વાઘોડિયા બેઠકના અપક્ષ MLA ધર્મેન્દ્રસિંહ વાઘેલા આપશે રાજીનામું- કેસરિયો ધારણ કરે તેવી પ્રબળ શક્યતાઓ

Published on Trishul News at 4:53 PM, Wed, 24 January 2024

Last modified on January 24th, 2024 at 4:54 PM

MLA Dharmendra Singh Vaghela: હાલમાં ભાજપમાં ભરતીમેળો ચાલી રહ્યો છે.અન્ય પક્ષમાંથી આવેલા નેતા ભાજપમાં જોડાઈ રહ્યા છે. તેમજ ભાજપ દ્વારા 26 કાર્યાલયના ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું.ત્યારે આજે વડોદરાની વાઘોડિયા બેઠકના અપક્ષ ધરાસાભ્ય પદેથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા(MLA Dharmendra Singh Vaghela) આવતીકાલે રાજીનામું આપશે. ત્યારબાદ વિધિવત્ રીતે ભાજપમાં જોડાશે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયા બેઠક પરથી ભાજપમાંથી પેટાચૂંટણી લડશે. ભાજપમાં રાજકીય સમીકરણ સેટ થઈ જતાં તેમણે રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. જોકે, અગાઉ બે વખત ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપશે તેવી ચર્ચાઓ ચાલી હતી.

આટલા કરોડની સંપત્તિ ધરાવે છે ધર્મેન્દ્રસિંહ
2022માં ગુજરાત વિધાનસભાની વાઘોડિયા બેઠક પર અપક્ષ તરીકે ધર્મેન્દ્રસિંહે ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જેમાં તેઓએ સંપત્તિની માહિતી પણ આપી, હતી. વાઘોડિયાના અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા જિલ્લામાં સૌથી ધનિક ઉમેદવાર હોવાનું સામે આવ્યું હતું. ધર્મેન્દ્રસિંહ વાઘેલાની કુલ સંપત્તિ 110 કરોડ રૂપિયાની હોવાનું તેમણે ફોર્મમાં જણાવ્યું. માત્ર ધર્મેન્દ્રસિંહ વાઘેલા જ નહિ, તેમના પત્ની પણ લખપતિ છે. તેમના પત્નીની કુલ સંપત્તિ 90 લાખ છે. સોગંધનામા મુજબ, વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવારી કરનારા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વર્ષ 2017માં 97 કરોડ 82 લાખ 51 હજાર 699ની સંપત્તિ જાહેર કરી હતી.

જો કે 2017ની ચૂંટણીમાં તેમનો ભાજપના ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ સામે પરાજય થયો હતો. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ ધર્મેન્દ્રસિંહે ફરી એકવાર અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આ વખતે ધર્મેન્દ્રસિંહે સોગંદનામામાં 1 અબજ 11 કરોડ, 98 લાખની સંપત્તિ જાહેર કરી છે. એટલે કે છેલ્લા પાંચ વર્ષમાં તેમની સંપત્તિમાં 14 કરોડ 15 લાખ 88 હજારનો વધારો થયો છે. તો તેમના માથા પર હાલ 27 કરોડનું દેવું છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જંગમ મિલકત 46 કરોડ અને સ્થાવર મિલકત 64 કરોડ રૂપિયા છે. આ સાથે જ ધર્મેન્દ્રસિંહ વાઘેલા પાસે 12.56 કરોડના વાહનો છે, જેમાં 95 કોમર્શિયલ વાહન અને 5 મોટરકાર છે.

વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડાએ રાજીનામું આપ્યું
જોકે, થોડા દિવસ પહેલાં જ ગુજરાત કોંગ્રેસના વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડાએ રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાઈ શકે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું.

ભાજપે 2024 લોકસભા ચૂંટણીનું રણશિંગુ ફૂક્યું
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં લોકસભા ચૂંટણી નજીક આવતા જ પક્ષપલટો અને રાજીનામાની રાજનીતિનો દોર શરૂ થઈ ગયો છે. એવામાં ભાજપે ગઈકાલે 2024ની લોકસભા ચૂંટણીનું રણશિંગુ ફૂક્યું હતું અને તમામ લોકસભા બેઠકના મધ્યસ્થ કાર્યાલય શરૂ કર્યાં હતાં. જોકે, ભાજપ ગુજરાતમાં ઓપરેશન લોટ્સ અંતર્ગત કોંગ્રેસ અને આપના નેતાઓને પાર્ટીમાં સામેલ કરી રહ્યું છે.