CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ની વેબસાઈટ, મોબાઈલ એપ લોન્ચિંગ અને બ્રોસરનું લોન્ચિંગ

Published on Trishul News at 5:29 PM, Thu, 21 September 2023

Last modified on September 21st, 2023 at 5:30 PM

Launching of logo and website and app by CM: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને ઉદ્યોગ-વેપારના વૈશ્વિક નકશે અગ્રેસર બનાવવાના હેતુથી ૨૦૦૩માં ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન વાઇબ્રન્ટ સમિટની શરૂઆત કરાવી હતી. વડાપ્રધાનએ શરૂ કરાવેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ(Launching of logo and website and app by CM) આજે નોલેજ શેરિંગ અને સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ માટેના સૌથી પ્રતિષ્ઠિત વૈશ્વિક મંચ તરીકે ઉભરી આવી છે તેમ તેમણે ગૌરવપૂર્વક જણાવ્યું હતું. ગુજરાતને દેશના ગ્રોથ એન્જિન તરીકે પ્રસ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ બની રહેલી આ વાઇબ્રન્ટ સમિટે રાજ્યની સામાજિક આર્થિક સ્થિતિઓમાં પરિવર્તનશીલ બદલાવની શરૂઆત સાથે વિવિધ ઔદ્યોગિક માપદંડોમાં ગુજરાતને અગ્રીમ રાજ્ય બનાવ્યું છે.

નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં ૨૦૦૩માં શરૂ થયેલી વાઇબ્રન્ટ સમિટની ૧૦મી કડી આગામી તારીખ ૧૦ થી ૧૨ જાન્યુઆરી, ૨૦૨૪ના દિવસોએ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાવાની છે.
‘ગેટ વે ટુ ધ ફ્યુચર’ની થીમ સાથે યોજાનારી ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે દેશ-વિદેશના રોકાણકારોને આકર્ષિત કરવામાં મુખ્યમંત્રીએ લોન્ચ કરેલી આ વેબસાઈટ તથા મોબાઇલ એપ વન સ્ટોપ સોલ્યુશન બની રહે તેવા યુઝર ફ્રેન્ડલી બનાવવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વેબસાઈટ અને મોબાઈલ એપ લોન્ચિંગ તથા આકર્ષક બ્રોશરનું અનાવરણ રાજ્યમંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીઓ, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુત, રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિભાગના રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિમાં કર્યું હતું.

VG-2024 વેબસાઇટ ઓનલાઇન રજિસ્ટ્રેશન તેમજ વ્યક્તિઓ, પ્રતિનિધિમંડળો અને સમિટ દરમિયાન યોજાનારી ઈવેન્ટ્સમાં ભાગ લેવા માટે રસ ધરાવતા રોકાણકારોની સુવિધા માટે આ યુઝર-ફ્રેન્ડલી વેબસાઇટ ગુજરાત સરકારની નીતિઓ, વિવિધ પરિમાણોમાં રાજ્યના પર્ફોર્મન્સ અંગેનો ડેટા અને સંભવિત પ્રતિષ્ઠિત રોકાણો અને પ્રોજેક્ટ્સની યાદીનું એક સમગ્ર સંકલન બની રહેશે તેમ મુખ્યમંત્રીએ આ તકે જણાવ્યું હતું.

આ VG એપ એન્ડ્રોઇડ અને iOS એમ બંને મોબાઈલ પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ થશે. સમિટમાં યોજાનારી વિવિધ ઇવેન્ટ્સને વેબસાઇટ અને એપ્લિકેશન દ્વારા ટ્રેક કરી શકાશે. ચેટ, સંબંધિત સરકારી વિભાગો સાથે મીટિંગો શેડ્યુલ કરવી, અન્ય પ્રતિભાગીઓ સાથે B2B મીટિંગો, અન્ય પ્રતિભાગીઓની પ્રોફાઇલ જોવી, પ્રોફાઇલ્સને બુકમાર્ક કરવી અને સમૃદ્ધ મીડિયા કન્ટેન્ટ પોસ્ટ કરવું વગેરે જેવા વિવિધ ફિચર્સ આ વેબસાઈટ અને મોબાઈલ એપમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ(Launching of logo and website and app by CM)ની પ્રગતિને બિરદાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, “ગુજરાત ઉત્તમ નીતિ-નિર્માણ, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, રોકાણકારો માટે મૈત્રીપૂર્ણ અભિગમ, મજબૂત ઔદ્યોગિક અને લોજિસ્ટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ ઉચ્ચ જીવનધોરણનું પ્રદર્શન કરે છે. ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૦૩થી ૨૦૨૩ દરમિયાન આ સમિટના ૯ સંસ્કરણોનું સફળ આયોજન વિકાસને પ્રોત્સાહન આપવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.”

