SDB શરુ કરાવવામાં સિંહફાળો આપનાર ચેરમેન VS લખાણીનું રાજીનામું, હજુ 5 ટકા ઓફીસ શરુ નથી થઇ

Surat Diamond Bourse: દુનિયાભરમાં ખ્યાતિ પ્રાપ્ત કરનાર સુરત ડાયમંડ બુર્સ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. આ વખતે સંસ્થાના ચેરમેન એવા કિરણ જેમ્સના માલિક વલ્લભભાઇ એસ.…

Surat Diamond Bourse: દુનિયાભરમાં ખ્યાતિ પ્રાપ્ત કરનાર સુરત ડાયમંડ બુર્સ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. આ વખતે સંસ્થાના ચેરમેન એવા કિરણ જેમ્સના માલિક વલ્લભભાઇ એસ. પટેલે (લાખાણી) બુર્સના ચેરમેન પદેથી રાજીનામુ આપી દીધું હોવાની વિગતો સામે આવી છે. આ સાથે જ ફરી ડાયમંડ બુર્સના(Surat Diamond Bourse) ભાવી અંગે ચર્ચાઓ તેજ થઇ છે.ત્યારે આ સમાચાર વાયુવેગે પ્રસરતા આ સમગ્ર મામલો સુરત, મુંબઇ સહિત સમગ્ર વિશ્વના અમેરીકા, બેલિજ્યમ, દુબઈ જેવા દેશોના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે. દેશ વિદેશના હીરા ઉદ્યોગકારોમાં સુરત હીરા બુર્સને લઇને છેલ્લા 12 કલાકથી અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે.

વલ્લભ લાખાણી રાજીનામું આપશે
વિશ્વભર ની અંદર સૌથી મોટા બિઝનેસ હબ તરીકે નામના મેળવનાર ડાયમંડ બુર્સની છબી તો ખૂબ ઉજળી થઈ છે પરંતુ તેના વહીવટને લઈને ખૂબ જ કલહ સામે આવી રહ્યો છે. ડાયમંડ બુર્સના ચેરમેન તરીકે કિરણ જેમ્સના માલિક વલ્લભ લાખાણી હતા. એકાએક જ તેમણે ડાયમંડ બુર્સના ચેરમેન પદેથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું છે.ત્યારે હવે વલ્લભભાઇ પટેલના રાજીનામા પછી હવે શું? એ મુદ્દે ચર્ચા વિચારણા કરવા માટે આજે તા.21મી માર્ચ 2024ના રોજ સાંજે 6 કલાકે સુરત હીરા બુર્સની કોર કમિટી, મેનેજિંગ કમિટીની મિટીંગ યોજવામાં આવી છે.

ગોવિંદભાઇ ધોળકીયા અને લાલજીભાઇ પટેલ સુકાન સંભાળી શકે છે
રૂ.3700 કરોડના જંગી ખર્ચે તૈયાર થયેલા વિશ્વના સૌથી મોટા ઓફિસ બિલ્ડીંગ તરીકે ખ્યાતિપ્રાપ્ત સુરત હીરા બુર્સના પાયાના પથ્થર એવા ચેરમેન કિરણ જેમ્સના માલિક વલ્લભભાઇ એસ. લાખાણીએ બુર્સના ચેરમેન પદેથી રાજીનામુ આપી દીધું હોવાની વિગતો મોડી રાત્રે સાંપડી છે.સુરત હીરા બુર્સનું સુકાન હવે રાજ્યસભાના નવનિર્વાચીત સભ્ય અને એસ.આર.કે.ના ગોવિંદભાઇ ધોળકીયા અને લાલજીભાઇ પટેલ સંભાળશે એમ જાણવા મળે છે.

ડાયમંડ બુર્સના ભવિષ્યની રણનીતિ અંગે અનેક સવાલો
સુરતના હીરા ઉદ્યોગમાં સૌથી મહત્વનું સ્થાન એવા સુરત ડાયમંડ બુર્સના ચેરમેન પદેથી વલ્લભભાઇ પટેલે રાજીનામું આપતાં સુરત અને મુંબઇના હીરા ઉદ્યોગપતિઓમાં સોંપો પડી ગયો છે. જે સાથે જ ડાયમંડ બુર્સને આગળ વધારવાની કામગીરી ફરી એકવાર મુશ્કેલીમાં આવી શકે છે.જ્યાં બીજી તરફ સુરત હીરા બુર્સના સ્વપ્નદ્રષ્ટા મનાતા વલ્લભભાઇ એસ. લાખાણીએ રાજીનામું ધરી દીધું હોવાની બાબતે ડાયમંડ બુર્સના ભવિષ્યની રણનીતિ અંગે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. તેમજ મોટાપાયે સુરતના હીરા ઉદ્યોગનો વિકાસ કરવા માટે શરૂ થયેલા ડાયમંડ બુર્સની આગળની સ્થિતિ મુશ્કેલીમાં આવી ગઈ છે.

કારણ સામે નથી આવ્યું
સુરત હીરા બુર્સના સ્વપ્નદ્રષ્ટા મનાતા વલ્લભભાઇ એસ. લાખાણીએ રાજીનામું ધરી દીધું હોવાની બાબતે ડાયમંડ બુર્સની મેનેજિંગ કમિટીના કોઇપણ ઉદ્યોગપતિ સભ્ય કશું બોલવા તૈયાર નથી. સાથે જ સુરતના ટોચના હીરા ઉદ્યોગપતિઓમાં એવી ચર્ચાઓ ગરમાગરમ રીતે થઇ રહી છે કે હવે સુરત હીરા બુર્સના ભાવિનું શું, તા.17મી ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેનું ઉદઘાટન કર્યું હતું એ સુરત હીરા બુર્સનું ભાવિ હાલ તો ડામાડોળ થઇ ગયેલું જણાય છે.

ડાયમંડ ઉદ્યોગકારોમાં ખેંચતાણ
ડાયમંડ બુર્સ નું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયા બાદ કાર્યક્રમ દરમિયાન જ અંદરોઅંદર ખૂબ જ ખટરાગ દેખાતો હતો. એવું ચર્ચા રહ્યું હતું કે કમિટી મેમ્બર અને ડાયમંડ બુસના ચેરમેન વચ્ચેનું સંકલન નથી પૂર્વ ચેરમેન અને હાલના ચેરમેનો વચ્ચે પણ યોગ્ય સંબંધો જળવાતા નથી અને તેના કારણે ડાયમંડ બુર્સના ભવિષ્યને લઈને જે નિર્ણય કરવામાં આવી રહ્યા છે.તેમાં પણ યોગ્ય સહમતિ એકબીજાની મળી રહી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ઉદ્ઘાટન કરવા આવ્યા ત્યારે સ્ટેજ ઉપર કોણ બેસશે અને કોણ સ્પીચ આપશે તેને લઈને પણ અંદરો અંદર મતભેદ જોવા મળી રહ્યા હતા. કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને કિરણ જેમ્સના ચેરમેને જે સંપૂર્ણ મુંબઈનું ઓપરેશન સુરત ડાયમંડ બોર થી ચલાવવાનો નિર્ણય કર્યો હતો તે મુજબ તેઓ સુરત તો આવ્યા પરંતુ થોડા દિવસોમાં ફરત મુંબઈ જતા રહ્યા હતા ત્યારથી જ ગમે ત્યારે ચેરમેન પદેથી રાજીનામું આપશે તેવી ચર્ચા હતી.