‘રાજ્યમાં ભાજપ આવ્યા બાદ ગુજરાતનો નહિ પરંતુ ભાજપના નેતાઓનો જ વિકાસ થયો છે’ -ઇસુદાન ગઢવી

ગુજરાત(GUJARAT): રાજ્યમાં ભાજપ સરકાર 20 વર્ષ થી શાશનમાં આવી છે. ત્યારે સરકાર દ્વારા વંદે ગુજરાત વિકાસયાત્રા પણ શરુ કરવામાં આવી છે. ત્યારે આજરોજ આમ આદમી પાર્ટીએ ગુજરાત ભાજપ સરકાર પર સવાલ ઉઠાવ્યા છે અને ભાજપ વિકાસ યાત્રા અને વિકાસ રથના નામે જનતાને ભ્રમિત કરી રહી હોવાનો આરોપ લગાવ્યો છે. ભાજપ માત્ર વચનો આપે છે અને પછી તે વચનોની વિરુદ્ધ કામ કરતી હોય છે. ભાજપ વિકાસ યાત્રા અને વિકાસ રથના નામે જનતાને ગુમરાહ કરી રહી છે. 

આમ આદમી પાર્ટી(AAP)ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી(Isudan Gadhvi)એ ભાજપ સરકારને લીધી આડેહાથ લીધી હતી. એક મહત્વના મુદ્દે મીડિયાને સંબોધતા તેમણે જણાવ્યું કે, ભાજપ સરકાર વારંવાર લોકોની લાગણી સાથે રમત કરી રહી છે, સતત અલગ-અલગ વાયદાઓ કર્યા પછી તે બિલકુલ પુરા કર્યા નથી.પરંતુ તેનું શું થયું? તેનો પણ જવાબ ન આપ્યો. જેમ ભાજપ(BJP) સરકારે કુપોષણ મુક્ત ગુજરાત બનાવવાની વાત કરી હતી, 2012માં આ વચન આપ્યું હતું, આજે 2022 ચાલી રહ્યું છે અને આજે પણ ગુજરાતમાં ત્રણ લાખથી વધુ કુપોષિત બાળકો છે. ગુજરાતમાં ભાજપ ગમે તેટલા વચનો આપે, તેનાથી વિપરીત જ કરે છે.

ભાજપે એક વખત આવી હાસ્યાસ્પદ વાત કહી હતી કે નળમાંથી પેટ્રોલ આવે છે. આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં ઘણો ભ્રષ્ટાચાર છે અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પણ કહ્યું છે કે ઘણા સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચાર વ્યાપેલો છે. તેનો સ્પષ્ટ અર્થ છે કે તે વાતો અલગ કરે છે અને કામ અલગ કરે છે. ગુજરાત સરકાર પાસે 11000 કરોડનો કોઈ હિસાબ નથી, આ માત્ર એક ઉદાહરણ છે. ભાજપના શાસનમાં ભ્રષ્ટાચારના જે પણ આક્ષેપો થાય છે તેની તપાસ પણ થતી નથી.

2017માં ભાજપે કહ્યું હતું કે, 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી થશે, પરંતુ આજે સ્થિતિ એવી છે કે ખેડૂતોની આવક બમણી થવાને બદલે તેમના ખર્ચમાં વધારો થયો છે. અને તેના કારણે ખેડૂતો ધીરે ધીરે પાયમાલ થઇ રહ્યા છે. ભાજપે કહ્યું હતું કે 2022 સુધીમાં નર્મદાનું પાણી 18,45,000 હેક્ટર જમીન સુધી પહોંચી જશે. આ પણ શક્ય ન થયું. 2007માં નરેન્દ્ર મોદીએ કલ્પસર નું ભૂમિપૂજન કર્યું હતું, ત્યારબાદ 2012માં પણ ભૂમિપૂજન કર્યું હતું, પરંતુ આજે 2022માં પણ તે પ્રોજેક્ટમાં કોઈ કામ ન થવાને કારણે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ ગયો છે.

2013માં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, તેઓ સ્વામીનાથન કમિટીના રિપોર્ટને લાગુ કરશે, પરંતુ 2014માં તેમની સરકાર બની, ત્યાર બાદ આજ સુધી 8 વર્ષમાં સ્વામીનાથન કમિટીના રિપોર્ટનો અમલ થયો નથી. નરેન્દ્ર મોદીજી એ પણ વચન આપ્યું હતું કે 2022 સુધી કોઈ ગુજરાતી ઝૂંપડપટ્ટીમાં નહીં રહે પરંતુ આજે ગુજરાતમાં એક કરોડથી વધુ લોકો ઝૂંપડપટ્ટીમાં રહે છે.

આ સિવાય કે જી બેસિન માંથી ગેસ નીકળતો હોવાની ચર્ચા હતી પરંતુ આજે તેમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. ભાજપે વચન આપ્યું હતું કે, દરેક મધ્યમ વર્ગ અને ગરીબ વ્યક્તિને આર્થિક રીતે સશક્ત બનાવવામાં આવશે પરંતુ આજે 4 નાગરિકોમાંથી 1 વ્યક્તિ BPLની શ્રેણીમાં આવે છે. આજે ગુજરાતમાં એક કરોડથી વધુ લોકો BPLની શ્રેણીમાં આવે છે, તેથી હું ભાજપને પૂછું છું કે તમે અત્યાર સુધી શું કર્યું?

અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે, વિકાસયાત્રા જેવા કાર્યક્રમો કરીને તેઓ માત્ર લોકોને ગેરમાર્ગે દોરે છે, તે શરમજનક બાબત છે. જનતાના પૈસા થી વિકાસ યાત્રા જેવા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. બીજી તરફ પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે, જ્યાં સરકાર બન્યાના 3 મહિનાની અંદર આમ આદમી પાર્ટી એ વીજળી ફ્રી કરી દીધી. સરકાર એવી હોવી જોઈએ કે જે જલ્દી થી જલ્દી પોતાના વચન પૂર્ણ કરે અને જનતાની સેવા કરે.

ભાજપના લોકો કહે છે કે અમે જે કહીએ છીએ તે કરીએ છીએ, તો હું ગુજરાતના યુવાનોને અપીલ કરવા માંગુ છું કે, તમે ભાજપને સોશિયલ મીડિયા પર જવાબ આપો કે તેઓએ આજ સુધી કંઈ કર્યું નથી. જ્યારથી ભાજપ સત્તામાં આવ્યું છે ત્યારથી માત્ર ભાજપના નેતાઓ, અને ભાજપના કાર્યાલયનો જ વિકાસ થયો છે. આ મહત્વની પ્રેસ કોન્ફરન્સમાં ઈસુદાન ગઢવીની સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારી પણ હાજર રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *