સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા અને પોરબંદરના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. દડિયાના પાર્થિવદેહને દર્શન માટે આજે જામકંડોરણા ખાતે આવેલા કન્યા છાત્રાયલ ખાતે દર્શન માટે મૂકવામાં આવ્યો હતો. આજે વહેલી સવારથી રાદડિયાના અંતિમ દર્શન માટે લાંબી લાંબી કતારો લાગી હતી.
મુખ્ય મંત્રી રૂપાણી, ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ વાઘાણી સહીતના નેતાઓ રાદડિયાની અંતિમક્રિયામાં ભાગ લેવા માટે જામકંડોરણા આવી પહોંચ્યા હતા. સીએમ રૂપાણીએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. વિ્ઠ્ઠલભાઈ અમર રહો, છોટે સરદાર વિઠ્ઠલ ભાઈ, અમારા નેતા વિઠ્ઠલ ભાઈ, ગરીબોના નેતા વિઠ્ઠલભાઈના નારા સાથે રાદડિયાને અંતિમ યાત્રા નીકળી હતી. આશરે 50 હજાર લોકો રાદડિયાની અંતિમ યાત્રામાં નીકળ્યા હતા.
જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અંતિમયાત્રા માટે ખાસ શબવાહિનીને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો. જામકંડોરણામાં સ્વયંભૂ બંધ પાળી વેપારીઓ અંતિમયાત્રામાં જોડાયા છે. અંતિમયાત્રાનીકળતા જ વિઠ્ઠલભાઇના પત્ની ચેતનાબેને હૈયાફાટ રૂદન કરતા વાતાવરણ ગમગીન બની ગયું હતું. અંતિમયાત્રા નીકળતા જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. પુત્ર જયેશભાઇએ મુખાગ્નિઆપતા જ વિઠ્ઠલભાઇનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો. આ તકે જયેશભાઇ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.
અંતિમયાત્રા નિવાસસ્થાનેથી નીકળતા જ હજાકોલોકોની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા. શણગારેલી શબવાહિનીમાં આગળ વિઠ્ઠલભાઇનો સાફા વાળો ફોટો રાખવામાં આવ્યો છે. અંતિમયાત્રામાં જય જવાન જય કિસાન, વિઠ્ઠલભાઇ તમે અમર રહોના નારા લોકો દ્વારા લગાવવામાં આવી રહ્યા છે. ખેડૂતોમાં પણ ગમગીની જોવા મળી રહી છે. અંતિમસંસ્કાર જામકંડોરણાના સ્મશાનમાં કરવામાં આવ્યા.
વિઠ્ઠલભાઇની અંતિમયાત્રામાં દરેક સમાજના લોકો જોડાયા હતા. મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો પણ જોડાયા હતા.ખેડૂત નેતા વિઠ્ઠલભાઇ રાદડિયાની અંતિમયાત્રા જામકંડોરણા ખાતેથી નીકળી ત્યારે સમગ્ર જામકંડોરણાના લોકો હિબકે ચડ્યા હતા તમામની આંખોમાં આંસુ હતા.વરસાદ હોવા છતાં મોટી સંખ્યામાં અંતિમ દર્શન કરવા ઉમટ્યા હતા.
રૂપાણીએ જણાવ્યું હતું કે, વિઠ્ઠલભાઇનું બહુ દુખ છે. તેઓ ગરીબોના બેલી હતા. જમીનથી જોડાયેલા નેતા હતા. તેની અધૂરી કામગીરી જયેશ રાદડિયા તેની ટીમ અને ભાજપ જરૂર પૂરી કરશે તેવી શ્રદ્ધા છે. તેની ખોટ કદી નહીં ભૂલાઇ.
ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પુષ્પાંજલિ અર્પણ કરીને વિઠ્ઠલભાઇના પાર્થિવ દેહના અંતિમ દર્શન કર્યા હતા. આ ઉપરાંત કુંવરજી બાવળિયા, લલિત વસોયા, આર.સી. ફળદુ, અર્જુન મોઢવાડિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, રાઘવજીભાઇ પટેલ, દિલીપ સંઘાણી અને બાવકુ ઉંધાડ સહિતના નેતાઓએ પાર્થિવ દેહના દર્શન કરી રાદડિયા પરિવારને સાંત્વના પાઠવી હતી.