્લા તાલીમ કેન્દ્રમાં આશ્રય આપવામાં આવ્યો છે.
પોલીસના કમિશ્નરે આ પરિવારોને આજે રાત સુધીમાં બીજા ક્વાર્ટર મળી જાય તે માટે તજવીજ હાથ ધરી છે. આમ પૂરગ્રસ્તોની મદદમા રોકાયેલા પોલીસ પરિવારોને બેઘર બનાવવાનો વખત આવ્યો છે.