વાઇબ્રન્ટ ગુજરાતના ‘વે ફોરવર્ડ’ (ભવિષ્યનો માર્ગ) વિશે છણાવટ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માત્ર વૈશ્વિક બિઝનેસ નેટવર્કિંગ માટેના પ્લેટફોર્મ તરીકે કામ કરતી નથી, પરંતુ રાજ્યમાં વેપાર અને રોકાણની તકોને સક્રિયપણે પ્રોત્સાહન આપે છે. આ બાબતને પરિપૂર્ણ કરવા, ગુજરાતની સક્ષમતા અને રોકાણની સંભાવનાઓને પ્રદર્શિત કરવા માટે ૧૨ દેશોમાં ૬ આંતરરાષ્ટ્રીય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ, કોલકાતા, લખનઉ, ચેન્નઈ, ચંદીગઢ, ગુવાહાટી, જયપુર અને ઈન્દોરમાં ૧૧ રાષ્ટ્રીય રોડ શો પણ યોજાશે.

વાઈબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ ડિસ્ટ્રીક્ટના જિલ્લા કક્ષાએ યોજાનારા નવતર અભિગમની જાણકારી આપતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, વાઈબ્રન્ટ ડિસ્ટ્રીક્ટની આ પહેલનો હેતુ લોકોને વાઈબ્રન્ટ ગુજરાત સમિટ સાથે જોડવાનો છે. રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓ અને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ મહાનગરપાલિકાઓ મળી કુલ ૩૭ જગ્યાઓએ વાઈબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ સ્થાનિક ઔદ્યોગિક/વ્યાપારિક એસોસિયેશનની ભાગીદારીમાં ઓક્ટોબર મહિનામાં યોજાશે. આ ક્રાર્યકમમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના લાભાર્થી, MSME, સ્ટાર્ટ અપ, સેલ્ફ હેલ્પ ગૃપ્સ, મહિલા ઉધોગ સાહસિકો, ખાદી ગ્રામોદ્યોગ, કુટિર ઉદ્યોગ વગેરેને સાંકળવામાં આવશે.

એટલું જ નહિ, વિવિધ સ્થળોએ એક્ઝિબિશન, ક્રેડિટ – લિઁકેજ સેમિનાર, એક્સ્પોર્ટ સેમિનાર, ODOP (વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ) બજાર, સ્ટાર્ટ અપ અને ઉદ્યોગ સાહસિકતા સેમિનાર, B2B/B2C/B2G મિટિંગો, ડિઝાઇન વર્કશોપ્સ, તથા માર્કેટીંગ અને બ્રાન્ડીંગ વર્કશોપ્સ, વગેરેનું પણ આયોજન કરાશે. મુખ્યમંત્રીએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના અમૃતકાળમાં સર્વાંગી પ્રગતિ અને વિકાસ દ્વારા ભારતને વિકસિત અને વિશ્વગુરૂ બનાવવાની જે નેમ રાખી છે તેને વાઇબ્રન્ટ ગુજરાત સમિટની દસમી કડી સાકાર કરશે.

ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, ગુજરાતને ગતિ સાથે પ્રગતિશીલ અને વિકાસશીલ બનાવવાના ઉદ્દેશ સાથે તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની વર્ષ ૨૦૦૩થી શરૂઆત કરી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આજે દસમા “વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪”ની વેબસાઈટ, મોબાઈલ એપ્લિકેશન અને બ્રોસરનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે.

