ગુજરાત વિધાનસભા 2022 (gujarat election 2022) ના પરિણામો આવી ગયા છે. ભારતીય જનતા પાર્ટીએ દરેક એક્ઝિટ પોલ ખોટા સાબિત કરી ધાર્યા કરતા વધુ સારું પરિણામ લાવી ઇતિહાસ રચી દીધો છે. 150 સીટોના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરેલી ભારતીય જનતા પાર્ટીએ 182 માંથી 156 સીટો પર જીત મેળવી છે. બીજી બાજુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સુપડા સાફ થઈ ગયા છે.
સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી જીતનો વિજય ઉત્સવ મનાવી રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ એ અંગે ચર્ચા વિચારણા કરી રહ્યા છે કે નવી ભાજપ સરકાર કેવી હશે અને કોની હશે? હાલમાં તો ભુપેન્દ્ર પટેલ અને પ્રધાનમંત્રી મોદીની ડબલ એન્જિન સરકાર છે, પરંતુ જોવાનું એ રહ્યું કે જ્યારે નવી સરકાર બનશે ત્યારે કોણ મુખ્યમંત્રી હશે? હાલમાં દરેક લોકો માની રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જ હશે, પરંતુ સૂત્રોનું માનવું છે કે, જ્યારે આ વખતે 150 થી વધુ સીટો ભારતીય જનતા પાર્ટીને મળી છે ત્યારે સરકારનું વજન અને જવાબદારીઓ ખૂબ જ વધી ગઈ છે.
સૂત્રોનું માનવું છે કે, નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હોય તેની સંભાવના ખુબ ઓછી છે. કારણ કે આટલી મોટી જંગી બહુમત હોય ત્યારે ભૂલ થવાની સંભાવના પણ રહેલી છે, આટલા મોટા વહીવટી તંત્રમાં એક નાની ચૂક ભારે પડી શકે છે. આ વાત મોદી અને શાહ સારી રીતે સમજે છે. સૂત્રોનું કહેવું છે કે, આમ તો ભુપેન્દ્ર પટેલની કોઈ નબળાઈ નથી, પરંતુ તેમનો નેગેટિવ પોઇન્ટ પણ તેમની સજ્જનતા છે. આવી પરિસ્થિતિમાં અધિકારીઓ કબજો લઈ લે તેવી શક્યતાઓ વધારે રહેલી છે. પ્રધાનમંત્રી મોદીએ પણ આ જ વાતનું ધ્યાન રાખ્યું હતું.
સવા વર્ષ દરમિયાન ભુપેન્દ્ર પટેલે ખૂબ સારી રીતે સરકાર ચલાવી, અને જે પરિણામ મળ્યું તેનો શ્રેય તેમને આપી શકાય. પરંતુ પ્રધાનમંત્રી મોદી અને પાર્ટીના દિગ્ગજ નેતાઓ જાણે છે કે ભુપેન્દ્ર પટેલને તેમની સજ્જનતા કે શાલીનતાને લીધે આ બેઠકો નથી મળી. હવે જ્યારે આટલી સીટો મળી છે તો આ વજનદાર સરકારને ચલાવવા માટે એક વજનદાર મુખ્યમંત્રીની પણ પાર્ટીને ખૂબ જરૂર છે.
સુત્રોનું માનવું છે કે, ગુજરાતના આગામી મુખ્યમંત્રી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બની શકે છે. કારણ કે, તેમના માટે પણ વિશેષ જવાબદારી છે અને તેઓ PM મોદીના અંગત પણ રહ્યા છે. હવે આવી સ્થિતિમાં કેન્દ્રમાંથી ખસેડવા કે નહિ ખસેડવા આ નિર્ણય પ્રધાનમંત્રી મોદી જ લેશે.
સુત્રોએ વધુમાં કહ્યું કે, જો આ પ્રમાણે ન થાય તો એવું પણ બની શકે કે, કેન્દ્રીયમંત્રી મંડળમાંથી કોઈને ગુજરાત મોકલી શકે છે. જેમ કે મનસુખ માંડવીયા અને પરષોત્તમ રૂપાલા.. તેમને પણ મુખ્યમંત્રીની જવાબદારી મળી શકે છે.
આ સિવાય પણ ત્રીજીનામ સામે આવે છે જે લાંબા સમયથી ખુબ ચર્ચામાં હતું પરંતુ તેમનો ઉપયોગ થઇ શક્યો નથી. નરેન્દ્ર મોદીએ બખૂબી તેમનો ઉપયોગ કર્યો છે અને તે પણ પોતે નરેન્દ્ર મોદીના ખાસ વિશ્વાસુ છે. નરેન્દ્ર મોદીની આંખ ફરે ને નરેન્દ્ર મોદીની ઈચ્છા સમજી શકે તેવા એક નેતા છે પ્રફુલ પટેલ…
હિંમતનગરથી ધારાસભ્ય બનેલા પ્રફુલ પટેલ ગૃહરાજ્ય મંત્રી પણ રહી ચુક્યા છે અને હાલ દીવ દમણ દાદરા નગર હવેલીના લેફ્ટનન્ટ ગવર્નર પણ છે. પ્રફુલ પટેલ પણ ગુજરાતના આગામી મુખ્યમંત્રી બને તેવી શક્યતાઓ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.