મંત્રીએ ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના આયોજનો થકી મળેલી અભૂતપૂર્વ સિદ્ધિઓ અંગે વિસ્તૃત માહિતી આપતા ઉમેર્યું કે, વર્ષ ૨૦૦૩ થી ૨૦૧૯ સુધીમાં ગુજરાતના ૯ વાઇબ્રન્ટ સમિટ યોજાઈ ચૂકી છે. જે અંતર્ગત ૧૩૫થી વધુ દેશોના ૪૨ હજારથી વધુ પ્રતિનિધિઓએ અદભૂત અને ઉત્સાહવર્ધક ભાગીદારી નોંધાવી છે. વર્ષ ૨૦૧૯માં ૨૮,૩૬૦ એમ.ઓ.યુ થયા હતા, જે પૈકી ૨૧,૩૪૮ પ્રોજેક્ટ શરૂ થઈ ગયા અને ૧,૩૮૯ પ્રોજેક્ટ હાલ અમલીકરણ હેઠળ છે એટલે કે ૮૦ ટકાથી વધુ એમ.ઓ.યુ. સફળ થયા છે. તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં તબક્કાવાર યોજાઈ ચૂકેલી ૯ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને પરિણામે દેશના જીડીપીમાં ગુજરાતનો હિસ્સો અંદાજે ૮.૪ ટકા, નિકાસમાં અંદાજે ૩૩ ટકા, ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૮ ટકા, ફેક્ટરીઓમાં ૧૧ ટકા હિસ્સો ગુજરાતનો નોંધાયો છે જે આપણા સૌ ગુજરાતીઓ માટે ગૌરવપૂર્ણ બાબત છે.

તેમણે કહ્યું કે, રોજગારી આપવામાં ગુજરાત દેશમાં પ્રથમ નંબરે છે. એટલું જ નહિ અન્ય ક્ષેત્રોમાં પણ ગુજરાતના રેન્કીંગ અવ્વલ રહ્યા છે. જેમાં સ્ટાર્ટ-અપમાં પ્રથમ સ્થાને, લોજીસ્ટીક રેંકીંગમાં પ્રથમ, વ્યાપાર કરવાની સરળતામાં દ્વિતીય, એફ.ડી.આઈ.માં તૃતીય અને ઉદ્યમ નોંધણીમાં પાંચમાં ક્રમે ગુજરાત છે. મંત્રીએ વધુમાં કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત રાજ્યનું સુકાન સાંભળ્યું ત્યારથી આજદિન સુધી ૧૦૮ કંપનીઓ સાથે ૧૧૮ પ્રોજેક્ટ માટે એમ.ઓ.યુ કરવામાં આવ્યા છે. જેના થકી રૂ.૧,૪૬,૦૦૦ કરોડના મૂડી રોકાણથી ૧,૫૩,૦૦૦ રોજગારી આપવામાં આવી છે.

ભારત દુનિયામાં ત્રીજા મહત્વના સ્થાને છે. વર્ષ-૨૦૨૭ સુધીમાં દેશની અર્થવ્યવસ્થા પાંચ ટ્રિલીયન યુ.એસ. ડોલર સુધી લઈ જવાનો દેશના વડાપ્રધાનનો લક્ષ્યાંક છે ત્યારે આ લક્ષ્યાંક સામે ગુજરાતનું યોગદાન ૧ ટ્રિલીયન ડોલર રહે તે મુજબના લક્ષ્ય સાથે આયોજનો ગુજરાતમાં કરવામાં આવી રહ્યા હોવાનું મંત્રી બળવંતસિંહ રાજપૂતે વધુમાં ઉમેર્યું હતું. મુખ્ય સચિવ રાજકુમારે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, વાયબ્રન્ટ ગુજરાત સમિટ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોને ગુજરાતમાં રોકાણનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ પુરું પાડે છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આઝાદીના અમૃતકાળમાં ભારતને વધુને વધુ આત્મનિર્ભર બનાવી વર્ષ ૨૦૪૭માં વિકસીત ભારત બનાવવામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આગામી વર્ષ ૨૦૨૪માં સફળ વાયબ્રન્ટ ગુજરાત સમિટ યોજાશે તેવો વિશ્વાસ વ્યક્ત કરીને મુખ્ય સચિવએ આ પ્રસંગે સૌ ઉદ્યોગકારો – એસોસિએશનના હોદ્દેદારોને આવકાર્યા હતા.

ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે.હૈદરે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન સહિતના વિવિધ વિભાગોના વરિષ્ઠ સચિવો ઉપરાંત ઉદ્યોગકારો અને ઉદ્યોગ ક્ષેત્રના વિવિધ સંગઠનોના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Be the first to comment on "CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ની વેબસાઈટ, મોબાઈલ એપ લોન્ચિંગ અને બ્રોસરનું લોન્ચિંગ"

Leave a comment

Your email address will not be published.


*